Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં ૪૦ હજાર ખેડૂતો કરી રહ્યાં છે પ્રાકૃતિક ખેતીઃ પ્રોત્સાહક પ્રતિભાવો
જામનગર તા. ર૧ઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર એપીએમસીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના પ્રદર્શન અને વેંચાણ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે રાજયપાલે સંવાદ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં જામનગરમાં હાપા એ.પી.એમ.સી. ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત ખેડૂતો, સખી મંડળો, શિક્ષકો અને યોગ પ્રશિક્ષકોને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં ગુજરાત રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત અને સફળ નેતૃત્વમાં ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનું સફળ અભિયાન ચાલી રહ્યું છે. કૃષિ વિભાગના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટની ટીમ રાજ્યના વિવિધ ગામડાઓમાં જઈને ખેડૂતોને નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડે છે. રાજ્યના ૯ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
પ્રાકૃતિક ખેતીના ઘણાં ફાયદાઓ છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે. રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની આવક બમણી થઇ છે. જામનગર જિલ્લાના ૪૦,૦૦૦થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
એક સફળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાના ૫ આયામો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ઉચ્ચ ગુણવતાયુક્ત બીજની પસંદગી કરવી જોઈએ. બીજામૃત થકી ખેતરમાં વાવેતર કરવું જોઈએ. પહેલા વર્ષ દરમિયાન ખેતરમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. ત્રણ વર્ષ ૫છી ઓછી ઘનતા ધરાવતું ઘન જીવામૃત વાપરી શકાય છે. પાકને પાણી આપતી વખતે ૧૦ લીટર પાણીમાં ૨ લીટર જેટલું જીવામૃત ઉમેરવું જોઈએ. આ નિયમો અનુસાર ખેતી કરવાથી ઉત્પાદન કરવાથી ક્યારેય ઓછી માત્રામાં ઉત્પાદન મળતું નથી. પ્રાકૃતિક ખેતીમાં ગોબર અને ગૌમુત્રનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે. ગૌમૂત્ર ખનિજોનો ભંડાર ગણાય છે. જીવામૃત એ પાકની વૃદ્ધિ માટે જરૂરી છે. જીવામૃત એ પાકનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે આવશ્યક પરિબળ છે. જીવામૃત પાકને નુકસાન કરતા જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ અને વગેરે રોગ સામે રક્ષાણાત્મક કવચ પૂરું પાડે છે.
જૈવિક કૃષિ પદ્ધતિ એટલે કે ઑર્ગેનિક ખેતીમાં અળસિયાનું ખાતર બનાવવામાં આવે છે. આ અળસિયાનું ખાતર બનાવવા અળસિયા વિદેશથી આયાત કરવામાં આવે છે. આ અળસિયા માટી ખાતા નથી. આ પ્રકારના અળસિયા ફક્ત છાણીયું ખાતર અને જૈવિક કચરો જ ખાય છે. તેનો ખર્ચ ખેડૂતોને વધુ આવે છે. જયારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં આ પ્રકારનું કોઈ નુકસાન થતું નથી. ભારતીય દેશી અળસિયા માટી અને ગોબર બંને ખાય છે. આ અળસિયા જમીનનું ખનીજ ખાઈને પોષણ મેળવે છે. બાદમાં તેની વિષ્ટાના રૂપમાં જમીનને પોષણયુક્ત બનાવે છે. અને જમીનની ફળદ્રુપતા વધે છે. ભારતીય દેશી અળસિયા જમીનને મુલાયમ બનાવે છે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જમીનમાં જે અનાજ અને શાકભાજી ઉગે છે તેનો રોજિંદા જીવનમાં આહારમાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે. રાસાયણિક ખેતીના પરિણામે કેન્સર, સાંધાનો દુખાવો જેવા અનેકવિધ રોગ થાય છે. ધરતીને ઝેર મુક્ત રાખવા માટે પ્રાકૃતિક કૃષિ એક માત્ર વિકલ્પ છે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને ગુણો વિશેની ચર્ચા કરી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત ભાઈઓએ પોતાના અભિપ્રાયો વર્ણવી પ્રાકૃતિક કૃષિના ફાયદાઓથી સૌને અવગત કરાવ્યાં હતા.
કાર્યક્રમ સ્થળે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ગાર્ડ ઓફ ઓનર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાએ સ્વાગત પ્રવચન વડે સૌને આવકાર્યા હતા. જયારે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. આ તકે હરીદેવ ગઢવીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પ્રકાશ રબારી, આગેવાન પ્રફુલભાઈ સેંજલીયા, સખી મંડળના બહેનો, શિક્ષક ગણ, યોગ પ્રશિક્ષકો તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial