Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટર, ટ્રાફિક, સફાઈ જેવા મુદ્દા એજન્ડામાં કેમ નહીં...? વિપક્ષ
જામનગર તા. ૧૯: જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી એક પણ વિકાસ એજન્ડા વગરની સામાન્ય સભામાં વિપક્ષના કોર્પોરેટરોએ ઉગ્ર રજૂઆત કરી સમયની બરબાદી નહીં કરવા અને નાના-મોટા કામોની સામાન્ય સભામાં ચર્ચા કરવા રજૂઆત કરી છે.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢાના અધ્યક્ષસ્થાને મળી હતી.
જામનગરમાં પાંચ સ્થળોએ ગાર્ડન ડેવલોપમેન્ટ કરવાની દરખાસ્ત અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર) ર.૦ ની દરખાસ્તને કોઈપણ ચર્ચા વગર સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ પછી યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિપક્ષના અલ્તાફભાઈ ખફીએ જણાવ્યું હતું કે, એજન્ડામાં કોઈ વિકાસ એજન્ડા નથી. શું આપણે સાવ નવરા થઈ ગયા છીએ...? કોઈ કામ જ નથી...? શા માટે તંત્રનો સમય બગાડો છો...? બધું જ સ્ટેન્ડીંગમાં નક્કી થઈ જાય છે. શહેરમાં સફાઈ, ટ્રાફિક, ભૂગર્ભના અનેક પ્રશ્નો છે. તેની કોઈ જ ચર્ચા જ નહીં...? લોકો આપણી પાસે અપેક્ષા રાખે છે. આવા પ્રશ્નો બોર્ડમાં લાવો જેથી ચર્ચા થઈ શકે.
આ પછી તેમણે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. કે, ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં કેટલા રૂપિયાનો ખર્ચ કરાયો છે...? તેના જવાબમાં જણાવાયું હતું કે, વર્ષ-ર૦૧પ થી અત્યાર સુધીમાં ૩૦૮ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આથી અલ્તાફભાઈએ કહ્યું હતું કે, પ૦૦ કરોડ ગટરમાં ગયા છે. કોઈ જ પરિણામ મળ્યુ નથી. વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સફાઈમાં પણ આવી જ સ્થિતિ છે. ખરેખર લોકોને સંતોષ થાય તેવી કામગીરી કરવી જોઈએ, અને કસુરવાન કંપનીને બ્લેકલીસ્ટ કરવી જોઈએ.
આ પછી આનંદ રાઠોડએ ટાઉન હોલ, મહાનગર પાલિકાનું સામાન્ય સભાનું બિલ્ડીંગ વગેરેના કરોડોના બાંધકામ માટે કન્સલ્ટન્ટને રાખી તેને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે. આમ છતાં પ્રોજેકટ પૂર્ણ થાય ત્યાં ખર્ચ બમણો થઈ જાય છે. શા માટે..? ખર્ચમાં ૧૦થી ૨૦ ટકા વધ-ઘટ થઈ શકે પરંતુ બમણો ખર્ચ થાય ? જનરલ બોર્ડની ઈમારતના બાંધકામનો ખર્ચ ચાર કરોડ પહોંચ્યો છે. આવા કન્સલ્ટન્ટની સેવા લેવાનું બંધ કરવુ જોઈએ, આ પછી બાયોગેસ પ્લાન્ટ અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ છે શા માટે ? તે અંગે પણ પ્રશ્ન ઉઠવા પામ્યો હતો. વિપક્ષના અસ્લમ ખીલજીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, રિવર ફ્રન્ટ, અને રંગમતિ નદી પહોળી કરવા, ઉંડી ઉતારવાના કામ સામે કોઈ વાંધો નથી, પરંતુ પાડતોડ કામગીરીમાં પક્ષપાત નહી રાખવા સુચના છે. ખાસ કરીને ડી.આર.એલ. માપણીના નામે ખોટી હેરાનગતિ કરવામાં આવે નહી તેનુ ધ્યાન રાખવુ. અને આવાસ યોજનામાં અસરગ્રસ્તોને પ્રાથમિકતા આપવામાં આવે. આ પછી ફુરકાન શેખએ સેસ્ટર રજીસ્ટરનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પછી ભાજપના કિશન માડમએ ચર્ચામાં ભાગ લેતા જણાવેલ કે, અધિકારીઓ કાળી પટી બાંધીને વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે આવા અધિકારીના સીઆર રીપોર્ટ તેની સામે કોઈ ઈન્કવાયરી છે ? તમામ મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ. વિપક્ષના નેતા ધવલ નંદાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, નવા વિસ્તારમાં ભૂગર્ભના ૨૦૦ કરોડના કામો ચાલે છે તેમાં કેટલી કંપની કામ કરે છે ! ત્યારે જવાબ મળ્યો હતો. કે ૬ કંપનીઓ કામ કરે છે. જેમાં એક કંપની પાસે ત્રણ કામ છે ત્યારે ફરી સવાલ ઉઠાવાયો હતો કે, એક કંપની બેથી વધુ જગ્યાએ કામ કરી શકે ? કામમાં ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે. કામ પુરા થયા પછી ઉભી થનારી સમસ્યાની જવાબદારી કોની ? વિપક્ષના નેતાને એક માસ સુધી પ્રશ્નના જવાબ આપવામાં આવતા નથી. આ ઉપરાંત જયરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ ઝાલાએ રંગમતી નદીની પહોળાઈનો મુદ્દો ઉપસ્થિત કર્યા હતો.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ નદી ઉંડી ઉતારવા અને પહોળી કરવાની રજુઆત મારા દ્વારા જ કરવામાં આવી હતી.
વિપક્ષના રચનાબેન નંદાણીયાએ જન્મ-મરણ શાખામાં સર્વર ડાઉનના બહાના હેઠળ કામગીરી બંધ કરવામાં આવતી હોવાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.
આ ઉપરાંત રસ્તે રઝળતા શ્વાનના ત્રાસ દૂર કરવા પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તો જયરાજસિંહ જાડેજા અને કિશન માડમે સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીની ડી.પી. કપાત કામગીરી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. આમ, અનેક પ્રશ્ને સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial