Advertisement
Author: નોબત સમાચાર

ખાંડના ભાવો અંકુશમાં રાખવા કેન્દ્રએ વેપારીઓ માટે તા. ૧-સપ્ટેમ્બરથી લાગુ કરી સ્ટોક મર્યાદા

ઓછો વરસાદ થતા શેરડીના પાકને માઠી અસર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૦: ખાંડના ભાવોમાં ઉછાળો આવતા કેન્દ્ર સરકારે ભાવ નિયંંત્રણ માટે વેપારીઓ માટે ૧પ દિવસના સ્ટોકના સંગ્રહની મર્યાદા નક્કી કરી છે.

ભારત સરકારે તહેવારોમાં ખાંડની વધતી માંગ અને ભાવવધારાને અંકુશમાં લેવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. ૧ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી, ૧૦ મેટ્રિક ટનથી વધુ ખાંડનો વેપાર કરનારા ડીલરો ૧૫ દિવસથી વધુનો સ્ટોક રાખી શકશે નહીં.

આ નિયમ જમાખોરી રોકી બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા અને કિંમતો નિયંત્રણમાં રાખવા માટે લવાયો છે.

ભારત દુનિયામાં ખાંડનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને કારણે દેશમાં ખાંડની માંગમાં મોટો ઉછાળો આવે છે. તહેવારોની સિઝનમાં વધતી માંગ અને મોંઘવારીને પહોંચી વળવા માટે સરકારે ખાંડના સ્ટોક સંબંધિત નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે એક મહિનામાં ૧૦ મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કે વેપાર કરતા ડીલરો ૧૫ દિવસથી વધુનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે નહીં.

આ નવો નિયમ ૧ સપ્ટેમ્બરથી લાગુ થશે અને ૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે.

તહેવારોમાં જમાખોરી રોકવા સ્ટોક લિમિટ અડધી કરાઈ

તહેવારોના દિવસોમાં ઘરો ઉપરાંત બિસ્કિટ, મીઠાઈ અને અન્ય ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ મોટા પાયે ખાંડની ખરીદી કરે છે. વેપારીઓ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક ભેગો ન કરે અને જમાખોરીના કારણે ભાવ ન વધે તે માટે સરકારે આ પગલું ભર્યું છે. અગાઉ સરકારે વેપારીઓ માટે સ્ટોક રાખવાની મર્યાદા ૩૦ દિવસ કરી હતી, પરંતુ તેમ છતાં ભાવમાં વધારો ચાલુ રહેતાં હવે આ સમયગાળો ઘટાડીને માત્ર ૧૫ દિવસ કરી દેવાયો છે.

ખાંડના ભાવમાં     રેકોર્ડબ્રેક વધારો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા એક મહિનામાં ખાંડની કિંમતોમાં આશરે ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. ઉદ્યોગ સંગઠનના આંકડા મુજબ, મંગળવારે દેશમાં ખાંડની સરેરાશ એક્સ-મિલ કિંમત ૫૪૦૦ થી ૫૫૦૦ પ્રતિ ક્વિન્ટલ રહી હતી, જે એક વર્ષ પહેલાં ૩૯૦૦ પ્રતિ ક્વિન્ટલ હતી. બીજી તરફ રિટેલ બજારમાં પણ ૧૮ ઓગસ્ટે ખાંડની સરેરાશ કિંમત ૫૨.૩૦ પ્રતિ કિલો પહોંચી ગઈ છે, જે ગત વર્ષે આ સમયે ૪૬.૩૪ પ્રતિ કિલો હતી. આમ, વાર્ષિક ધોરણે રિટેલ ભાવમાં ૧૩% નો વધારો થયો છે.

નવા પાક અને ઓછા વરસાદને લીધે ચિંતા

ખાંડની નવી સિઝન ૧ ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ આ વખતે શરૂઆતી સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉદ્યોગના અંદાજ મુજબ, નવી સિઝનની શરૂઆતમાં ૪૦થી ૪૨ લાખ ટન ખાંડ ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે દેશની સ્થાનિક જરૂરિયાત આશરે ૫૦ લાખ ટન છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ અને સૂકું વાતાવરણ રહેવાને કારણે શેરડીના પાકને પણ અસર પહોંચી છે, જેનાથી આગામી સમયમાં ઉત્પાદન પર અસર પડી શકે છે.

હાલની સિઝનની સ્થિતિ અને સરકારની નજર

હાલની ૨૦૨૫-૨૬ની સિઝનમાં દેશમાં કુલ ખાંડની ઉપલબ્ધતા આશરે ૩૨૦ લાખ ટન રહેવાનો અંદાજ છે, જેની સામે સ્થાનિક વપરાશ ૨૮૫ લાખ ટન છે. આશરે ૭ લાખ ટન નિકાસ બાદ સિઝનના અંતે ૩૫ લાખ ટન સ્ટોક બચવાની શક્યતા છે. ખાદ્ય મંત્રાલય ખાંડના સ્ટોક પર સતત નજર રાખી રહૃાું છે અને શુગર મિલોને ઓનલાઇન ફોર્મ તથા વેરિફાઇડ ઇમેઇલ આઇડી દ્વારા વેચાણ અને ઉપાડની સાચી માહિતી આપવા આદેશ આપ્યો છે, જેથી દેશમાં ખાંડની ચોક્કસ સ્થિતિ જાણી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh