Advertisement
Author: નોબત સમાચાર

સમાણામાં બે મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ રૂપિયા સવા સાત લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

મકાન તથા કબાટની ચાવીની જગ્યા જોઈ લીધા પછી ગામના જ શખ્સે કર્યાે હાથફેરોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામજોધપુરના સમાણા ગામમાં આવેલા એક મકાનમાં દોઢ મહિનામાં બે વખત ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ આસામીએ કુલ રૂ.૬,૧૯,૩૦૦ની રકમના દાગીના, રોકડ ચોરાયાનું જણાવ્યું હતું. તે ઉપરાંત અન્ય એક મહિલાના મકાનમાંથી પણ રૂ.૬પ હજારની ચોરી થઈ હતી. આ ગુન્હાની તપાસમાં એલસીબીએ સમાણા ગામના જ એક શખ્સને દબોચી લીધો છે. દરજીકામના બહાને અવારનવાર આ મકાનમાં જતા-આવતા શખ્સે મકાનની ચાવી તથા કબાટની ચાવી ક્યા રાખવામાં આવે છે તે જોઈ લીધા પછી બંધ મકાનની રેકી કરી હાથફેરો કર્યાનું ખૂલ્યું છે. ચોરાઉ દાગીના, રોકડ, મોબાઈલ, બાઈક મળી રૂ.૭,૩૯,૩૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં વસવાટ કરતા અને લોન તેમજ વીમાનું કામ કરતા ચિંતનભાઈ રમણીકભાઈ અજુડીયા નામના આસામીના માતા-પિતા ગયા બુધવારે સાંજે ચારેક વાગ્યે પોતાનું મકાન બંધ કરીને જામનગર આવ્યા પછી ગુરૂવારે સવારે જ્યારે આ પરિવાર સમાણા પરત પહોંચ્યા તે દરમિયાન તેમના મકાનમાં ચોરી થઈ ગઈ હતી. જેમાં સોના-ચાંદીના દાગીના તથા રૂ.રપ હજાર રોકડા મળી રૂ.૧,૫૪,૩૦૦ની મત્તા ગઈ હતી.

આ બાબતની ચિંતનભાઈએ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, આવી જ રીતે દોઢેક મહિના પહેલાં પણ તેમના મકાનમાં ચોરી થઈ હતી. તેમાં રૂ.૨૦ હજાર રોકડા અને સોનાના દાગીના મળી રૂ.૪ લાખ ૬૫ હજારની મત્તા ગઈ હતી. પોલીસે કુલ રૂ.૬,૧૯,૩૦૦ની મત્તાની ચોરી કરી જવા અંગે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધ્યો હતો.

તે જ રીતે સમાણા ગામના મનિષાબેન નિલેશભાઈ ગોહિલ નામના મહિલાના મકાનમાં પણ તા.૨૪ મેની સાંજ પછીથી ચોરી થઈ ગઈ હતી. તેમાં રૂ.૬૦ હજાર રોકડા તથા કાનની બુટી ચોરાઈ ગઈ હતી. મનિષાબેને પણ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

ઉપરોક્ત ગુન્હાઓની તપાસ માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબીને સૂચના આપતા પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફે શેઠવડાળા ધસી જઈ તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. ગામના કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક સંકેતો મળવા પામ્યા હતા.

તે દરમિયાન આ ચોરીમાં સમાણા ગામનો જ અને દરજીકામ કરતો તૃષાંત હસમુખભાઈ ધામેચા નામનો શખ્સ સંડોવાયો હોવાની બાતમી એલસીબીના કિશોર પરમાર, અરજણભાઈ, ભરત ડાંગરને મળતા આ શખ્સના સગડ દબાવાયા હતા. જેમાં આ શખ્સ ચોરાઉ દાગીના વેચવા માટે જામનગર આવી રહ્યો હોવાની બાતમી મળતા લાલપુર બાયપાસ પાસે એલસીબીએ વોચ રાખી હતી. તેમાં તુષાંત ધામેચા ઝડપાઈ ગયો હતો.

આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી સોનાના સાત તોલા દાગીના, અઢાર ગ્રામ વજનના ચાંદીના દાગીના, રૂ.૧ લાખ પ હજાર રોકડા, એક મોબાઈલ તથા બાઈક મળી આવ્યા હતા. એલસીબીએ કુલ રૂ.૭,૩૯,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી આ શખ્સની અટકાયત કરી લઈ એલસીબી કચેરીએ ખસેડ્યો હતો.

આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરવામાં આવતા તેણે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ દરજીકામ કરતા તૃષાંત ધામેચાને ઉપરોક્ત મકાનોમાં અવારનવાર જવાનું થતું રહેતું હતું જેમાં તેણે ઘરની ચાવી તથા કબાટની ચાવી ક્યા રાખવામાં આવે છે તે જગ્યા જોઈ રાખી હતી. ત્યારપછી જામનગર ગયેલા ચિંતનભાઈના પરિવારની ગેરહાજરીમાં દિવસના ભાગે રેકી કર્યા પછી ચાવીથી તાળુ ખોલી નાખી મકાનમાં પ્રવેશ કરી આરામથી હાથફેરો કર્યાની કબૂલાત આપી છે. આ શખ્સનો કબજો શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. શેઠવડાળા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh