Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાનો સંવેદનશીલ અભિગમ
જામનગર તા. ૨૦: જામનગરમાં યોજાયેલ 'સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ' માત્ર એક સરકારી ઔપચારિકતા પૂરતો મર્યાદિત ન રહેતા, રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના સંવેદનશીલ અને પ્રેરણાદાયી અભિગમનો સાક્ષી બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડતા શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, 'કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે' તેવા રાજ્ય સરકારના દૃઢ નિર્ધારને ચરિતાર્થ કરવા માટે તેમણે પોતે ગ્રાઉન્ડ લેવલ પર મોરચો સંભાળી જામનગરના વિવિધ વિસ્તારોમાં ડ્રોપ-આઉટ થયેલા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી.
રિવાબાએ સોનલ નગર વિસ્તારમાં રહેતા ચાવડા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહના નિવાસસ્થાને પહોંચી તેમની સ્થિતિ જાણીને તેમને ધોરણ ૬ માં પુનઃ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ લાલવાડી વિસ્તારના વાડી વિસ્તારમાં રહેતા હર્ષિતા નવીનભાઈ પરમારના ઘરે જઈ તેમને પ્રોત્સાહિત કરી ધોરણ ૯ માં શાળા પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત, માધાપર ભૂંગા વિસ્તારની મુલાકાત લઈ વાઢા માહેનુર હુસેન તથા અફસાનાબાનુ શબીરભાઈ ગઢને ધોરણ ૫ માં તેમજ રઝીયા કાસમભાઈ કકલ અને જેનમ કાસમભાઈ કકલને ધોરણ ૯ માં શૈક્ષણિક કીટ અર્પણ કરી પુનઃ શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવાની વ્યવસ્થા કરી હતી.
આ મુલાકાત દરમિયાન રિવાબાએ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મુક્ત મને ચર્ચા કરી બાળકોએ કયા સંજોગોમાં અભ્યાસ છોડવો પડ્યો તેની વિગતો મેળવી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમની લાગણીસભર સમજાવટ બાદ વાલીઓએ બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવાનું વચન આપ્યું હતું. શિક્ષણ મંત્રીશ્રીની આ સાહજિક, વ્યક્તિગત મુલાકાત અને સંવેદનશીલ પહેલ જામનગરના નાગરિકો અને વાલીઓમાં પણ ભારે પ્રશંસાનું કેન્દ્ર બની હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે રાજ્ય સરકાર દરેક બાળકના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યના ઘડતર માટે સતત કાર્યરત અને કટિબદ્ધ છે.
આ પ્રસંગે મંત્રી સાથે મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન, રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, ચંદ્રકાંતભાઈ ખાખરીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial