Advertisement
Author: નોબત સમાચાર

શિશાંગમાં ઉપસરપંચ સહિત બે પર ચારનો હુમલોઃ રિક્ષા ખસેડવા બાબતે દંપતી પર હલ્લો

સ્ટોરી બાબતે યુવકને પાંચે લમધાર્યાે: ધ્રોલમાં મહિલાએ નોંધાવી વળતી ફરિયાદઃ

જામનગર તા.૩૦ : જામનગરના ગુલાબનગર નજીક સગા સાળા પર ઘરેથી લાકડા લઈ જવાના પ્રશ્ને બનેવીએ હુમલો કરી માર માર્યાે હતો. કાલાવડના શિશાંગમાં રાત્રિના સમયે મોટરનું ટાયર કાઢતા ચાર શખ્સને ઉપસરપંચે પૂછતા તેમના પર હલ્લો થયો હતો. બર્થડેની સ્ટોરીની બાબતે યુવક પર પાંચ શખ્સ તૂટી પડ્યા હતા. ધ્રોલના મહિલાએ હુમલાની વળતી ફરિયાદ કરી છે અને ઘર પાસે પડેલી રિક્ષા હટાવવાના પ્રશ્ને દંપતીને ચાર શખ્સે માર માર્યાે છે.

જામનગરના ગુલાબનગર પાસે આવેલા સાંઢીયા પુલની નીચે પાણીના ટાંકા પાસે ઝુંપડું બાંધીને રહેતા હિતેશ ધીરૂભાઈ સોલંકી નામના દેવીપુજક યુવાન ત્યાં નજીકમાં ઝૂંપડામાં રહેતા પોતાના બહેન કાજલના ઘેરથી તાપણાં માટે લાકડા લાવ્યા હતા. તે પછી તેના બનેવી રાયધન બચુભાઈ વાઘેલાએ પોતાની પત્ની કાજલબેનને લાકડા ક્યાં ગયા તેમ પૂછ્યું હતું ત્યારે કાજલબેને લાકડા મારો ભાઈ લઈ ગયો છે તેમ કહેતા શનિવારે સવારે હિતેશ પર તેના સગા બનેવી રાયધને ધોકા વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી અને ગાળો ભાંડી અમારા ઘરે આવતો નહીં, નહિતર પતાવી દઈશ એવી ધમકી આપી હતી.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી શાળા વાળી ગલીમાં મયુર ધામ એપાર્ટમેન્ટમાં રહેતા સ્ટીફન ડેનિયલ આનંદ નામના યુવાને પોતાના મોબાઇલમાં બર્થ ડે અંગે એક સ્ટોરી બનાવીને મૂકી હતી. તે બાબતે થોડા દિવસ પહેલા કુલદીપસિંહ નટુભા પરમાર ઉર્ફે લાલા ઢીંગલી નામના શખ્સ સાથે ફોનમાં માથાકૂટ થતાં કુલદીપસિંહે ગાળો ભાંડી હતી.

તે પછી આ બાબતનો ખાર રાખી શનિવારે સાંજે કુલદીપ સિંહ તથા દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ, રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, જયદીપ અને વનરાજ નામના પાંચ શખ્સે પાઈપ વડે હુમલો કરી સ્ટીફનને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઇલ તોડી નાખ્યો હતો. ફ્રેકચર સહિતની ઈજા પામેલા સ્ટીફનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રહેતા અને ઉપસરપંચ તરીકે સેવા આપતા બળુભા ઉર્ફે બળભદ્રસિંહ રઘુભા જાડેજા  શનિવારે રાત્રે પોતાના ઘર પાસે હતા ત્યારે તેઓને મયુરસિંહનો ફોન આવ્યો હતો કે શીશાંગ ગ્રામ પંચાયત કચેરી પાસે ત્રણ ચાર વ્યક્તિ એકઠા થયા છે. આથી ત્યાં ગયેલા બળુભાએ જોતા શખ્સ જીજે-૩-ઈએલ ૧૫૨૬ નંબરની મોટરમાંથી ટાયર કાઢતા હતા.

આ શખ્સોને બળુભાએ પૂછતા ચિરાગ જયંતીભાઈ પરમાર, હિતેશ મનજીભાઈ, રોહિત દિનેશભાઈ નામના રાજકોટના ત્રણ વ્યક્તિ અને એક અજાણ્યા શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુથી હુમલો કર્યો હતો. આ વેળાએ સાથે રહેલા મયુરસિંહને પણ છરીથી સાથળમાં ઈજા પહોંચાડી હતી અને બળુભાને ગળાની નીચે છરીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. આ બાબતની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બળુભાએ ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલ શહેરમાં ખત્રીના ચોરા પાસે રહેતા ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આશા નામના મહિલાએ ગયા બુધવારે બપોરે ધ્રોલમાં શ્રીરામપાર્કમાં આવેલી કોલેજ પાસે રહેતા જાનવીબેન તથા હેમાંગભાઈ દવે નામના વ્યક્તિઓએ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપ્યાની અને  જાનવીબેને તેણીને દિવાલ સાથે અથડાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પ્રેમલગ્નના પ્રશ્ને જાનવીબેને ગાળો ભાંડી બારીનો કાચ ફોડી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે પછી શનિવારે સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરના જોડિયા ભુંગા વિસ્તારમાં દરગાહ સામે રહેતા હારૂન અલીભાઈ જામના ઘર પાસે શનિવારે બપોરે સિક્કાના ડાડા અયુબ ભગાડના જમાઈએ રિક્ષા રાખી દીધી હતી. તે રિક્ષા ત્યાંથી ખસેડાવતા તેનો ખાર રાખી ડાડા તેમજ અયુબ હાજી ભગાડ, કાસમ હાજી ભગાડ, આદમ હાજી ભગાડે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો અને હારૂનના પત્નીને પણ ઈજા પહોંચાડી હતી. બેડી મરીન પોલીસ સ્ટેશનમાં હારૂન જામે ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh