Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે અંધારપટઃ આજે પાંચ જિલ્લામાં યલો એલર્ટઃ ૧૮ ઓગષ્ટ સુધી વરસાદની આગાહી
અમદાવાદ તા. ૧૩: આજે સવારથી બપોર સુધીમાં રાજ્યના ૮૬ તાલુકાઓમાં વરસાદ પડયો છે. અને અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. બંગાળની ખાડીમાં વેધર સિસ્ટમ સર્જાતા મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના દર્શાવાઈ છે.
આજે સવારના ૬થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૮૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં ૨.૩૬ ઇંચ તો વલસાડમાં ૨.૧૭ ઇંચ વરસ્યો છે. ૬ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં ૩% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હજુ પણ સામાન્ય કરતાં ૨૧% ઓછો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના ન્યુ રાણીપ, વાડજ, અખબારનગર, સુભાષબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહૃાો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકોને લાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવા પડી રહૃાા છે.
બીજી તરફ પાટણમાં ખુલ્લી ગટર વૃદ્ધ અને બચાવવા ગયેલો યુવક ખાબક્યા પાટણના સૌથી વ્યસ્ત એવા નવજીવન ચાર રસ્તાથી સિદ્ધપુર રોડ પર ભારે વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાતાં માર્ગો બેટમાં ફેરવાઈ ગયા હતા. આ દરમિયાન રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી ખુલ્લી ગટર નજરે ન પડતાં એક વૃદ્ધ અચાનક ગટરમાં ખાબક્યા હતા. તેઓને બચાવવા માટે તાત્કાલિક આગળ આવેલો સ્થાનિક યુવક પણ ગટરમાં પટકાયો હતો. જોકે, આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી ભારે જહમત બાદ બંનેને સહીસલામત બહાર કાઢતાં મોટી હોનારત ટળી હતી, પરંતુ પાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહૃાો છે.
હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સક્રિય સિસ્ટમ્સના કારણે રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ-છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દરિયાકાંઠે પવનની ગતિ વધતાં માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 'સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ' સર્જાવાને કારણે પવનની ગતિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ૧૫થી ૨૦ નોટ્સ (વધીને ૨૫ નોટ્સ સુધી) અને ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનના જોરને કારણે દરિયો કરંટવાળો રહેવાની શક્યતા હોવાથી માછીમારોને સુરક્ષાના ભાગરૂપે દરિયામાં ન જવાની કડક સૂચના અને ચેતવણી આપી છે.
આ તરફ બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય થતાં દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ૧૩ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે, જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં વ્યાપક વરસાદનું એલર્ટ અપાયું છે.
બંગાળની ખાડી અને મધ્ય ભારત પર એકસાથે નવી વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે દેશના પૂર્વ, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં મેઘમહેર યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને નીચા દબાણના ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે, જેના પગલે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો. શશીકાંતના જણાવ્યાનુસાર, પશ્ચિમ ભારતમાં પણ વરસાદી ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે વિધિવત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્રના વિદર્ભ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વ્યાપક તેમજ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાંથી આવતા ભેજ અને પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ની સંયુક્ત અસરને કારણે હિમાલયના પહાડી ક્ષેત્રોમાં ભારે વરસાદ નોંધાઈ રહૃાો છે. આ ઉપરાંત ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. આગામી સપ્તાહ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદનું જોર વધુ વધશે, જ્યારે દક્ષિણ ભારતમાં હાલ પૂરતી ભારે વરસાદની શક્યતા ઓછી જણાઈ રહી છે.
હવામાન વિભાગ અનુસાર, ૧૩ ઓગસ્ટના પશ્ચિમ ભારતમાં પણ વરસાદની ગતિવિધિઓ તીવ્ર બનવાની ધારણા છે. ૧૩થી ૧૮ ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવાના ઘણાં વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ૧૩મી અને ૧૪મી ઓગસ્ટના મધ્ય મહારાષ્ટ્રમાં વ્યાપક વરસાદની આગાહી છે. કોંકણ અને ગોવામાં ૧૩મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્રમાં ૧૩મી ઓગસ્ટ અને ફરીથી ૧૫ અને ૧૬મી ઓગસ્ટના ભારે વરસાદ પડવાની ધારણા છે.
૧૩મી ઓગસ્ટના ગુજરાત ક્ષેત્રમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ પડવાની ધારણા છે. વિદર્ભમાં ૧૩મી થી ૧૭મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની ધારણા છે, જ્યારે ૧૩મીથી ૧૬મી ઓગસ્ટ દરમિયાન ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial