Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ર૪ કલાકમાં રપ તાલુકામાં વરસાદઃરાજ્યમાં ધીમા પગલે ચોમાસાનું આગમન

પડધરીમાં પુલ તૂટ્યોઃ અમદાવાદમાં અમીવર્ષાઃ મોટા ખીજડિયામાં પ્રૌઢ તણાયા

અમદાવાદ તા. ૧પઃ ગુજરાતના રપ તાલુકાઓમાં ર૪ કલાકમાં વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે. રાજ્યમાં ધીમા પગલે ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેમ જણાય છે. રાજ્યમાં અડધાથી સવા ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ચોમાસાની ધીમા પગલે એન્ટ્રી થઈ ગઈ છે. શુક્રવારે સાંજે અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું. છેલ્લા ર૪ કલાકની વાત કરવામાં આવે તો રપ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાલિતાણામાં નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ૩૦ મી.મી. વરસાદ નોંધાયો છે. પાલિતાણા પછી ડાંગના વધઈમાં ૧ર મી.મી., ભાવનગરના તળાજામાં ૧૧ મી.મી. જ્યારે ગાંધીનગરના માણસામાં ૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે, પરંતુ ૧૭ મીથી રર મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઊડી જવાની પણ શક્યતા છે.

બીજી તરફ આજે ડાંગના ગલકુંડ વિસ્તારમાં વાદળ ફાટ્યા જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટના પડધરી ગામમાં પણ ધોધમાર વરસાદ પડતા ઘૂંટણસમા પાણી ભરાયા હતાં. એટલું જ નહીં, આ વિસ્તારમાં પ૦ વર્ષ જુનો એક પુલ પણ તૂટી પડ્યો હતો. આ સિવાય કચ્છના રાપર શહેર અને તાલુકાના ગામોમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ રાત્રે ૯ વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો.

આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર, આવતીકાલે ગાંધીનગર, અરલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર અને બોટાદ, સોમવારે નવસારી, વલસાડ અને ભાવનગર, મંગળવારે નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલી, બુધવારે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, ગુરુવારે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ધીમા પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. ભૂજ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.

પવન સાથે વરસાદની અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી ૪૮ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે, સાથે સાથે ૧૭ થી રર જૂન દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થશે. કાચા મકાનોના છાપરા ઊડે તેવા પવનો ફૂંકાશે. વિવિધ જિલ્લાઓમાં ર થી ૪ ઈંચ વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઈ છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાના કારણે વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદનો સમાવેશ થાય છે.

સોમાલિયા તરફથી આવતા પવનની ગતિ દક્ષિણ ગોળાર્ધમાં થઈને પૂર્વ આફ્રિકામાંથી થઈને આવતા પવનની ગતિ ભારે રહેશે. ૧૭ થી ૧૯ જૂનમાં પવનની ગતિ ભારે રહેશે અને આ અરસામાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. રર થી રપ જૂનના ચોમાસું જામશે. રર જૂન સુધીમાં આંધી વંટોળ રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફૂંકાશે. પૂર્વ ભારત તરફ વરસાદની ગતિ ધીમી રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh