Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણતરીના દિવસોમાં જ વરસાદ ખાબકવાની સ્થિતિમાં શહેરની કેનાલો કચરા-ગંદકીથી ખદબદે છે
જામનગર તા. ૧૧: જામનગર શહેરમાં કેનાલોની સફાઈ માટે દર વર્ષે મનપા તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના કોન્ટ્રાક્ટ દેવાય છે. આ વર્ષે કામગીરી માટે સવાકરોડ જેવી રકમ ફાળવી છે અને તે મુજબ કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે, પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોય તેવી હાલત છે.
આ કામગીરી શરૂ થાય ત્યારે જેસીબી, કચરા ભરવાની ગાડીના ફોટા સાથે ફોટોસેશન કરવામાં આવે, તેની પ્રસિદ્ધિ કરી દેવામાં આવે... બસ પત્યું! ત્યારપછી આ કોન્ટ્રાક્ટર દ્વારા કઈ કઈ જગ્યાએ, કેનાલોમાં શું કામગીરી કરી તેની કોઈને ખબર જ નથી. મનપા તંત્રના કોઈ અધિકારી દ્વારા દરરોજ થયેલી કામગીરીનું રોજકામ કરી કોઈ રિપોર્ટ સબમીટ કરતા નથી.
ઉપરની તસ્વીર તો માત્ર એક જ મોટી કેનાલનું દૃષ્ટાંત છે. જામનગર શહેરની મધ્યમાં ગુરુદ્વારા ચોકડીથી અંબર ચોકડી સુધીની સેન્ટર પોઈન્ટ, સેલીબ્રેશન હોટલની પાછળની મોટી કેનાલ આખી પ્લાસ્ટિકના ડુચ્ચા, કચરો, ગંદકી, કાદવ-કીચડથી ભરાયેલી છે. આ કેનાલની સફાઈ ક્યારે થશે? જો આ કેનાલમાંથી આ તમામ કચરો-ગંદકી બહાર કાઢવામાં નહીં આવે તો દર વર્ષની જેમ આ માર્ગ ઉપર માર્ગની પાછળના રહેણાંક મકાનોમાં ચાર-પાંચ ફૂટ ગંદા પાણી ભરાઈ જવાની દહેશત અસ્થાને નથી.
શહેરની અન્ય મોટી કેનાલોની પણ લગભગ આવી જ હાલત છે. વરસાદના આગમનની ઘડીઓ ગણાય રહી છે ત્યાં સુધી કેનાલો ગંદકી-કચરાથી ઉભરાતી હોય ત્યારે જો વરસાદ ખાબકશે તો શું હાલત થશે? દર વર્ષે આ પ્રકારની જ સ્થિતિ હોય છે અને કોન્ટ્રાક્ટર તેમજ સત્તાવાળાઓ પ્રજાને એવો જવાબ બેશરમીથી આપતા હોય છે કે વરસાદી પાણી સાથે આ કચરો ઢસડાઈને આવી ગયો છે.
પ્રિ-મોન્સુન કામગીરી જાણવા મળતી વિગતો પ્રમાણે દર વર્ષે ચોક્કસપણે એક-બે માનીતા કોન્ટ્રાક્ટરોને જ મળે છે અને તેમાં મોટા પાયે નાણાકીય લાભ લઈને મળતિયાઓને ધરવી દેવામાં આવે છે.
મ્યુનિ. કમિશનરે દરેક કેનાલ ઉપર થતી પ્રિ-મોન્સુન કામગીરીનું એક વખત તો જાત નિરીક્ષણ કરવા જેટલો સમય કાઢવો જોઈએ, તો જ તેમને અત્યારની લેઈટેસ્ટ વાસ્તવિક ગંભીર સ્થિતિનો ખ્યાલ આવી શકશે. અને જે કોઈને નિરીક્ષણ કરી રિપોર્ટ આપવાનો હોય તેવા જવાબદાર અધિકારી, કર્મચારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.
જે કોન્ટ્રાક્ટરને પ્રજાની તિજોરીમાંથી લાખો રૂપિયાનું ચૂકવણું થવાનું છે તે કોન્ટ્રાક્ટર પાસે યુદ્ધના ધોરણે ટેન્ડરની શરતો મુજબ વ્યવસ્થિત રીતે કામગીરી કરાવવાનો આદેશ આપી, નિયત સમય મર્યાદામાં સંતોષકારક રીતે કામ પૂર્ણ થાય તે જોવાની જવાબદારી પણ નક્કી કરવાની જરૂર છે.
ભ્રષ્ટાચારના કારણે પ્રિ-મોન્સુન કામગીરીમાં ચાલતા લોલંલોલના કારણે નગરજનોના જાન-માલને નુક્સાન થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial