Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના લાંબાના બાયપાસમાં રાત્રે અકસ્માતઃ બે યુવાનના નિપજ્યા મૃત્યુ

બાઈક સાથે રોંગ સાઈડમાં આવેલી મોટર ટકરાઈ પડીઃ

ખંભાળિયા તા. ૧૭: કલ્યાણપુરના લાંબા ગામ પાસે બાયપાસની ગોળાઈમાં ગઈરાત્રે ત્રણ વાગ્યે બાઈક સાથે રોંગ સાઈડમાં આવેલી એક મોટર ટકરાઈ પડતા લાંબાની શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકના મૃત્યુ નિપજ્યા છે. મૃતકો અને અન્ય છ સાથી શિક્ષકો પોરબંદરના વિસાવાડામાં કાર્યક્રમમાંથી પરત આવતા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં આવેલી દાનેવ સ્કૂલના આઠ શિક્ષક ગઈકાલે સાંજે પોરબંદરના વિસાવાડામાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ચાર મોટરસાયકલ પર નીકળ્યા હતા. આજે રામનવમીની રજા હોવાથી મોડીરાત્રિ સુધી આ શાળાના પ્રિન્સીપાલ અને ખંભાળિયાના હરસિદ્ધિનગરમાં રહેતા રાજેશભાઈ આરંભડીયા (ઉ.વ.૪૮) તેમજ ગણિત શિક્ષક ભરતભાઈ બંધીયા (ઉ.વ.૩૨) સહિતના આઠેય શિક્ષક રોકાયા હતા.

ત્યારપછી કાર્યક્રમ પૂર્ણ થતાં તમામ વ્યક્તિ ચાર બાઈકમાં લાંબા પરત આવવા નીકળ્યા હતા. તેઓ રાત્રે ત્રણેક વાગ્યે જ્યારે લાંબાની ગોળાઈમાં બાયપાસ પાસે પહોંચ્યા ત્યારે સામેથી રોંગ સાઈડમાં જીપ કંપનીની એક મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી અને આગળ રહેલા ભરતભાઈ અને રાજેશભાઈના બાઈકને ઠોકર મારી હતી. બાઈક ચલાવી રહેલા ભરતભાઈ રોડ પર પટકાતા જ ગંભીર ઈજા થવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે પાછળ બેસેલા રાજેશભાઈ ગંભીર ઈજા પામ્યા હતા. તેઓની પાછળ આવતા અન્ય ત્રણ બાઈક સાઈડમાં લઈ લેવાતા તેઓનો બચાવ થયો હતો.

અકસ્માત પછી દોડી આવેલી ૧૦૮માં રાજેશભાઈને પોરબંદર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે ભારે અરેરાટી પ્રસરાવી છે. દાનેવ શાળામાં વિસાવાડાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમના વાલીઓએ આપેલા આમંત્રણને સ્વીકારી આઠેય શિક્ષકો ગઈકાલે તે કાર્યક્રમમાં ગયા હતા અને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. મૃતક રાજુભાઈ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ દાનેવ શાળા છાત્રાલયમાં જ રહેતા હતા તેમનો પુત્ર ધો.૧૨ અને પુત્રી ધો.૮માં અભ્યાસ કરે છે. ભરતભાઈ બાવીસેક દિવસ પહેલાં જ પિતા બન્યા છે તેમના પુત્રએ પિતાની છત્રછાયા ગૂમાવી છે. આ શિક્ષકો પોતાના રહેણાંકથી માત્ર દોઢેક કિ.મી. દૂર હતા ત્યારે જ અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતાં શાળાના ટ્રસ્ટી તથા આહિર આગેવાન રામભાઈ ચાવડા વગેરે પોરબંદર દોડી ગયા હતા. અંતિમવિધિ માટે મૃતદેહો ખંભાળિયા તથા ભાવનગર  પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh