Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં અષાઢી બીજે જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએઃ ભવ્ય રથયાત્રા

વહેલી સવારે હર્ષ સંઘવીની હાજરીમાં અમિતભાઈ શાહે કરી મંગળા આરતીઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદવિધિઃ જય રણછોડ, માખણ ચોર નો નાદ ગુંજયો

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૬: જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯ની રથયાત્રાનો મંગલમય પ્રારંભ થયો છે. વહેલી સવારે અમિતભાઈ શાહે મંગળા આરતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ભકતોની મોટી ભીડ ભવ્ય રથયાત્રામાં ઉમટી પડી છે.

અમદાવાદમાં ભવ્ય રથયાત્રા નીકળી છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સપરિવાર જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી અને પૂજા અર્ચના કરીને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે આજે સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત પાંચમી વખત સોનાની સાવરણીથી રથની સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્ય રથને નગરયાત્રા માટે ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં આવ્યા હતા. સૌથી પહેલા ગજરાજ (હાથીઓ)નો કાફલો રવાના થયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને દેશવિદેશમાં વસતા સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધેલા વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લેશે. અમદાવાદની આ રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક છે અને તે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સેવારત તમામ વિભાગોનો તેમણે આભાર માન્યો હતો.

રથયાત્રા પૂર્વે આતંકીઓ ઝડપાવાના કારણે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશતા દરેક લોકોની મેટલ ડિટેક્ટરથી સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. રથોની સુરક્ષા માટે ૪૫૦૦ પોલીસ જવાનો અને ચેતક કમાન્ડો રથયાત્રાની મોખરે સાથે ચાલી રહૃાા છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર વડા નીરજ બડગુજ્જરના માર્ગદર્શન હેઠળ ડીસીપી રૂૂપલ સોલંકીની ટીમ દ્વારા વિવિધ સ્થળો પર પૂજન અને આરતીના દ્રશ્યો લાઈવ જોઈ શકાય તે માટે સ્ક્રીન મૂકવામાં આવી છે, જેનાથી ભક્તોમાં ભારે આનંદ જોવા મળી રહૃાો છે. સમગ્ર ટ્રાફિક મૂવમેન્ટની અદભુત વ્યવસ્થા એડી. સીપી અશ્વિન ચૌહાણની ટીમ સંભાળી રહી છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણ, ડીસીપી ભરત રાઠોડ અને ડીસીપી હર્ષદ પટેલની ટીમ પણ બંદોબસ્તમાં એક્ટિવ મોડમાં કાર્યરત છે.

આ પાવન અવસરે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યો અમિત શાહ, અમિત ઠાકર, દિનેશ કુશવાહ, કૌશિક જૈન, હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ, શ્રીમતી કંચનબેન રાદડિયા, રાજ્ય પોલીસવડા જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત અનેક મહાનુભાવો તથા સંતો-મહંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા છે.

અમદાવાદમાં જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, તેમ તેમ ભકતોનો પ્રવાહ વધી રહ્યો છે, અને લોકો દર્શન કરીને ધન્યતા વ્યકત કરી રહ્યા છે. રથયાત્રાનુ ઠેર-ઠેર સ્વાગત થઈ રહ્યુ છે, તથા અત્યંત ભકિતભર્યા માહોલમાં ઉલ્લાસપૂર્વક રથયાત્રા નિયત રૂટ પર આગળ વધી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh