Advertisement
Author: નોબત સમાચાર

પેન્ડીંગ કેસો ઘટાડવા દેશના ચીફ જસ્ટિસનો માસ્ટર પ્લાનઃ 'સુપ્રિમ' લોક અદાલત યોજાશે

દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર કેસોનો સમાધાનકારી ઉકેલ આવકાર્ય

જામનગર તા. ર૬: તાજેતરમાં યોજાયેલી લોકઅદાલતો દરમિયાન રાજ્યના જિલ્લાઓમાં નોંધપાત્ર સંખ્યામાં પેન્ડીંગ અને પ્રિલિટીગેશન કેસોમાં સમાધાનકારી ઉકેલ આવ્યો હોવાના અહેવાલો આવ્યા હતાં, જેમાં દ્વારકા જિલ્લાનો અગ્રતાક્રમે સમાવેશ થતો હતો, તેવી જ રીતે જામનગર જિલ્લામાં યોજાયેલી લોકઅદાલતો પણ એકંદરે સફળ નિવડી રહી છે. હાલાર સહિત રાજ્યની અદાલતોમાં હવે પેન્ડીંગ ઉપરાંત પ્રિલિટિગેશન કેસો મૂકવાનો જે અભિગમ અપનાવ્યો છે, તે પણ આવકારદાયક છે.

તાલુકા, જિલ્લા અને હાઈકોર્ટ કક્ષાની જુદી જુદી કક્ષાની અદાલતોમાં તો લોકઅદાલતો યોજાઈ જ રહી છે, અને હવે તેમાં સમાધાનકારી ઉકેલનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે, ત્યારે દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે સુપ્રિમ કોર્ટની કક્ષાએ પણ 'સુપ્રિમ' લોકઅદાલતની ઘોષણા કરી છે. તેઓએ દેશભરમાં લોકઅદાલતોના માધ્યમથી કેસોના સમાધાનકારી ઉકેલ માટે અમલી બનાવેલો માસ્ટર પ્લાન સફળ થઈ રહ્યો છે, અને આ અભિગમ પ્રત્યે હવે પક્ષકારોનું વલણ પણ સકારાત્મક બની રહ્યું છે, ત્યારે ચીફ જસ્ટિસે સર્વોચ્ચ કક્ષાએ પણ લોકઅદાલતોને વેગ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

સુપ્રિમ કોર્ટની સ્થાપનાને ૭પ વર્ષ પૂરા થાય છે, તેને સાંકળીને થનારી ઉજવણીના કાર્યક્રમોમાં પણ લોક અદાલતોના આયોજનનો સમાવેશ કરાયો, તે ઘણું જ સૂચક અને આવકારદાયક કદમ છે.

સુપ્રિમ કોર્ટમાં ૬ દિવસીય ઝુંબેશ હેઠળ તા. ર૯ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી લોક અદાલતના આયોજનની વિગતો આપતા જે કાંઈ કહ્યું તે પણ ઘણું જ સૂચક તથા પ્રેરણાદાયી છે. ન્યાયાધિશોને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું કે, આપણે બધા જજ છીએ અને ન્યાયની સંસ્થા (ન્યાયતંત્ર) માટે જવાબદાર છીએ. આપણે પેન્ડીંગ કેસોના કારણે ચિંતિત છીએ.

આ ૬ દિવસીય 'સુપ્રિમ' લોકઅદાલતો દરમિયાન તેમાં મૂકાયેલાઓનો અદ્યતન ટેકનોલોજીના સહયોગથી અનૌપચારિક ઢબે નિવેડો લાવવામાં આવશે, જે સમાધાનકારી હશે, જેથી પક્ષકારોને પણ સંતોષ થશે, નાગરિકો સંતુષ્ટ થશે અને કેસોની સંખ્યામાં પણ ઘટાડો થશે. આ તમામ કેસોનો ઉકેલ પરસ્પર સમજુતિ તથા સહમતી પર આધારિત હશે.

ચીફ જસ્ટિસે વકીલો અને લોકોને આ લોકઅદાલતોનો મહત્તમ લાભ લેવા હિમાયત કરી હતી. તેમણે સુપ્રિમ કોર્ટના જજો, તમામ સાથીઓ તથા સ્ટાફમિત્રો તરફથી વકીલો અને નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે જેમના કેસ પેન્ડીંગ છે, તેવા પક્ષકારો, લોકો તથા વકીલો પણ લોકઅદાલતના માધ્યમથી પેન્ડીંગ કેસોના ઉકેલ માટે પ્રયત્ન કરે.

લોકઅદાલતોના બહુહેતૂક ફાયદા છે. પક્ષકારોના નાણા-સમય બચે, સમાધાનકારી ઉકેલ થતા અપીલનો પ્રશ્ન જ નહીં રહેતા અદાલતોમાં સંભવિત કેસોનું ભારણ પણ ઘટે અને પેન્ડીંગ કેસો ઓછા થાય, અને વકીલો-પક્ષકારોના હિતો પણ જળવાઈ રહે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh