Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૬૭ ઉચ્ચ અધિકારીઓ, મંત્રી મહોદયો, પદાધિકારીઓ, વિધાનસભાના અધ્યક્ષ જોડાયાઃ
અમદાવાદ તા. ર૬: સમગ્ર રાજ્યના આજથી ર૧ મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્રિ-દિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે ૩ર.૩૩ લાખ બાળકોને પ્રવેશ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના અંતરિયાળ સરહદી ગામ બિલિઆંબાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. અને તેઓ તા. ર૭મીએ છોટાઉદેપુર, તા. ર૮મી એ સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.
ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ર૧મી કડીમાં બુધવાર તા. ર૬-જૂનથી શુક્રવાર તા. ર૮-જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવી રહ્યો છે. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવીને રાજ્યવ્યાપી શાળા/પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે.
મુખ્યમંત્રીએ બિલિઆંબા પ્રાથમિક શાળામાં ર૪ બાળકોને ધોરણ-૧ માં, ર૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાઓને આંગણવાડીમા પ્રવેશ અપાવ્યો છે. મુખ્યમંત્રી બીજા દિવસે તા. ર૭-જૂના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. ર૮-જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે. રાજ્યમાં દૂર-દૂરના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રી તેમજ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિત વર્ગ ૧ ના કુલ મળીને ૩૬૭ ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવી રહ્યા છે.
તદ્અનુસાર વિધાનસભા અધ્યક્ષ અને અન્ય મંત્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લામાં, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુરમાં, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા જામનગર જિલ્લામાં, આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લામાં પ્રવેશોત્સવમાં સહભાગી બની રહ્યાં છે.
રાજયકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લામાં, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી, પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી, શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાસેરિયા જુનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં જોડાયા છે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકો બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ વડોદરામાં, જગદીશ મકવાણા સુરેન્દ્રનગરમાં, કૌશિકભાઈ વેકરિયા અમરેલીમાં, રમણભાઈ સોલંકી આણંદમાં અને વિજયભાઈ પટેલ ડાંગમાં બાળકોને શાળા પ્રવેશ કરાવી રહ્યાં છે.
સમગ્ર રાજ્યમાં આ ત્રિ-દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ ૩ર.૩૩ લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવી રહ્યું છે. તેમાં બાલવાટિકાીમાં પ્રવેશપાત્ર ૧૧.૭૩ લાખ, ધોરણ ૧ માં પ્રવેશપાત્ર ૩.૬ર લાખ, ધોરણ ૮ થી ૯ માં પ્રવેશપાત્ર ૧૦.૩પ લાખ અને ધોરણ ૧૦ થી ૧૧ માં પ્રવેશપાત્ર ૬.૬૧ લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial