Advertisement
Author: નોબત સમાચાર

દુબઈમાં દે ધનાધન વરસાદઃ ૭પ વર્ષનો તૂટ્યો રેકોર્ડઃ ઓમાનમાં ૧૮ ના મોત

રણપ્રદેશ તરીકે જાણીતા મધ્ય પૂર્વમાં આવ્યા પૂરઃ વીજળીના ચમકારા અને તોફાની પવન સાથે મેઘપ્રકોપઃ

દુબઈ તા. ૧૭: રણપ્રદેશ તરીકે જાણીતા મધ્યપૂર્વના દેશોમાં કુદરતની કમાલ કહો કે કહેર કહો, ધોધમાર વાસદ પડતા પૂર આવ્યા છે, ને વીજળીના ચમકારા સાથે તોફાની પવનો ફૂંકાયા છે. મેધપ્રકોપના કારણે વાહનો ડૂબ્યા છે, અને રોકોર્ડબ્રેક ૧૦ ઈંચ વરસાદ થયો છે. ઓમાનમાં અત્યાર સુધીમાં ૧૮ ના મોત થયા હોવાનું જાણવા મળે છે.

યુનાઈટેડ આરબ અમીરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા દેશના ટોચના આઈવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને તેના લીધે સમગ્ર દુબઈમાં કેટલાય લોકોએ રસ્તા પર વાહનો છોડી દીધા હતાં.

ઓમાનમાં ભારે વરસાદના લીધે આવેલા પૂરનો મૃત્યુઆંક ૧૮ નો થયો છે. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ પાણી ભરાયા છે. પ્લેનોએ રીતસરનું પાણીમાં લેન્ડિંગ કરવું પડી રહ્યું છે. દુબાઈ એરપોર્ટને વિશ્વનું અત્યંત વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે. દુબઈની ગલીઓ પાણીથી ભરાયેલી છે. દુબાઈના આકાશમાં વીજળીના ચમકારા જોવા મળે છે અને વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગ બુર્જ ખલીફા પર વારંવાર વીજળી ત્રાટકતી હોય તેવું જોવા મળે છે. ઓમાનમાં ભારે પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા હોવાના અહેવાલો છે.

ભારે વરસાદના લીધે સમગ્ર યુએઈની બધી સ્કૂલો બંધ રાખવાની ફરજ પડી છે. સરકારી કમર્ચારી અને ખાનગી કર્મચારીઓએ પણ રિમોટ વર્કિંગ કરવું પડ્યું છે. કેટલાય લોકોએ ઘરની બહાર બિનજરૂરી નીકળવાનું ટાળ્યું છે. ગલીઓ, રસ્તાઓ અને હાઈ-વે પાણીથી ભરાયેલા છે. દુબઈમાં વરસાદની સંભાવના નહીંવત્ હોવાથી અહીં પૂરના પાણી માટે કોઈ જ આયોજન કરાયું નથી. આ બધી બાબતો હવે શેહરી આયોજનમાં નડી રહી છે.

ગલ્ફના આરબ દેશોમાં ભાગ્યે જ વરસાદ પડતો હોય છે, પરંતુ સંભવતઃ યુએઈના જુદા જુદા ભાગોમાં સોમવાર રાતથી વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે રણની જમીનો પણ છલકાઈ ગઈ છે અને ધ્યાનમાં રાખીને યુએઈના ક્રાઉન પ્રિન્સે સરકારી કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની જાહેરાત કરી છે.

ગલ્ફ ન્યૂઝના અહેવાલમાં જણાવ્યું છે કે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મધ્યમ પૂરની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે મોડી રાત્રે શારજાહ અને અલ આઈનમાં વીજળી સાથે ભારે વરસાદ થયો હતો. આ દરમિયાન ઘણી જગ્યાએ ભારે કરા પણ પડ્યા હતાં. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણાં લોકોએ દુબઈ અને અલ આઈન સહિત વિવિધ ભાગોમાં ભારે વરસાદ, કરા અને ગાજવીજના વીડિયો શેર કર્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર સુધી વધુ વરસાદની સંભાવના છે. રાષ્ટ્રીય હવમાન કેન્દ્રએ જણાવ્યું કે હવામાન અસ્થિર રહેશે અને આકાશ આંશિક વાદળછાંયું રહેશે. મધ્યમથી ભારે વરસાદ ઉપરાંત કેટલાક સ્થળોએ વીજળી અને ગાજવીજ સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. આ મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખીને ક્રાઉન પ્રિન્સ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ શેખ અમ્મર બિન હુમૈદ અલ નુઈમીએ નિર્દેશ આપ્યો છે કે અજમાન સરકારી કર્મચારીઓ મંગળવાર, ૧૬ એપ્રિલ, ર૦ર૪ થી ગમે ત્યાંથી કામ કરવા માટે મુક્ત રહેશે. આ છૂટ અજમાન અમીરાતના તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને આપવામાં આવી છે, જો કે તેમાં એવા કર્મચારીઓનો સમાવેશ થતો નથી કે જેમને કાર્યસ્થળ પર હાજર રહ્વું જરૂરી છે.

મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ બુધવાર સુધી દુબઈ, અબુધાબી અને શારજાહ સહિત ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રમાં કામ કરતા અહેમદ હબીબે જણાવ્યું હતું કે, 'દુબઈ, અબુધાબી, શારજાહ અને અમીરાતના અન્ય સ્થળોએ માત્ર ભારે વરસાદ જ નહીં, પરંતુ કરા પડવાની પણ સંભાવના છે.' લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર, સુરક્ષિત અને ઊંચા સ્થળોએ તેમના વાહનો પાર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વરસાદના કારણે લોકોને મસ્જિદને બદલે ઘરે જ નમાઝ અદા કરવા કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર જવાની સલાહ આપી છે.

ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેથી પ૦ થી વધુ ફ્લાઈટ રદ્ કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે ભીષણ તોફાનને લીધે સમસ્યા સર્જાઈ છે, પરંતુ હવે રિકવરી મોડ છે. જેથી વરસાદને લીધે દુબઈ મેટ્રોની રેડલાઈન સેવાને અસર થઈ છે. ઘણાં મેટ્રો સ્ટેશન પર પાણી ભરાયા છે. દુબઈથી અબુધાબી, શારજાહ અને અજમાનની બસ સેવા બંધ કરાઈ છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે શોપિંગ સેન્ટર, દુબઈ મોલ અને એમિરેટ્સમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.

ઉલ્લેખનિય છે કે, સંયુક્ત આરબ અમીરાત એક રણપ્રદેશ હોવાથી વરસાદ એક અસામાન્ય ઘટના છે. જેથી વરસાદને લીધે અહીં યુએઈમાં શાળા-કોલેજ બંધ છે. કરાની સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. સંયુક્ત આરબ અમીર સિવાય કેટલાક વિસ્તારમાં આગામી ર૪ કલાકમાં ૮૦ મિલિમીટરથી વધુ વરસાદ એટલે કે ત્રણ ઈંચથી વધુ નોંધાયો છે. વાર્ષિક સરેરાશ કરતા વધુ છે.

ઉલ્લેખનિય છે કે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ, જે તેના શુષ્ક અને ગરમ તાપમાન માટે જાણીતું છે. ત્યાં ભારે વરસાદને કારણે પૂરથી જળમગ્ન થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે આ શહેરમાં સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. આ સાથે વ્યસ્ત શહેરમાં પૂરની સ્થિતિએ ક્લાઈમેટ ચેન્જની ચિંતા વધારી દીધી છે. ભારે વરસાદને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયું હતું. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાના સૌથી વ્યસ્ત એર હબ તરીકે ઓળખાય છે. યુએઈમાં છેલ્લા ર૪ કલાકમાં રેકોર્ડ પર સૌથી વધુ વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ અલ આઈનના ખાતમ અલ શકલા વિસ્તારમાં નોંધાયો છે, જે ર૪ કલાકથી ઓછા સમયમાં રપ૪ મીમી (૧૦ ઈંચ) સુધી પહોંચી ગયો છે. ૭પ વર્ષમાં પહેલી વાર આટલો વરસાદ પડ્યો છે.

એરપોર્ટ પર જળબંબાકારની સ્થિતિને જોતા ઘણી આવતી ફ્લાઈટોને ડાયવર્ડ કરવામાં આવી હતી. સામાન્ય રીતે લગભગ ૧૦૦ વિમાનો દુબઈ એરપોર્ટ પર સાંજે આવે છે, પરંતુ હવામાન પરિવર્તનને કારણે ત્યાં પ્રવર્તતી પરિસ્થિતિને કારણે ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી, જો કે રપ મિનિટ પછી ધીમે ધીમે વિમાનોનું આગમન ફરી શરૂ થયું.

ભારે વરસાદને કારણે ફ્લાઈટ ઓપરેશનમાં વિલંબ થયો હતો અથવા ફ્લાઈટ્સ કેન્સલ થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રનવે સંપૂર્ણ રીતે ડૂબી ગયો છે. એરપોર્ટનું પાર્કિંગ પણ અડધું ડૂબી ગયું છે. એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. દુબઈના શોપિંગ મોલમાં પણ ઘૂંટણિયે પાણી ભરાઈ ગયું છે.

ભારે વરસાદને કારણે દુબઈમાં રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જેમાં વિવિધ ઘરોની છત, દરવાજા અને બારીઓમાંથી પાણી નીકળવા લાગ્યું છે. ગઈ સાંજે દુબઈ એરપોર્ટ પર ૧૦૦ થી વધુ ફ્લાઈટ્સ ઉતરવાની અપેક્ષા હતી. વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી સમસ્યાઓના કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. થોડા સમય માટે એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પણ ખરાબ રીતે ડૂબી ગયા હતાં.

ફ્લાય દુબઈએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે તેણે દુબઈથી ઉપડતી તેની તમામ ફ્લાઈટ્સને આજે સવાર સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. યુએઈની સમાચાર એજન્સી ડબલ્યુએએમ એ અહેવાલ આપ્યો છે. આવા જ દૃશ્યો દુબઈ અને યુએઈમાં અન્યત્ર જોવા મળ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh