Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢેક વર્ષ પહેલાં પણ રોકાણકારોએ મચાવ્યો હતો હોબાળોઃ
જામનગર તા. ૧૯: જામનગરના રોકાણકારોને ઉંચું વળતર આપવાની લાલચ બતાવી આઠેક વર્ષ પહેલાં અમદાવાદમાં મુખ્ય શાખા ધરાવતી ખાનગી કંપનીએ ૧૫૦૦ જેટલા એજન્ટ નીમી નગરના રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા મેળવી લીધા પછી જામનગર સ્થિત ઓફિસને તાળા મારી દીધા હતા. રોકાણકારોના વધતા જતા દબાણ વચ્ચે કેટલાક એજન્ટ મુખ્ય ઓફિસે દોડી ગયા છે. જો કે તેથી પણ સાનુકૂળ પ્રતિભાવો ન મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં આઠેક વર્ષ પહેલા યુનિક મર્કંન્ટાઈલ ઈન્ડિયા પ્રા.લિ. નામની ઓફિસ ખોલવામાં આવી હતી. અમદાવાદ મુખ્ય શાખા ધરાવતી આ ઓફિસની દેશભરમાં ૯૦થી વધુ શાખા હોવાનો જે તે વખતે દાવો કરવામાં આવ્યો હતો અને આ પેઢીમાં રોકાણ કરનાર વ્યક્તિને નક્કી કરેલા મહિનાઓ મુજબ ઉંચુ વળતર આપવાની આંબા આંબલી બતાવી છ વર્ષ જેટલા સમયમાં રોકવામાં આવેલી રકમને બમણી કરી આપવાના બણગા પણ ફૂંકાયા હતા.
આ કંપનીની લોભામણી જાહેરાતમાં લપેટાઈ જઈને રોકાણકારો આકર્ષાયા હતા અને રોકાણકારો પાસેથી કલેક્શન માટે જામનગરમાં ૧૫૦૦ જેટલા એજન્ટની પણ નિમણૂક કરાઈ હતી. તેના મારફતે જામનગરના નાગરિકોએ કરોડો રૂપિયા આ પેઢીમાં ઈન્વેસ્ટ કર્યા હતા.
ત્યારપછી આ પેઢીની જામનગર સ્થિત ઓફિસને તાળા મારી દેવાયા હતા. દોઢેક વર્ષ પહેલાં તે કચેરીએ એકઠા થયેલા ટોળાએ પોતાનું રોકાણ પરત મેળવવા હોબાળો મચાવતા દોડધામ મચી હતી. તે પછી અમૂક એજન્ટોને ત્યાં જઈ રોકાણકારોએ પોતાની રકમ પરત મેળવવા ધમાલ મચાવ્યાના અને એજન્ટોના રોકડ, ફોન ઝૂટવી લેવા સહિતના બનાવો બન્યા હતા.
પોતાની મૂડી પરત ન મળતા રોકાણકારોના ઉંચા ચઢી ગયેલા શ્વાસ વચ્ચે એજન્ટો પણ સતત થતી ઉઘરાણી વચ્ચે વાજ આવી ગયા હતા. એજન્ટો પૈકીના પચ્ચાસેક જેટલા એજન્ટ રોકાણકારોને તેઓની રકમ પરત આપવાની માગણી સાથે અમદાવાદ સ્થિત યુનિક મર્કંન્ટાઈલ ઈન્ડિયા પ્રા.લિ.ની મુખ્ય શાખાએ પહોંચ્યા છે. જો કે ત્યાંથી પણ એજન્ટોને સાનુકૂળ પ્રતિભાવ મળી રહ્યા નથી. તેથી જામનગરના કેટલાક રોકાણકારોએ ઉંચા વળતરની લાલચમાં પોતાની મૂડી ગૂમાવી હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial