Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધનઃ સદ્ગતની રંગૂન, રાજકોટથી રાજધાની સુધીની સફર

લંડનથી અમદાવાદ પહોંચેલા હૈયાફાટ રૂદન કરી રહેલા અંજલિબેન રૂપાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી સાંત્વનાઃ અત્યંત કરૂણ દૃશ્યો

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૩: ગઇકાલે અમદાવાદમાં સર્જાયેલ કલ્પનાતીત પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રના મૃદુભાષી અને લોકપ્રિય અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જીવ ગુમાવતા ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. તેઓ લંડન પરિવારને મળવા જઇ રહ્યા હતા તે વખતે જ આ જીવલેણ ઘટના બની છે. શ્રી વિજયભાઇના જીવનસંગીની શ્રીમતી અંજલિબેન અગાઉથી લંડન પહોંચી ગયેલા. પ્લેન અકસ્માતના ખબર મળતા તેઓ તાત્કાલીક હવાઇ માર્ગે અમદાવાદ આવવા નીકળેલા. આજે સવારે ૭.૩૦ વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેમના હૈયાફાટ રૂદનથી કરૂણ દૃશ્યો સર્જાયા હતા. અંજલિબેનના વિલાપે ઉપસ્થિત સૌની આંખો ભીની કરી દીધી હતી. લંડનથી તેમની સાથે ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ આવ્યા હતા.

શ્રીમતી અંજલિબેન તથા ભંડેરી-ભારદ્વાજ લંડનથી દુબઇ અને દુબઇથી મુંબઇ પહોંચેલા. મુંબઇથી ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, વનમંત્રી મુકેશ પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી વગેરેએ તેમને સાંત્વના આપી હતી. રાજકોટના ડો. ભરત બોઘરા, ભુપત બોદર, મુકેશ દોશી, કંચનબેન સિદ્ધપુરા, બીનાબેન આચાર્ય વગેરે હાજર રહ્યા હતા. એકદમ શોકમય માહોલમાં અંજલીબેનને તેમના ગાંધીનગરના બંગલે લઇ જવામાં આવ્યા હતા. તેણી આઘાતથી અત્યંત વ્યથિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં તેઓને સાંત્વના આપી હતી. તે સમયે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. તેવા અહેવાલો છે.

હાલ પંજાબના ભાજપ પ્રભારી એવા વિજય રૂપાણીનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૫૬ના બર્માના રંગૂનમાં થયો હતો, તેઓ જન્મે બર્મીઝ છે, પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા. ૧૯૭૧થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીકરી રાધિકાના લગ્ન નીતિન મિશ્રા સાથે થયા છે. હાલ રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમને સંતાનમાં એક દીકરો  ઋષભ મિકેનિકલ એન્જિનિયર છે.

વિજયભાઈના પહેલા દીકરા પુજિતનું માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું. સહપરિવાર અમદાવાદ સસરાની ઘરે ગયા હતા એ વખતે થર્ડ ફ્લોરની ગેલરીમાંથી નીચે ઝૂક્યા પછી બેલેન્સ નહીં રહેતાં દીકરો પુજિત પડી ગયો અને તેનું મૃત્યુ થયું. તેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજિત મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. જૂજ લોકોને ખબર છે કે ઋષભ અને 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં ટપુનું કેરેક્ટર કરનારા ભવ્ય ગાંધી વચ્ચે પાક્કી ભાઈબંધી છે.

મુખ્યમંત્રી હતા એ દરમિયાન પણ તેમણે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે સમય આપ્યો હતો તો પુજિતના જન્મદિવસે ગરીબ બાળકો સાથે પંગતમાં બેસીને તેમણે ભોજન લેવાનું સદ્કાર્ય ચાલુ રાખ્યું હતું. આ ટ્રસ્ટ બાળકોના ઉત્થાનના હેતુથી શરૂ થયું, પણ એ પછી જરૂરિયાતમંદ લોકો માટે એનો વિસ્તાર વધારવામાં આવ્યો, જેને કારણે રાજકોટના હજારો લોકો સુધી ટ્રસ્ટ દ્વારા સહાય પહોંચ્યું છે. હકીકત એ છે કે એ સહાય પ્રેમના પ્રથમ ચિહ્નની છે અને યાદ રાખજો, પ્રેમની પહેલી નિશાની ક્યારેય વિસરાતી નથી હોતી.

વિજય રૂપાણીની જેમ તેમનાં પત્ની અંજલીબેન પણ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલાં હતાં. તેઓ જનસંઘના કાર્યકર પણ હતાં. વિજયભાઇ કાર્યકર-કમ-સંઘના જૂના પ્રચારક હતા. એ સમયે એવી સિસ્ટમ હતી કે પ્રચારકો જે કોઇ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઇ અમદાવાદ અવારનવાર પ્રચાર અર્થે જતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર. આ વાતને લઇ વિજયભાઇ ત્યાં અનેક વખત જમવા ગયા હતા. આ સમયગાળામાં વિજયભાઇ અને અંજલિબેન વચ્ચે પ્રેમ પાંગર્યો. અંતે, વડીલોની સહમતી અને મંજૂરી લઇ વિધિવત લગ્ન કર્યાં. અંજલિબેન ભાજપ મહિલા પાંખનાં સભ્ય છે.

વિજય રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવી૫ી) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (જીએસ) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેનાં વિરોધપ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.

ભાવનગર-ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા અને ૧૯૭૬માં ખૂબ જ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ વહોર્યો હતો.

૧૯૮૭માં કોર્પોરેટર બન્યા ત્યાર બાદ ૧૯૮૭માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.

તેઓ ત્રણ ટર્મ મહામંત્રી, રાજ્યસભા એમપી, પ્રદેશ પ્રમુખ અને પછી મુખ્યમંત્રી. તેઓ ૧૯૮૮થી ૧૯૯૫ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(૧૯૯૬-૯૭) રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્ત્વની સંગઠનની જવાબદારી સહિત ૩ ટર્મ મહામંત્રી રહી ચૂક્યા છે. ૨૦૦૬ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, ૨૦૦૬થી ૨૦૧૨ રાજ્યસભાના સાંસદ, ૨૦૧૩ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-૨)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા એ સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો, જેમાં તેમની પાસે પાણીપુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ૭ ઓગસ્ટ ૨૦૧૬ ના તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં ફરી મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ ૨૦૨૧માં તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.

મુસાફરો ઉપરાંત સ્થાનિકોના કરૂણ મૃત્યુ નિપજ્યા

એર ઈન્ડિયાની આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. તેમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ ર૩૦ મુસાફરો હતાં, જેમાં ૧૬૯ ભારતીય, પ૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના ૧ર ક્રૂ મેમ્બર હતાં. ફ્લાઈટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને ર૪૧ ના મોત થયા છે, જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના પ૦ ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે.

મિત્રના મૂખે આકસ્મિક સંયોગઃ

૧ર મિત્રો, ૧ર જૂન, પ્લેનની ૧ર નંબરની સીટ

વિજયભાઈના મિત્ર મનસુર જસદણ વાલાએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ થવાની ઘટના બની અને તેમાં વિજયભાઈનું આકસ્મિક મૃત્યુ થયું. તેનું ખૂબ દુઃખ હું વ્યક્ત કરૂ છું. તેમની ધર્મેન્દ્રસિંહજી કોલેજથી મુખ્યમંત્રી સુધીની યાત્રામાં અમે સાથે રહ્યા છીએ. અમારૂ ૧ર મિત્રોનું ગ્રુપ છે અને અમે હંમેશાં સુખ-દુઃખમાં સાથે રહ્યા છીએ. આ ૧ર મિત્રો, ૧ર જૂન, પ્લેનમાં વિજયભાઈનો સીટ નંબર હતો, તે પણ ૧ર હતો. આ આકસ્મિક સંયોગ છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એવી અમારા સૌ મિત્રોની અભ્યર્થના છે.

પુત્ર ઋષભ લેશે આખરી નિર્ણયઃ

રૂપાણીના પાર્થિવ દેહની અંતિમ વિધિ રાજકોટ અથવા ગાંધીનગરમાં થશે

દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિનો નિર્ણય પુત્રના આવ્યા પછી લેવાશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધિ રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા પછી નિર્ણય કરાશે. અગાઉ આજે (૧૩ જૂન) સવારે જ અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા હતાં. તેઓ હાલમાં તેમના ગાંધીનગરના નિવાસસ્થાને હાજર છે. હાલમાં દિવંગત વિજય રૂપાણીના ગાંધીનગરના નિવાસસ્થાને પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ અને પરિવારજનો પહોંચી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh