Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મીલેટ્સ એકસ્પોનો ઉદ્ઘાટન ઉપરાંત લગભગ ત્રણ અબજના વિકાસકામોના લોકાર્પણ, ખાતમુહૂર્તો થશે,, સ્પોર્ટકોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત અને પોલીસ હેડકવાર્ટરમાં સ્પોર્ટસ - ક્રિકેટ ગ્રાઉન્ડના લોકાર્પણ પછી શહેરની રમત-ગમત પ્રવૃત્તિઓને વેગ મળશે. આ પ્રકારના વિકાસના કામોના નિર્માણ પછી તેના સંચાલન નિભાવ, દેખરેખ અને વખતોવખત નવીનીકરણ-આધુનિકરણ વ્યવસ્થાઓ પણ અત્યારથી જ સંપૂર્ણપણે સુનિશ્ચિત કરી લેવામાં આવી હોય તો તે સમયોચિત કદમ ગણાશે, કારણ કે ઘણી વખત આ પ્રકારની દૂરંદેશીમાં ત્રુટિ રહી જાય, તો કેટલીક સુવિધાઓનો મૂળ ઉદ્દેશ્ય જ માર્યો જતો હોય છે.
જામનગર સહિત હાલારમાં અત્યારે ખાવડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા પારિવારિક પ્રસંગની ઉજવણીના ભાગરૃપે ગ્રામ્ય વિસ્તારો તથા ગ્રામજનોને સાંકળીને યોજાઈ રહેલા કાર્યક્રમો, ભોજન સમારંભો અને ઈત્તરપ્રવૃત્તિઓની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે જામનગરની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ અનંત અંબાણીના પ્રિ-વેડીંગ સેરેમનીમાં જવાના છે. અંબાણી પરિવાર દ્વારા આ પ્રસંગને સાંકળીને કેટલીક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને સંખ્યાબંધ સેલિબ્રિટીઝ આવી રહ્યા છે અને દિગ્ગજ ઉદ્યોગપતિઓ તથા મોટા નેતાઓ આવી રહ્યા હોવાથી આ પારિવારિક પ્રસંગે સમગ્ર દેશનું પણ ધ્યાન ખેંચ્યું છે, તો આ ઈવેન્ટ્સ 'ટોક ઓફ ધ હાલાર' પણ બન્યા છે.
જામનગરમાં તા. પહેલી માર્ચથી ત્રણ દિવસ માટે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ખેતીવાડી ખાતા દ્વારા મીલેટ્સ એકસ્પો યોજાનાર છે, તેમાં સાંસ્કૃતિક, લોક-સાહિત્યના કાર્યક્રમોની રંગત સાથે ૪૦ જેટલા વિવિધ સ્ટોલ્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી, મીલેટ્ દ્વારા લાઈવફૂડ અને મીલેટ પાકના કીટ્સ, હસ્તકલા વગેરેનો લાભ લોકો લઈ શકશે, અને અહીં આયુર્વેદ અંગે પણ માર્ગદર્શન અપાશે, તેમ જાહેર થયું છે, ત્યારે તંત્રો હડિયાપટ્ટી કરી રહ્યા છે, આ પ્રકારના કાર્યક્રમો માત્ર સિમ્બોલિક ન બની જાય, અને વધુમાં વધુ લક્ષિત લોકો વાસ્તવિક રીતે આ પ્રકારના કાર્યક્રમો-એકસ્પો-વર્કશોપ્સ વગેરેનો લાભ લે, તે અત્યંત જરૃરી છે, અને કાર્યક્રમો પૂરા થયા પછીના દિવસોમાં તેની થયેલી અસરોનું ફોલોઅપ અને ફિડબેક મેળવવાનું નેટવર્ક વિસ્તારવું જોઈએ, તેમ નથી લાગતું ? જો કે, આ નવતર સુવિધાઓનો મુદ્દો 'ટોક ધ ટાઉન' જરૃર બન્યો છે.
આજે ગુજરાતના પનોતાપુત્ર અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જયંતી ઉજવાઈ રહી છે, અને દર ચાર વર્ષે આવતી ર૯ મી ફેબ્રુઆરીના દિવસે જન્મેલા ગાંધીવાદી નેતા મોરારજીભાઈને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે, ત્યારે તેઓના સિદ્ધાંતો, આદર્શો અને જીવનશૈલીને લઈને પણ દેશવ્યાપી ચર્ચાઓ થઈ રહી છે, અને ખાસ કરીને તેઓના 'શિવામ્બુ'ના કોન્સેપ્ટની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. મોરારજીભાઈ દેસાઈની વિશેષતાઓ અને નાણામંત્રી તરીકેની તે સમયેની તેમની પોલિસીઓની ચર્ચા પણ વ્યાપક રીતે થઈ રહી છે, અને સાથે સાથે નોટબંધીના કદમને પણ યાદ કરવામાં આવી રહ્યું છે.
આજે જેવી રીતે દેશમાં રાજકીય ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે અને પક્ષાંતરો થઈ રહ્યા છે, તે વર્ષ ૧૯૭૦ ના દાયકાની યાદ અપાવી રહ્યા છે. ઈન્ડિકેટ અને સિન્ડકેટે નામના જૂથો અને શાસક અને સંસ્થા કોંગ્રેસના સ્વરૃપમાં થયેલા પાર્ટીના વિભાજન પછી મોરારજીભાઈ દેસાઈએ વિપક્ષી નેતા તરીકે શરૃ કરેલી યાત્રા અને વર્ષ -૧૯૭૭માં જનતાપાર્ટીની સરકારમાં વડાપ્રધાન બન્યા, ત્યાં સુધીની તેઓની પ્રગતિયાત્રાના ઘટનાક્રમો આજે તેઓની જયંતીના પર્વે વર્ણવાઈ રહ્યા છે, તેઓએ વર્ષ ૧૯૮૦માં જનતાપાર્ટીના પતન પછી સ્વીકારેલો રાજકીય સંન્યાસ પણ જે-તે સમયે ચર્ચામાં રહ્યા હતો. આજે તેઓની જન્મજયંતી પ્રસંગે તેઓને સ્મરણાંજલિઓ અપાઈ રહી છે.
આજે જ્યારે સત્તા મેળવવા કે ટકાવવા માટે સિદ્ધાંતોને નેવે મૂકી દેવાની માનસિકતા વધી રહી છે, ત્યારે મોરારજી દેસાઈ જેવા અનેક ગાંધીવાદી નેતાઓની યાદ તાજી થઈ જાય, જેઓ સત્તા માટે સિદ્ધાંતો સાથે જરાયે બાંધછોડ કરવા તૈયાર નહોતા...
અત્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલો અને લોકસભાની ચૂંટણીઓના વ્યૂહાત્મક પ્રચારના ઝંઝાવાતના કારણે માહોલ ગરમાયો છે, અને સિદ્ધાંતો, આદર્શો, નીતિનિયમોનું સ્થાન હવે 'વિનેબિલિટી' ફેકટરે લીધું છે, તેના વિશ્લેષણો પણ 'ટોક ઓફ ધ નેશન' બન્યા છે.
ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે વિવિધ ક્ષેત્રોમાં ટોચના શિખરે પહોંચેલા અનેક મહાનુભાવો ગુજરાતી મૂળના છે અને તેમાંથી ઘણાં પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ અને કર્મભૂમિને ભૂલ્યા નથી. મોરારજીભાઈ અને મુનશીથી લઈને મોદી સુધીના રાજનેતાઓ, ઉપરાંત સાયન્સ, વ્યાપાર-ઉદ્યોગ અને કૃષિ-સિંચાઈ-ગ્રામિવકાસના ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર સંખ્યાબંધ વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, શિક્ષણવિદે, ઈતિહાસકારો અને બ્યુરાક્રેટ્સ પણ ગુજરાતી મૂળના છે. અમેરિકા, બ્રિટન, આફ્રિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં પણ રાજકીય વ્યાપાર ઉદ્યોગ અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મૂળ ગુજરાતીઓ ભારત માતાનું ગૌરવ પણ વધારી રહ્યા છે... જય, જય, ગરવી ગુજરાત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial