Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વસંત પરિવાર સામે છેતરપિંડીની કરાયેલી ફરિયાદ રદ્દ કરવાનો હુકમ

પરિવારના જ એક સદસ્યએ પાંચ ટ્રકની છેતરપિંડીનો કર્યાે હતો કેસઃ હાઈકોર્ટમાં કરાઈ હતી ક્વોસીંગ પીટીશનઃ

 

જામનગર તા. ૧૭ઃ જામનગર ના ટ્રાન્સપોર્ટના જાણીતા ધંધાર્થી મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત અને હેમલભાઇ મહેશભાઇ વસંત સામે એમના જ મૂંબઇ રહેતા ભાઇ શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત દ્વારા કરવામાં આવેલી ફરીયાદ હાઇકોર્ટે રદ કરી નાખી છે. વડી અદાલત સુધી પહોંચેલા કાનુની જંગમાં ફરીયાદ કરનારને લપડાક લાગી છે. હાઇકોર્ટે ક્વોસીંગ પીટીશન પર અરજદાર તરફી ચુકાદો આપીને એવી પણ મહત્વની ટકોર કરી છે કે કેસની હકીકતો ધ્યાને લીધા પછી જો આવી ફરીયાદ ચાલુ રાખવામાં આવે તો કાનુની પ્રક્રિયાનો દુરઉપયોગ થયો ગણાય.

સમગ્ર જામનગરમાં અને લોહાણા સમાજમાં ચર્ચાસ્પદ બનેલા વસંત પરિવારના કાનુની જંગમાં તા.૩૧-૧૨-૨૦૨૧ના રોજ મુંબઇ સ્થિત શરદભાઇ વસંત દ્રારા જુદી જુદી કલમો હેઠળ ફરીયાદ કરવામાં આવી હતી, જેની સામે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ક્વોસીંગ પીટીશન દાખલ કરવામાં આવી હતી, જેનો ચુકાદો હાઇકોર્ટના જસ્ટીસ એચ.ડી. સુથાર દ્વારા આપવામાં આવ્યો છે અને શરદભાઇ વસંતની ફરીયાદને રદ્દ કરી દેવામાં આવી છે.

ગઈ તા.૩૧-૧૨-૨૦૨૧ના દિને જામનગરના સીટી બી ડીવીઝનમાં મુંબઇના રૃપમહેલ ૨૨૨/૧ આર એ કીડવાઇ રોડ, વકાલા ખાતે રહેતા લોહાણા વેપારી શરદકુમાર કલ્યાણજીભાઇ વસંત (ઉ.વ.૬૯)એ ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ તેમના પરિવાર સાથે ઉપરોકત સરનામે રહે છે અને રણજીત લોજીસ્ટીક નામનો ટ્રાન્સપોર્ટ તથા રણજીત ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કન્સ્ટ્રકશનની પેઢી ચલાવે છે, સંતાનમાં બે બાળકો, પુત્ર કીંજલ તથા પુત્રી પ્રાંચીબેન છે, તેમના પત્નિનું નામ જયશ્રીબેન છે અને ધંધાનો વહીવટ તેમનો પુત્ર અને તેઓ ચલાવે છે, તેમના પિતા કલ્યાણજીભાઇ તથા માતા મુક્તાબેન અવસાન પામ્યા છે, છ ભાઇઓમાંથી સૌથી મોટા જશવંતભાઇ ૧૫ વર્ષ પહેલા મરણ ગયેલ છે, તેનો પરિવાર જામનગર રહે છે, તેનાથી નાના અનિલભાઇ દોઢ વર્ષ પહેલા મરણ ગયેલ છે અને તેમના પુત્ર મુંબઇ અને દિલ્હી રહે છે.

તેનાથી નાના કનુભાઇ છે, જે  રાજકોટ રહે છે, તેનાથી નાના મહેશભાઇ છે જે જામનગરમાં રહે છે. તેનાથી નાના વિનોદભાઇ ઉર્ફે કીલુભાઇ જે ૧૨ વર્ષ પહેલા મરણ ગયેલ છે, તેમનો પરિવાર જામનગરમાં રહે છે, સૌથી નાનો હું (ફરીયાદી) છું અને ૪૫ વર્ષથી મારા પરિવાર સાથે મુંબઇ મુકામે રહું છું અને ત્યાં ઉપરોકત ધંધો કરૃ છું.

મેં કરેલી અરજી બાબતે મારી ફરીયાદ લખાવું છું કે, હું તથા મારા મોટાભાઇ મહેશભાઇ તથા વિનોદભાઇના પત્ની વર્ષાબેને વર્ષ ૧૯૯પમાં રણજીત ફલેટ કેરીયર્સ નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો ભાગીદારીમાં ચાલુ કર્યાે હતો, જેમાં મારા તરફથી ૧૯૯૬ની સાલમાં મારા નામે ટ્રક નં.જીજે-૧૦-યુ ૫૮૪૮, મારી પત્નિ જયશ્રીબેનના નામે જીજે-૧૦-યુ ૫૦૯૪ તથા  ૧૯૯૫માં જીજે-૧૦-યુ ૬૩૬૩ તથા ૨૦૦૬ની સાલમાં મારા નામે ટ્રક નં. જીજે-૧૦-ટીટી ૬૦૩૨ તથા મારા પુત્ર કીંજલના નામે જીજે-૧૦-વી ૫૩૦૧ એમ કુલ પાંચ ટ્રક ખરીદેલા હતાં.

મહેશભાઇ તથા વિનોદભાઇએ પણ તેમના તરફથી પાંચ પાંચ ટ્રક ખરીદેલા હતા, જે ટ્રક રણજીત ફ્લેટ કેરીયર્સ નામથી મુંબઇથી જામનગર ચાલતા હતા, જેની મુંબઇની ઓફીસનો વહીવટ હું ચલાવતો હતો અને જામનગરમાં દેખરેખ રાખવાનું કામ મોટાભાઇ મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત કરતા હતાં. આ ભાગીદારીનો ધંધો ૨૦૧૫ સુધી ચાલુ હતો અને વિનોદભાઇ મરણ જતા પાર્ટનરશીપમાં મજા આવતી ન હોય અને અવારનવાર નાની નાની બાબતોમાં બોલાચાલી થતાં અમે આ ભાગીદારી પેઢીનો અંત લાવ્યા હતાં અને તેના સ્થાને મારા પત્ની તથા ભાઇ મહેશભાઇએ રણજીત કોર્પોરેશનના નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ રાખ્યો હતો.

દરમ્યાન ૨૦૧૮/૧૯માં મારે મારા ભાઇ મહેશભાઇના દીકરા હેમલભાઇ સાથે પારીવારીક કારણોસર બોલાચાલી થતા રણજીત કોર્પોરેશનમાંથી છુટા થયા હતા પરંતુ મારે મારા ભાઇ મહેશભાઇની સાથે સંબંધ સારા હોય જેથી મહેશભાઇ તથા તેમના દીકરા હેમલભાઇ અમારા ઘરે જાન્યુઆરી ૨૦૧૯માં આવ્યા હતાં અને વાત કરી હતી કે, અમને સીકકા સીમેન્ટની ફેકટરીમાં કોન્ટ્રાકટ મળ્યો છે, તમારી ગાડીઓ અમને ચલાવવા આપવી હોય તો આપો, હું તમને મુંબઇ સુધી સીમેન્ટ લાવવાના એક ટનના રૃા.૨૪૦૦ આપીશ તેમ કહી અલગ અલગ શહેરોના અલગ અલગ ભાવો નકકી કર્યા હતાં જેનો અમે ભાઇઓ હોય જેથી કોઇ લેખીત કરાર કર્યાે ન હતો અને મૌખીક સમજુતીથી નકકી કર્યું હતું.

ત્યારપછી બે-ત્રણ દિવસ વિત્યે મહેશભાઇ ડ્રાઈવર સાથે આવ્યા હતાં અને મારા પાંચેય ટ્રક તેમની સાથે મુંબઇથી જામનગર લઇ ગયા હતા. જયાં ત્રણ-ચાર મહિના ટ્રક ચલાવાયા હતા અને હિસાબ આપતા હતા ત્યારપછી અમને હિસાબ આપ્યો ન હતો, તેથી હું મારા ભાઈની પોટરી ગલીમાં જામ રણજીત ટ્રાન્સપોર્ટ નામની ઓફીસે આવ્યો હતો અને હિસાબ માંગતા હિસાબ અપાયો ન હતો, તેથી મેં ટ્રક પરત માંગતા ટ્રક ભાડામાં ગયેલા છે, આવશે એટલે પરત આપી દેશું, હાલમાં મારી પાસે પૈસા નથી તેમ બહાના બતાવતા હતાં.

તેથી મારા ભાઇ મને ટ્રક પરત આપવા માંગતા નથી અને ટ્રક મારી જાણ બહાર કોઇને વેંચી નાખ્યા છે તેવી શંકા પડતા આરટીઓ કચેરી જામનગરમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ટ્રક નં. જીજે-૧૦-યુ ૫૮૪૮ નંબરનો ટ્રક મારા નામથી હતો તે હાલમાં વિપુલ દિનેશભાઇ સોલંકી રહે. ચિરોડા, તા. જામજોધપુરવાળાના નામે તા.૨૪-૧૦-૨૦૧૦ના રોજ ટ્રાન્સફર થયાનું અને ટ્રક નં. જીજે-૧૦-યુ ૫૦૯૪ નંબરનો ટ્રક મારા પત્ની જયશ્રીબેનના નામે હતો તે હાલમાં ભરતભાઇ વશરામભાઇ ડાંગર રહે. ૧૦૦, ગંગેશ્વર મહાદેવ મચ્છરનગર જામનગરવાળાના નામે તા.૧૪-૫-૨૦૧૯ના રોજ ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હતું. તે ઉપરાંત ટ્રક નં. જીજે-૧૦-યુ ૬૩૬૩ જયશ્રીબેનના નામેથી સત્તારભાઇ કાસમભાઇ ખોડ રહે. ધરારનગર, રામ મંદિરની બાજમાં, બેડેશ્વર જામનગરવાળાના નામે તા.૧૦-૧૨-૨૦૧૯ના દિને ટ્રાન્સફર થયાનું તથા ટ્રક નં. જીજે-૧૦-ટીટી ૬૦૩૨ ટ્રક મારા નામેથી કોહીનુર એન્ટરપ્રાઇઝ, હનુમાન મંદિર રોડ, સુરજકરાડી, તા. દ્વારકાવાળાના નામે તા.૧૦-૧-૨૦૧૯ના રોજ ટ્રાન્સફર થયાનું તથા ટ્રક નં. જીજે-૧૦-વી ૫૩૦૧ નંબરનો ટ્રક મારા દિકરા કીંજલના નામેથી હાલમાં ભરતભાઇ કારાભાઇ પારધી રહે જુના નાગના, તા.જામનગરવાળાના નામે તા.૭-૬-૨૦૧૯ના રોજ ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હતું.

આવી રીતે મારા ભાઇ મહેશભાઇ કલ્યાણજીભાઇ વસંત તથા તેના પુત્ર હેમલભાઇ મહેશભાઇ વસંતે પૂર્વ આયોજીત કાવતરૃ કરી અમારા ટ્રકો બારોબાર વેંચાણ કરી નાખવાના ઇરાદે અમારી પાસેથી  મેળવી સીક્કાની સીમેન્ટ ફેક્ટરીમાં ચલાવવાનું કહી વિશ્વાસ અને ભરોસો કેળવી મેળવી લીધા પછી   કંપનીમાં ટ્રક ભાડેથી નહિં ચલાવી કોઇપણ રીતે આ ટ્રક મારા તથા માર। પત્ની, મારા દિકરાના નામના હોય જે અમારી જાણ બહાર ટીટીઓ ફોમમાં અમારા નામની ખોટી સહીઓ કરી તેને આરટીઓ કચેરીમાં રજુ કરી બારોબાર ટ્રકોના વેચાણ કરી અમારી સાથે વિશ્વાસઘાત અને છેતપિંડી કરી છે. તેમની સામે આઇપીસી ૧૨૦-બી, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ ધોરણસર કાર્યવાહી થવા મારી ફરીયાદ છે.

ઉપરોકત ફરીયાદ સામે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંત દ્વારા કવોર્સીંગ પીટીશન કરીને ફરીયાદ રદ્દ કરવાની દાદ માગવામાં આવી હતી, એમના એડવોકેટ પ્રેમલ એસ. રાચ્છ અને અશોક એચ. જોશી દ્વારા વડી અદાલત સમક્ષ એવી દલીલ કરાઇ હતી કે, ફરીયાદ સંપૂર્ણ રીતે કાયદાના દુરઉપયોગ સમાન છે, વર્ષો પહેલા જે ધંધાકીય વાંધા પડ્યા તેની વર્ષો પછી ફરીયાદ કરાઈ છે. તે ઉપરાંત એવી પણ દલીલ કરાઇ હતી કે, જે તે વખતે શરદભાઇ વસંતની ફરીયાદ પોલીસમાં પણ દાખલ થઇ ન હતી, જેની સામે એમણે જામનગરની કોર્ટમાં ૧૫૬ (૩) મુજબની અરજી કરી હતી અને ફરીયાદ માટે દાદ માગી હતી.

આ અરજી જામનગરના ચોથા ચીફ જ્યુડી મેજી. દ્વારા રદ્દ કરવામાં આવી હતી અને પોલીસ વેરીફીકેશન માટે મોકલવામાં આવી હતી તેમાં પણ પોલીસની તપાસમાં ગુન્હો બનતો ન હોવાનું ખૂલતા કોર્ટે જેતે સમયે ઇન્કવાયરી પોતાની પાસે રાખી હતી, ફરીયાદીનું વેરિફીકેશન લીધું હતું.

તે સમયે ૧૫૬(૩) રદ્દ થતા શરદભાઇ વસંત દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં ૧૫૬ (૩) મુજબ પોલીસ ફરીયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી અને સેશન્સ કોર્ટે શરદભાઇ વસંતની આ અરજીને પણ ડીસમીસ કરી નાખી હતી.

હાઈકોર્ટ સમક્ષ આ તમામ બાબતોની દલીલો રજૂ કરવા ઉપરાંત મહત્વની દલીલ અરજદારના વકીલો દ્વારા કરવામાં આવી હતી કે, ઉપરોક્ત તમામ હકીકતો છુપાવીને તા.૩૧-૧૨- ૨૦૨૧ના રોજ શરદભાઇ વસંત દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. ઉપરોક્ત દલીલો સાથે આખી ફરિયાદ જ રદ્દ કરવા મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંત દ્વારા હાઇકોર્ટમાં કવોસીંગ પીટીશન દાખલ કરાઈ હતી. હાઈકોર્ટે પીટીશન દાખલ કરી મહેશભાઇ તથા હેમલભાઇની ધરપકડ નહિં કરવાનો વચગાળાનો હુકમ પણ કર્યો હતો.

આ સમગ્ર કેસમાં બે વખત ટ્રાયલ થયા પછી તા.૧૨-૪-૨૦૨૪ના દિને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એચ.ડી. સુથાર દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી ફરીયાદ રદ્દ કરવાનો હુકમ કર્યો છે અને કહ્યું છે કે હાલના કામમાં કોગ્નીઝેબલ ઓફેન્સ બનતો ન હોવાથી ફરીયાદ અને તમામ પ્રોસીડીંગ રદ્દ કરવામાં આવે છે.

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં એવી પણ મહત્વની ટકોર કરી હતી કે કેસની તમામ હકીકતો ધ્યાને લેતા એવું સ્પષ્ટ થાય છે કે જો આવી ફરીયાદ ચાલુ રાખવામાં આવે તો કાનુની પ્રક્રિયાનો દુરઉપયોગ થયો ગણાય.

આમ વસંત પરિવારના કાનુની જંગમાં આખરે મહેશભાઇ વસંત અને હેમલભાઇ વસંતનો હાથ ઉપર રહ્યો છે, આ કેસમાં અરજદાર તરફે જામનગરના એડવોકેટ અશોક એચ. જોશી અને અમદાવાદના એડવોકેટ પ્રેમલ એસ. રાચ્છ રોકાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh