Advertisement
Author: નોબત સમાચાર

દેશ- વિદેશમાં હાસ્ય કલાકાર તરીકે ડંકો વગાડનાર જામનગરના 'હાસ્યરત્ન' પરેશ વસંત 'બંધુ'નું નિધન

એક હાસ્યરસના યુગનો અંત...

જામનગર તા. ૧૯: જામનગરનું નામ હાસ્યરસ કલા ક્ષેત્રે દેશ-વિદેશમાં ગૌરવવંતુ કરનાર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પરેશ વસંત 'બંધુ'નું નિધન થતાં એક હાસ્યયુગનો અંત આવી ગયો છે. લાખો લોકોને હસાવનાર આ અનોખા જિંદાદીલ અદાકારે આજે ફાની દુનિયાને અલવિદા કરતાં જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાજગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો છે. ખડખડાટ હસાવનાર કલાકારની વિદાયથી અનેક લોકોની આંખોમાં ઝળઝળીયા આવી ગયા છે. પરેશ વસંતની વિદાયથી હાસ્યરસ જગતમાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

પરેશ વસંતને કોલેજ કાળમાં શાયરીઓ લખવાનો જબરો શોખ હતો. તેમાં તેઓ કયાંક કયાંક વ્યંગ સાથે હાસ્ય ઉપજે તેવા શબ્દોનો પ્રયોગ પણ કરતા... આ લાક્ષણિકતાના કારણે જામનગરના હાસ્ય કલાકાર- મિમિક્રી માસ્ટર વિનુ ચાર્લીએ હવાઈ ચોકમાં એક જાહેર સ્ટેજ શોમાં પરેશ વસંતને કાર્યક્રમનું સંચાલન કરવાની જવાબદારી સોંપી.. અને બસ તે દિવસથી પરેશ વસંતે પાછું વાળીને જોયુ નથી. કાર્યક્રમોના સંચાલનમાં વચ્ચે વચ્ચે શાયરીઓ અને નાના-મોટા ટુચકાઓ રજુ કરતાં કરતાં તેઓ એક લોકપ્રિય હાસ્ય કલાકાર તરીકે સુવિખ્યાત થઈ ગયા.

'વન મેન શો' માં  સતત બબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી પરેશ વસંતે એકલાએ સ્ટેજ પરથી હાસ્યરસનો ધોધ વહેડાવ્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્રનું કોઈ ગામ-શહેર એવું નહીં હોય કે જયાં પરેશનો કાર્યક્રમ ન થયો હોય... ભારતના મુંબઈ, ચેન્નઈ, કોલકાતા બેંગ્લોર, હૈદ્રાબાદ જેવા અનેક શહેરોમાં તેમના માત્ર હાસ્યરસના સ્ટેજ શો થયા હતા. તેમણે અમેરિકા, ઈંગ્લેન્ડ, આરબ દેશો સહિત અનેક દેશોમાં કાર્યક્રમો રજુ કર્યા છે. ૧૫૦થી વધુ કેસેટો, ૫૦ થી વધુ ડીવીડી-વીસીડી પ્રસિદ્ધ થઈ છે.

ગુજરાતના મોટા ગજજાના ગણાતા લગભગ તમામ હાસ્યકલાકારો, લોક સાહિત્યના કલાકારો સાથે પરેશ વસંતના અંગત સંબંધો હતા. અને સૌ કોઈ તેમને ખૂબ જ સન્માન આપતા હતા. તેમાં શાહબુદ્દીનભાઈ હોય કે ધીરૂભાઈ સરવૈયા, પી.ખરસાણી તો તેમના પરિવાર જેવા અંગત મિત્ર બની ગયા હતાં. તેઓ બંધુના ઉપનામથી વધારે પ્રચલિત હતા.

વસંત પરેશ 'બંધુ' નો એક અલગ જ પ્રકારનો અવાજ હતો. જે અવાજ કેસેટોના માધ્યમથી એક દાયકા સુધી ઠેર ઠેર, ધાબા,, હોટલો, વાહનોમાં ગુંજતો રહ્યો હતો. તેમના જામનગરના મિત્રોમાં હસુ બદીયાણી, નરભેરામભાઈ ઠકકર, સતત કોઈને કોઈ નવી આઈટમ આપતા રહ્યા હતાં.

'નોબત' સાથે પણ વસંત પરેશનો અતૂટ નાતો રહ્યો હતો. તેમાંય ખાસ કરીને શેખરભાઈ માધવાણી સાથે તેમનો અંગત ધરોબો રહ્યો હતો. તેમનો એક ઉભરતા- લોકપ્રિય હાસ્ય કલાકાર તરીકેનો સૌ પ્રથમ ઈન્ટરવ્યૂ પણ 'નોબત' માં પ્રકાશિત થયો હતો.

છેલ્લા થોડા વરસોથી બીમારીના કારણે ધીમે ધીમે કાર્યક્રમોથી અલિપ્ત થયા હતા અને અંતે સૌને રડતા મૂકીને આજે તેમણે વિદાય લઈ હાસ્ય રસની વસંતને પાનખરમાં ફેરવી નાખી છે !

હવે તો સાપને પણ ઝેર પીવાનો સમય આવ્યો છે

પરેશ વસંત બંધુના કાર્યક્રમોમાં તેઓ મોટાભાગે તેમના પત્નીના નામે જોકસ કરતા... અને તેમાંય જેમ શાહબુદ્દીનભાઈનું વનેચંદનું પાત્ર જાણીતું હતું તેવી જ રીતે પરેશ વસંતે સર્જેલું ધીરૂનું પાત્ર પણ એટલું જ જાણીતું થયું હતું. દીકરીની વિદાયનો પ્રસંગ રજુ કરતા ત્યારે પેટ પકડીને હસાવનાર આ કલાકાર પ્રેક્ષકોની આંખો છલકાવી દેતાં હતાં. તેમની શાયરીઓમાં પણ મોટાભાગે વેદના અને દર્દ સાથે વ્યંગ રજૂ થતા હતા. એક શાયરીમાં તેમણે લોકોની સમસ્યાની ચરમસીમા દર્શાવી દીધી હતી અને એક લાઈનમાં લખ્યુ હતું કે હવે તો સાપને પણ ઝેર પીવાનો સમય આવ્યો છે... તેમની શાયરીઓ-ગઝલની પુસ્તિકાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh