Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારે રાજકોટની લાખ્ખો લોકોની લાગણીની ગંભીરતાપૂર્વક નોંધ લઈ તાકીદે કડકમાં કડક પગલાં લેવાનો સમય પાકી ગયો છે
જામનગર તા. ર૬: રાજકોટના ગેઈમ ઝોનના અગ્નિકાંડની ઘટનાએ રાજકોટની જનતાના શાંત છતાં રૌદ્ર તેમજ વ્યાપક આક્રોશનો ખૂબ જ આકરો અને અસરકારક (જો નિવડે તો...!) પરિચય સજ્જડ બંધ પાળીને કરાવી દીધો છે.
આમ જુઓ તો... રાજકોટ શહેર ભાજપનો અકબંધ કિલ્લો ગણાય છે... તેમ છતાં રાજકોટની સંવેદનશીલ જનતાએ કોંગ્રેસના બંધના એલાનને જે રીતે પ્રિતભાવ આપ્યો તે બાબતે રાજકોટના લાખ્ખો લોકોની સંવેદનશીલતાને સો-સો સલામ..!
રાજકીય પક્ષની લડત હોવાની બાબતને બાજુમાં રાખીને સમગ્ર રાજકોટમાં નાના-મોટા વેપારીઓ ચા-પાણી-નાસ્તાની દુકાનો/રેંકડીઓ, શ્રમિકો, શૈક્ષણિક સંસ્થાઓએ સ્વયંભૂ અને શાંતિપૂર્ણ રીતે બંધમાં જોડાઈને અગ્નિકાંડના મૃતકોને ખરા દિલથી શોકાજલિ અર્પી છે. પરંતુ આ સાંત્વના/શોકાંજલિ સાથે પ્રજામાં ધુંધવાઈ રહેલા જવાળામુખી જેવો જન આક્રોશ પણ એટલો જ તિવ્રતા સાથે જોવા મળ્યો... સજ્જડ રાજકોટ બંધને ગુજરાતની ભાજપ સરકારે ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
એક મહિના જેવો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા બબ્બે સીટ, એક વધારાની સર્ચ કમિટીની તપાસમાં લોકોને અને ખાસ કરીને પિડીત પરિવારોને સંતોષ થાય તેવી કોઈ કડક કાર્યવાહી થઈ નથી ! આઠ-દસની બદલી કરવી, આઠ-દસને સસ્પેન્ડ કરવા, બે-ચારની ધરપકડ કરવી, એકાદ ભ્રષ્ટાચારીની બેસુમાર મિલકતોની વિગતો બહાર આવવી જેવી કાર્યવાહી બેશક થઈ છે.. પણ... જાણકારોના જણાવ્યા પ્રમાણે સીટ કે સર્ચ કમિટી દ્વારા અત્યાર સુધીની તપાસમાં તત્કાલિન કલેકટર, મામલતદાર, જીઈબીના ઉચ્ચ અધિકારી, જવલનશીલ પદાર્થો, અંગેના વિભાગના અધિકારી, અને ખાસ કરીને મહાનગરપાલિકાના ચોક્કસ ઉચ્ચ અધિકારી સામે તપાસમાં કેમ કોઈ વિગતો પ્રકાશમાં આવતી નથી ? એટલું જ નહીં.. આ ગેઈમ ઝોનની જમીનના ગેરકાયદે હેતુફેર ઉપયોગ, પરવાનગીમાં ગોબાચારી, જેવો કિસ્સાઓમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ કાં તો મોટી રકમનો તોડ કર્યો હોય શકે અને તે ઉપરાંત કોઈ સ્થાનિક રાજકીય નેતાઓની આર્થિક લાભ સાથેની ભલામણ કરી હોવાની બાબતો અંગે તપાસમાં શું ખૂલ્યું તે જાહેર થયું નથી !
જે રીતે વિવિધ માધ્યમોમાં અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે, તે મુજબ મનપાના સત્તાધારી ભાજપ પક્ષના ચોક્કસ પદાધિકારીની સંડોવણી વગર ગેઈમ ઝોન ઉદ્ભવી જ ન શકે અને ચાલી ન શકે.. બબ્બે વરસથી તગડા હપ્તા ચૂકવાતા હોવાની પણ ચર્ચા છે !
આવા પ્રકરણોમાં ભલે ભ્રષ્ટ અધિકારી કે કોઈ નાના કર્મચારી જવાબદાર ઠરાવાય પણ મોટાભાગે મોટા ગમરમચ્છ જેવા સંલગ્ન રાજકીય ચૂંટાયેલા કે રાજકીય પક્ષના નેતાઓના નામ બહાર આવતા જ નથી!
રાજકોટની અગ્નિકાંડની અત્યંત પીડાદાયક ઘટનામાં હવે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ કે પદાધિકારીની સંડોવણી હોય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરી મુદુ છતાં મક્કમ નેતાગીરીનો પરચો બતાવવાનો સમય પાકી ગયો છે.
બાકી તો છેલ્લા બે-ત્રણ વરસમાં બનેલી સંખ્યાબંધ ગોઝારી ઘટનાઓમાં સરકારે જાતે ઉપરછલ્લા જ પગલાં લીધા છે તેવી પ્રજાના મનમાં રોષ સાથેની લાગણી પ્રવર્તે છે અને રાજકોટની ઘટનામાં પણ સમય પસાર કરવાની સરકારની મોડેસ ઓપરેન્ડી પ્રમાણે વિલંબ કર્યે રાખીને મામલો ઠંડો પાડી દેવા કે ઘીના ઠામમાં ઘી નાંખી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેમ જણાય છે.
આવી પરિસ્થિતિમાં રાજકોટના લાખો લોકોએ ખૂબ જ શાંતિથી મૃતકોને સન્માન આપવાની સાથે સરકારના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ તો લગાવી જ દીધી છે અને પ્રજાનો મિજાજ બતાવી દીધો છે.
હવે ... દડો સરકાર પાસે છે.. વ્હેલામાં વ્હેલી તકે આ માનવ સર્જિત અને ભ્રષ્ટાચારના પાપે જ થયેલી ઘટનામાં કોઈપણ જાતના દબાણને વશ થયા વગર કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે. બાકી તો રાજકોટ બંધના એલાનમાં એક મૃતકના સગા ભાઈને જ જો પોલીસવાળા બોચી પકડીને પોલીસ વાનમાં ઢસડી જતાં હોય તો ત્યાં આ સરકાર કે અન્ય તંત્રો પાસેથી શું અપેક્ષા રાખવી ?
આ ઉપરાંત રાજકોટ ચેમ્બર જેવી સંસ્થાએ તો વળી એવું બહાનું બતાવ્યું કે બંધનું એલાન રાજકીય પક્ષ 'કોંગ્રેસે' આપ્યું છે તેથી ચેમ્બરે ન તો વિરોધ કર્યો કે ન સમર્થન આપ્યું ? 'નરોવા કુંજરોવા....' તેમ છતાં રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગ જગત સહિતના સૌએ સંપૂર્ણ રીતે સજ્જડ બંધ પાડીને સમગ્ર ગુજરાતમાં રાજકોટની જનતાની એક અલગ જ શક્તિ અને સંવેદનાનો પરચો તો આપી જ દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial