Advertisement
Author: નોબત સમાચાર

જીઆઈડીસી ફેસ ટુ અને થ્રીમાં મહાનગરપાલિકાની મિલકતવેરાની વસુલાતથી 'ડબલ ટેકસ' ની સ્થિતિ...!

જામનગરના બ્રાસ ઉદ્યોગકારોમાં ઉગ્ર રોષઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના બ્રાસ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન ગણાતા દરેડ જીઆઈડીસી ફેસ-૨ અને ફેસ-૩ વિસ્તારના ૪૨૦૦થી વધુ પ્લોટધારકો અને જામનગર મહાનગરપાલિકા વચ્ચે છેલ્લા એક દાયકાથી ચાલી રહેલો વેરા વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સુવિધાઓના અભાવ છતાં પાછલી અસરથી તોતિંગ વેરાની માંગણી અને જબરદસ્તી વસૂલાત માટે મિલકતો સીલ કરવાની અને પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે ૨૦૦થી વધુ ઉદ્યોગકારોએ એકત્રિત થઈને જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિતમાં આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગણી કરી છે.

આ સમગ્ર વિવાદના મૂળ ૨૦૧૩માં નંખાયા હતા, જ્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની હદમાં વધારો કરીને દરેડ જીઆઈડીસી વિસ્તારને કોઈપણ પ્રકારની જાણ કે ઉદ્યોગકારોની સહમતિ વિના શહેરી હદમાં ભેળવી દેવામાં આવ્યો. ઉદ્યોગકારોનો સ્પષ્ટ આરોપ છે કે, આટલા વર્ષો દરમિયાન તેઓ રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટલાઈટ, ગટર અને સફાઈ જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી)ને નિયમિતપણે સર્વિસ ટેક્સ અને અન્ય વેરા ચૂકવતા આવ્યા છે, જે તેમણે વર્ષ ૨૦૨૪ સુધીના એડવાન્સમાં ભરેલા છે. તેમના કહેવા મુજબ, મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં સુવિધાઓના નામે એક રૂૂપિયો પણ ખર્ચ કર્યો નથી, તેમ છતાં વેરાની માંગણી કરી રહી છે, જે સ્પષ્ટપણે *ડબલ ટેક્સેશન* છે અને ઉદ્યોગકારો પર અન્યાયી બોજ નાખે છે.

પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૧૮માં એકાએક પાંચ વર્ષ (૨૦૧૩-૨૦૧૮)ના બાકી વેરાના બિલ ફટકાર્યા. આ બિલો કોઈપણ પ્રકારની મિલકતની આકારણી કે માપણી કર્યા વગર બેફામ રીતે આપવામાં આવ્યા હતા. જેની સામે ઉદ્યોગકારો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા, જ્યાં ડબલ બેંચે ઉદ્યોગકારોની તરફેણમાં ચુકાદો આપતા ઠેરવ્યું હતું કે મહાનગરપાલિકા પાછલી અસરથી વેરો વસૂલી શકે નહીં. આ ચુકાદા સામે મહાનગરપાલિકા સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, પરંતુ ત્યાંથી તેમને કોઈ સ્ટે મળ્યો નથી. આમ છતાં, તંત્ર દ્વારા ફરીથી વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીના બીજા પાંચ વર્ષના વેરાના તોતિંગ બિલો જારી કરવામાં આવ્યા. આ મામલે પણ ઉદ્યોગકારો હાઇકોર્ટમાં ગયા, પરંતુ તાજેતરમાં ૮ મે, ૨૦૨૫ના સિંગલ બેંચનો ચુકાદો ઉદ્યોગકારોની વિરુદ્ધમાં આવ્યો, જે અંગે ઉદ્યોગકારો દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે.

ઉદ્યોગકારોનો વધુમાં આરોપ છે કે, જીઆઈડીસી એસોસિએશનના કેટલાક હોદ્દેદારોએ, જેઓ માત્ર ૨૫% સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે પોતાના અંગત રાજકીય લાભ માટે બહુમતી ઉદ્યોગકારોને અંધારામાં રાખીને મહાનગરપાલિકા સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરી દીધા, જે તેમને બિલકુલ સ્વીકાર્ય નથી. ઉદ્યોગકારોનું કહેવું છે કે, તેમની માલિકીની મિલકતો અંગે નિર્ણય લેવાની સત્તા કોઈ એસોસિએશનને આપી નથી.

હાઇકોર્ટની સિંગલ બેંચના ચુકાદાને હથિયાર બનાવીને છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરપાલિકાના અધિકારીઓ ૪૦-૫૦ના ટોળા સાથે જીઆઈડીસીમાં ત્રાટક્યા છે અને બળજબરીપૂર્વક વેરાની વસૂલાત કરી રહૃાા છે. જે ઉદ્યોગકારો વેરો ભરવાનો ઇનકાર કરે છે, તેમની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે અને તેમને ડરાવવા-ધમકાવવામાં આવી રહૃાા છે. આ દમનકારી કાર્યવાહીના કારણે મંદીનો સામનો કરી રહેલા લઘુ ઉદ્યોગોની હાલત કફોડી બની છે. કારખાનાઓ સીલ થવાથી ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે, હજારો કામદારોની રોજગારી જોખમમાં મુકાઈ છે અને મળેલા ઓર્ડરો કેન્સલ થઈ રહૃાા છે. ઉદ્યોગકારોની માંગ છે કે, જ્યાં સુધી આ મામલે હાઇકોર્ટની ડબલ બેંચ કે સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી મહાનગરપાલિકા પોતાની જબરદસ્તીભરી કાર્યવાહી રોકે અને તેમને ન્યાય મેળવવા માટે પૂરતો સમય આપે. જો આ ગેરકાયદેસર વસૂલાત બંધ નહીં થાય તો ઉદ્યોગ જગતને તાળાં મારવાની નોબત આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh