Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બક્ષી પરિવારના દીકરી અને જમાઈનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ

પુત્ર હિત પણ પાયલોટની તાલીમ દરમિયાન વિમાન અકસ્માતમાં જ મૃત્યુ પામ્યો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: અમદાવાદમાં ગઈકાલે વિમાન દુર્ઘટના બની તેમાં અનેક મુસાફરો સહિતનાઓના મૃત્યુ થયા હતાં. આ વિમાનમાં જામનગરથી રવાના થયેલ દંપતી પણ હતું અને ગઈકાલે પરોઢિયે જ જામનગરથી રવાના થયું હતું. વિધિના ખેલ તો જુઓ આ દંપતીનો યુવાન પુત્ર પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો.

જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષીના પુત્રી નેહલબેન (ઉ.વ. પ૧) અને તેના પતિ શૈલેષભાઈ પરમાર થોડા દિવસ પહેલા જામનગર આવ્યા હતાં. નેહલબેનના પિતાની તબિયત ખરાબ હોવાથી દીકરી-જમાઈ ખબર કાઢવા આવ્યા હતાં અને ગઈકાલે પરોઢિયે જામનગરથી અમદાવાદ જવા નીકળ્યા હતાં અને બપોરે અમદાવાદથી વિમાન માર્ગે લંડન પરત જવા રવાના થયા હતાં. આ દંપતી બે દાયકાથી લંડનમાં વસવાટ કરે છે. આમ ગઈકાલે તેઓ પરત લંડન જતા હતાં અને વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા હતાં. જામનગરના નામાંકીત ડોક્ટર કેયુર બક્ષીના તેઓ પિતરાઈ બહેન થતા હતાં. આ સમાચાર સાંભળતા જ ડો. કેયુર બક્ષી અમદાવાદ જવા જામનગરથી રવાના થયા હતાં અને આજે પણ તેઓ ત્યાં જ છે.

જામનગરના ડો. બક્ષીના પિતરાઈ બહેન નેહલબેન અને બનેવી શૈલેષભાઈ બન્ને આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે. વર્ષો પહેલા શૈલેષભાઈ પરમાર જામનગરની કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા હતાં. એ પછી તેઓ લંડન સ્થાયી ગયા હતાં. આ દંપતીનો પુત્ર હિત પણ લંડનમાં વિમાન ઊડ્ડયનની એટલે કે પાયલોટની તાલીમ મેળવતો હતો. તેની છેલ્લા એક કલાકની ઊડાન બાકી હતી ત્યારે ત્યારે તેનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં હિતનું મૃત્યુ થયું હતું.

આમ વિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર માતા-પિતા પણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

જામનગરના તબીબના માતા પણ વિમાનમાં હતાં

જામનગરના ડો. હિમાંશુ પેશાવરિયાના માતા પણ લંડનમાં રહેતા પોતાના પુત્રને મળવા જવા માટે આ જ વિમાનમાં મુસાફર હતાં અને થોડી જ મિનિટોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું તેમાં જીવ ગુમાવ્યો હતો. આથી તબીબી જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગરના મૃતક દંપતીના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા

અમદાવાદમાં ગઈકાલે વિમાન દુર્ઘટનામાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા હતાં. તેમાં જામનગરથી રવાના થયેલા નેહલબેન અને શૈલેષભાઈ પરમારનો પણ સમાવેશ થાય છે. હવે હતભાગીઓના મૃતદેહને ડીએનએ સેમ્પલ મેચ કર્યા પછી તેના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે. હાલ અમદાવાદમાં ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે. શૈલેષભાઈના ભાઈ આનંદભાઈ અને નેહલબેનના બહેન વૈશાલીબેન પણ અમદાવાદ પહોંચ્યા છે, જ્યાં તેમના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ સંભાળતા બે-ત્રણ દિવસમાં મળનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh