Advertisement
Author: નોબત સમાચાર

એનડીએ ગૂડ ગવર્નન્સ સાથે દસ વર્ષમાં વિકાસના નવા અધ્યાય લખશેઃ મોદી

અ૫ના-પરાયા કુછ નહીં હૈ... સબકો ગલે લગાના હૈ... દેશકો આગે બઢાના હૈ.. જ્હાં કમ વહાં હમઃ પી.એમ.

નવી દિલ્હી તા. ૭: આજે એનડીએ સંસદીયદળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપતો પ્રસ્તાવ પસાર કરાયો હતો અને એનડીએના સાથીદાર પક્ષોના વડાઓએ જુસ્સેદાર ભાષણો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દસ વર્ષમાં ગૂડ ગવર્નન્સ સાથે વિકાસના નવા અધ્યાય લખવાની મક્કમતા વ્યક્ત કરી હતી.

લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પરિણામ પછી સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. ભાજપને બહુમતી નથી મળી એટલા માટે એનડીએ ગઠબંધન હેઠળ ફરી એકવાર વડાપ્રધાન પદે મોદી બિરાજિત થવાની તૈયારી કરી રહ્યા છે. આ કડીમાં જ સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે. તેઓ આજે બેઠક પછી સરકાર રચવા માટે દાવો કરી શકે છે. તેમને એનડીએ દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવી શકે છે.

એનડીએની બેઠકમાં બિહારથી જેડયુ લીડર તરીકે નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશથી ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતાં. હાલમાં આ બન્ને કિંગમેકરની ભૂમિકીમાં છે. તેઓએ મજબૂત એનડીએની મક્કમતા વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મદીને સમર્થન સાથે તેઓની મૂકકંઠે પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએ-૩.૦નું શાસન ગરીબ, મધ્યમ વર્ગ, ઉચ્ચત્તર મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને થશે, તેવી ખાતરી સાથે સર્વમતથી કામ કરીને આગામી ૧૦ વર્ષમાં વિકાસના નવા અધ્યાય લખાશે. તેમ જણાવી સૌને સાથે રાખીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી હતી.

વડાપ્રધાને પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, આ એનડીએનો મહાવિજય છે. તેમણે કહ્યું કે તેઓ પારકા પોતાના ભેદભાવ કાઢ્યા વગર તમામ સાંસદો સાથે સમાન વ્યવહાર રાખીને બધાને ગળે લગાડીને આગળ વધીશું અને જ્યાં કમી હોય ત્યાં અમે વિશેષ ધ્યાન આપીશું.

મોદીએ કહ્યું કે અમે હાર્યા નથી કે હારવાના નથી. અમે વિજયને પચાવી જાણીએ છીએ અને પરાજીત લોકોની હાંસી ઊડાવવાના અમારા સંસ્કાર નથી. તેમણે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ૧૦ વર્ષ પછી પણ ૧૦૦ ના આંકને સ્પર્શી શકી નથી. નવાઈ એ છે કે અત્યારે તેઓ ઈવીએમનો વાંક કાઢી રહ્યા નથી.

એ પહેલા નરેન્દ્ર મોદીને એનડીએ ગઠબંધનના નેતા બનાવવા રાજનાથસિંહ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. રાજનાથસિંહે સંબોધન કરતા જણાવ્યું કે સતત ત્રીજીવાર એનડીએની સરકાર બની રહી છે. ૧૯૬ર પછી પહેલીવાર પીએમ ત્રીજીવાર રિપીટ થઈ રહ્યા છે. આ ગઠબંધન કમ્પલશન નથી. કમીટમેન્ટ નથી, તેમણે વધુમાં જણાવ્યું કે વિકાસના કામો માટે મોદીજીથી સારૃ કોઈ નામ ન હોઈ શકે. તો બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રીએ સાંસદોને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં. અમિત શાહે નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

સંવિધાન સદનમાં પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીએ સદનમાં આવીને સૌ પ્રથમ બંધારણને નમન કર્યા હતાં. હાજર સૌ કોઈએ પીએમ મોદીનું આગમન થતા મોદી મોદીના નારા સાથે વધાવી લીધા હતાં.

રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જે.પી. નડ્ડા, પછી ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ કુમારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત સમર્થન જાહેર કરીને તેઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તે પછી એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, અજિત પવાર, એસડી કુમાર સ્વામી, પવન કલ્યાણ, જીતનરામ માંઝી, અનુપ્રિયા પટેલ સહિતના એનડીએના વિવિધ પક્ષોના તમામ નેતાઓએ પણ જુસ્સેદાર ભાષણો કર્યા હતાં.

દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં કંગના રનૌત, શિવરાજસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજો પહોંચ્યા હતાં. આ બેઠકમાં જેડીયુ અને એલજેપી ઘટક દળના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ બન્ને ઘટક દળોએ એનડીએની બેઠક પહેલા મિટિંગ કરી હતી. જેમાં ચિરાગ પાસવાનને એલજેપી સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh