Advertisement
Author: નોબત સમાચાર

ભારત પરમાણુ હથિયારનાં જથ્થમાં વિશ્વમાં છઠ્ઠા ક્રમે

૫ાકિસ્તાન પાછળ રહી ગયુઃ જાણો, કયા દેશ પાસે કેટલા એટમીક વેપન્સ ?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: ભારત પાસે ૧૮૦, પાકિસ્તાન પાસે ૧૭૦, ચીન પાસે ૬૦૦ પરમાણુ શસ્ત્રો છે. ભારત પરમાણુ હથિયારોની સંખ્યાની શ્રેણીમાં ૬ઠ્ઠા ક્રમે છે.

ભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે ચીન પાસે ત્રણ ગણા વધુ પરમાણુ શસ્ત્રો છે વિશ્વમાં કુલ ૧૨,૨૪૧ પરમાણુ શસ્ત્રો છે. જેમાંથી ૯,૬૧૪ લશ્કરી ભંડારમાં છે. રશિયા અને અમેરિકા પાસે સૌથી વધુ શસ્ત્રો છે : સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. 

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (એસઆઈપીઆરઆઈ)ના તાજેતરના અહેવાલ મુજબ, ભારત પાસે હવે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો છે, પરંતુ ચીન આ બાબતમાં બંને દેશોથી ઘણું આગળ છે. જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં, ભારત પાસે ૧૮૦ પરમાણુ શસ્ત્રો છે, જ્યારે પાકિસ્તાન પાસે ૧૭૦ છે. ચીન પાસે ૬૦૦ પરમાણુ શસ્ત્રો છે, જેમાંથી ૨૪ મિસાઇલો પર તૈનાત છે.

ભારતે ૨૦૨૪ માં તેની પરમાણુ શક્તિમાં થોડો વધારો કર્યો છે. ભારત પાસે હવે ૧૮૦ પરમાણુ શસ્ત્રો છે, જે ગયા વર્ષના ૧૭૨ કરતા વધુ છે. ભારતે નવી ટેકનોલોજી સાથે કેનિસ્ટરાઇઝડ મિસાઇલો બનાવી છે, જે શાંતિના સમયમાં પણ પરમાણુ શસ્ત્રો વહન કરી શકે છે. આ મિસાઇલોમાં એકસાથે અનેક શસ્ત્રો વહન કરવાની ક્ષમતા પણ હોઈ શકે છે. ભારત વિમાન, જમીન આધારિત મિસાઇલો અને સબમરીન દ્વારા તેની પરમાણુ શક્તિને વધુ મજબૂત બનાવી રહૃાું છે.

સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં જણાવાયું છે કે, વિશ્વના આશરે ૯૦ ટકા પરમાણુ હથિયાર માત્ર રશિયા અને અમેરિકા પાસે છે.  અન્ય એક રિપોર્ટ ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યૂક્લિઅર વેપન્સ (આઈસીએએન)માં જણાવ્યા પ્રમાણે, ગતવર્ષે ન્યૂક્લિઅર હથિયારો ધરાવતા દેશોએ તેમના પરમાણુ શસ્ત્રાગાર (એટોમિક જથ્થા)માં વધારો કરવા ૧૦૦ અબજ ડોલરથી વધુનુ રોકાણ કર્યું છે. જ્યારે યુકે, ચીન, ફ્રાન્સ, ભારત, ઈઝરાયલ, દક્ષિણ કોરિયા, પાકિસ્તાન, રશિયા અને અમેરિકાએ ૨૦૨૩ની તુલનાએ ૨૦૨૪માં ૧૦ અબજ ડોલરનું રોકાણ વધાર્યું છે.

અમેરિકા અને રશિયા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઈઝરાયલ પરમાણુ હથિયારનો જથ્થો વધારી રહૃાા છે. રિપોર્ટ અનુસાર, વિશ્વમાં કુલ ૧૨,૨૪૧ પરમાણુ હથિયાર છે. જેમાં ૯૬૧૪ સૈન્ય ભંડારમાં છે. આશરે ૩૯૧૨ પરમાણુ હથિયાર મિસાઈલ અને વિમાનો સાથે તૈનાત છે.

અમેરિકા પાસે કુલ ૫૧૭૭ પરમાણુ હથિયાર છે. જેમાં ૧૪૭૭ વોરહેડ છે. સૈન્ય ભંડારમાં ૩૭૦૦માંથી ૧૭૭૦ તૈનાત છે, અને ૧૯૩૦ સંગ્રહિત છે. રશિયા પાસે કુલ ૫૪૫૯ પરમાણુ હથિયાર છે. જેમાં સૈન્ય ભંડારમાં ૪૩૦૯ સામેલ છે. જેમાં ૧૭૧૮ વોરહેડ તૈનાત છે અને ૨૫૯૧ને સંગ્રહ કરે છે. રશિયાએ ૧૧૫૦ વોરહેડ રિટાયર કર્યા છે.  જ્યારે બ્રિટને ૧૨૦ વોરહેડ તૈનાત કર્યા છે. ૧૦૫ સ્ટોરેજમાં છે. તેના સેનામાં ૨૨૫ હથિયારોનો ભંડાર છે. બ્રિટન પાસે કુલ ૨૨૫ પરમાણુ હથિયાર છે. ફ્રાન્સની પાસે કુલ ૨૯૦ પરમાણુ હથિયાર છે, જેમાંથી ૨૮૦ તૈનાત છે અને ૧૦ સંગ્રહિત છે. ચીન પાસે આશરે ૬૦૦ પરમાણુ હથિયાર છે, જેમાં ૨૪ વોરહેડ અને ૫૭૬ સંગ્રહિત છે.

પરમાણુ હથિયારના જથ્થામાં અમેરિકા પ્રથમ અને રશિયા બીજા ક્રમે છે. જ્યારે ભારત છઠ્ઠા સ્થાને છે. ભારત પાસે કુલ ૧૮૦ પરમાણુ હથિયાર છે. તે તમામ સંગ્રહિત છે. જ્યારે પાકિસ્તાન પાસે ૧૭૦ અને ઉત્તર કોરિયા પાસે ૫૦ પરમાણુ હથિયાર છે. આ સિવાય ઈઝરાયલ પાસે ૯૦ વોરહેડ છે. આ તમામ દેશોમાં પરમાણુ હથિયાર સેનાના ભંડારમાં સંગ્રહિત છે.

એસઆઈપીઆરઆઈનો અંદાજ છે કે, ચીન પાસે છેલ્લા એક વર્ષમાં પરમાણુ શસ્ત્રાગાર ૧૦૦થી વધી ૬૦૦ થયા છે. રિપોર્ટ અનુસાર, કોઈપણ દેશની તુલનાએ ચીન પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર સંગ્રહિત છે. ચીન પોતાના પરમાણુ હથિયારના ભંડારમાં સતત વધારો કરી રહૃાું છે. જેની અસર ભારત પર થઈ શકે છે. કારણકે, બેઈજિંગ પાકિસ્તાનનો સહયોગી છે. અને તે પરમાણુ હથિયારમાં તેને મદદ કરી શકે છે. એસઆઈપીઆરઆઈએ રિપોર્ટ તૈયાર કરતી વખતે ચીન સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કોઈ જવાબ આપ્યો ન હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh