Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્લેક-બોક્સ અને વોઈસ રેકોર્ડર જ ખોલશે રહસ્ય...!
અમદાવાદ તા. ૧૩: અમદાવાદની વિમાન દુર્ઘટના પાછળ કારણભૂત બર્ડ હિટ, પાવર ફેલ્યોર કે ફલેપ્સની સમસ્યા સહિતની અનેક થિયરીઓ ચર્ચાઈ રહી છે. દુર્ઘટના શા માટે સર્જાઈ એનો કોયડો માત્ર બ્લેકબોકસનો ડેટા જ ઉકેલી શકશે !: ટ્વીન એન્જિન ધરાવતા ડ્રીમલાઈનર એરક્રાફટમાં એક એન્જિન ફેલ થાય તો પણ બીજા એન્જિનની ક્ષમતા વિમાનને ટેકઓફ અને લેન્ડિંગ માટે પર્યાપ્ત હોય છે, તેમ છતાં આ દુર્ઘટના કેમ થઈ, તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ડ્રીમલાઇનર એરક્રાફ્રટ ટેકઓફ થતાંની સાથે જ ગણતરીની પળોમાં શા માટે ક્રેશ થઈને અગનગોળામાં પરિવર્તિત થયું? આ પ્રશ્નનો પ્રત્યુત્તર ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર મળ્યા પછી જ મળશે. વૈજ્ઞાનિક અભિગમ સાથેના અન્વેષણ બાદ સાચા તારણ સુધી પહોંચતા ખાસ્સા દિવસો લાગશે. પરંતુ એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તજજ્ઞો માને છે કે, આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બર્ડહિટ, પાવર ફેલ્યોર કે વિમાનની પાંખો પાસે આવેલા ફ્લેપ્સમાં સમસ્યા હોવાના કારણે મહદઅંશે હોઈ શકે. તો સાથોસાથ ટર્બાઇન એવિએશન ફયુઅલની ગુણવત્તા અંગે પણ ચકાસણી થઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો અને ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન દ્વારા આ દુર્ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. પરંતુ એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ચાલતી ચર્ચા અનુસાર બોઇંગ કંપની દ્વારા બનાવવામાં આવેલા આ ડ્રીમલાઇનર એરક્રાફ્ટને આજદિન સુધી કોઈપણ દુર્ઘટના નડી નથી. પરિણામે અત્યંત રોબસ્ટ અને એક્સિડેન્ટ પ્રૂફ મનાતા આ એરક્રાફ્ટમાં આ પ્રકારની દુર્ઘટના શી રીતે ઘટી શકે એ માટે અનેક થિયરીઓ ચર્ચાઈ રહી છે.
મોટેભાગના નિષ્ણાતો માને છે કે, અમદાવાદ અને આગરા આ બે વિમાની મથકે બર્ડહિટની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. વિમાન જ્યારે ટેકઓફ કરવા જઈ રહૃાું હોય ત્યારે રનવે પર અથવા તો ટેકઓફની સ્ટેજ પર પક્ષીઓનું ઝૂંડ જો વિમાનના એન્જિનમાં ટકરાય તો એને પરિણામે જવલ્લે જ બનતા કિસ્સામાં બન્ને એન્જિન બંધ પડી શકે છે. જેને કારણે વિમાન જોઈતી ઊંચાઈએ આંબી શકતું નથી અને એકાએક ઊંચાઈ ગુમાવીને જમીન પર પટકાય છે. આ કિસ્સામાં પાયલોટે કાંઈક અણધારી દુર્ઘટના બની હોવાની શંકા આવતાની સાથે જ તેણે 'મે ડે' 'મે ડે' 'મે ડે' એમ ત્રણ વખત જોરથી ચીસ પાડી હતી. જેનો અર્થ સાફ થાય છે કે, અમારા સૌના જીવન ખતરામાં છે અને હવે બચવાની સંભાવના જણાતી નથી. ટૂંકમાં, બર્ડહિટને કારણે બંને એન્જિન ફેલ થયા હોવાની શકયતા નકારાતી નથી.
બીજી થિયરી એવી છે કે, વિમાન જ્યારે ઉડાણ ભરતું હોય ત્યારે બંને બાજુની પાંખોની સાથે સંકળાયેલા ફ્લેપ એટલે કે પાંખિયા ૧૦ કે ૨૦ ડિગ્રી પર વળેલા હોય છે, જેને કારણે વિમાનને હવામાં ઉડવા માટેનું અતિરિક્ત બળ ટેકઓફ વખતે મળે છે. પરંતુ જે વીડિયો જારી કરાયો છે, એ જોઈને કેટલાંક તજજ્ઞો માને છે કે, આ કિસ્સામાં ફ્લેપ્સ માલ ફંક્શનિંગની શકયતા નકારી શકાય નહીં. ટૂંકમાં, ફ્લેપ્સ યોગ્ય પોઝિશન પર નહોતા અને ટેકનિકલ ખામીને કારણે કદાચ યોગ્ય સંચાલન ન થયું હોવાની સંભાવનાને કારણે વિમાનમાં લિફ્ટ ઓબ્મનટેશન ડિવાઇસ યોગ્ય રીતે કાર્યરત ન થયું હોવાને કારણે વિમાન પૂરતી ઊંચાઈએ ઉંચકાઈ ન શકે એવી પણ સંભાવના હોઈ શકે.
ત્રીજી શકયતા એ છે કે, સામાન્ય રીતે પાયલોટ, વિમાનની ઊડાન ભરતા પહેલાં તમામ પ્રકારના પેરામીટર્સ ચેક કરે છે. આ કિસ્સામાં જોવા જઈએ તો હવામાનની સ્થિતિ યોગ્ય હતી. વિઝિબિલિટી છ કિલોમીટર સુધી હતી. પવન મંદમંદ ફૂંકાતો હતો. એટલે કે તોફાની માહોલ નહોતો. પરંતુ તાપમાન ઊંચું હોવાને કારણે હવા પાતળી હોઈ શકે. જેના કારણે તાપમાનની ગણતરીમાં કયાંક ભૂલ થઈ શકે. એથી પણ વિશેષ પાયલોટ જ્યારે રનવે પર ફૂલ સ્પીડમાં એરક્રાફ્ટ દોડાવીને ટેકઓફ કરે છે ત્યારે જ્યાં સુધી એરક્રાફ્ટમાંથી સ્-૧ સ્ટેજ ક્રોસ થાય ત્યાર બાદ જ ટેકઓફની ગિયર ૫૦ મીટર અને ૧૫૦ મીટર પર સામાન્ય રીતે બદલાતી હોય છે અને ત્યારબાદ વિમાન ઓટો મોડ પર આવી જતું હોય છે. તજજ્ઞો માને છે કે, આ બોઇંગમાં ટ્વીન એન્જિન હતા. કોઈ એક એન્જિન ફેલ થાય તો પણ બીજા એન્જિનની ક્ષમતા વિમાનને ટેકઓફ અને લેન્ડિંગ માટે પર્યાપ્ત હોય છે. છતાં આ દુર્ઘટના શા માટે સર્જાઈ એનો કોયડો માત્ર બ્લેકબોક્સનો ડેટા જ ઉકેલી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial