Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ચાંદીપુરાના રોગચાળા સામે આરોગ્ય તંત્ર એલર્ટઃ માર્ગદર્શિકા જાહેર

બાળકોને તીવ્ર તાવ, ઝાડા-ઉલટી સાથે ખેંચ આવવા જેવા લક્ષણો

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: ચાંદીપુરા વાયરસ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતી માટેના પગલાં માટે ગાઈડલાઈન જાહેર થઈ છે.

પંદર વર્ષથી નાના બાળકોમાં ફેલાતો ચાંદીપુરા વાયરસના ચેપને અટકાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગંભીરપણે કામગીરી કરી રહૃાું છે. આ વાયરસના ચેપને અટકાવવા માટે વિશેષ ટીમો સક્રિય રીતે મોનિટરિંગ કરી રહી છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસની જાગૃતિ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

સૌપ્રથમ આ વાયરસ ૧૯૬૫માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો. ૧૫ વર્ષથી નાના બાળકોમાં આ ચેપ જોવા મળે છે, લક્ષણો દેખાતા તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી હોય છે. કાચા ઘરોની દીવાલોની તિરાડો અને છીદ્રમાં આ ચેપ ફેલાવતી ઘાતક સેન્ડફલાય માખીઓ વિકસે છે. ચાંદીપુરા વાયરસ સેન્ડફલાય નામની અત્યંત નાની માખી કરડવાથી ફેલાય છે. આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના કાચા ઘરોની દીવાલોની તિરાડો, છિદ્રો અને ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં જોવા મળે છે. આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવતી માખીઓ ફુલેફાલે છે.

આ રોગમાં બાળકને શરૂઆતમાં અચાનક તીવ્ર તાવ આવે છે. તાવ આવ્યા બાદ સતત ઝાડા ઉલ્ટી થવી, શરીરમાં ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે. પરિસ્થિતિ વધુ બગડતાં બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે. આ લક્ષણો એટલા ઝડપી અને ઘાતક હોય છે કે જો આવા લક્ષણો દેખાયાના ૨૪ થી ૪૮ કલાકની અંદર તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો બાળકનું મૃત્યુ થવાનું જોખમ પણ રહેલું છે.

આ વાયરસથી રક્ષણ માટે ઘરની અંદર અને બહારની દીવાલોની તિરાડો અને છિદ્રોને સિમેન્ટ કે માટીથી પૂરી દેવા. ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરો. ૧૫ વર્ષ સુધીના બાળકોને રાત્રે અને સૂતી વખતે જંતુનાશક મચ્છરદાનીમાં જ સુવડાવો. જો બાળકને તાવ, ઉલ્ટી, ખેંચ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના નજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલ/ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા. અસરગ્રસ્ત વિસ્તારોમાં જંતુનાશક પ્રક્રિયા હેઠળ ઘરોમાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરવું.

બાળકોને ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળ/માટીમાં રમવા દેવા નહીં. ચેપ ફેલાવતી માખીઓ આ જગ્યાઓએ વધુ સક્રિય હોય છે. ઘરની આસપાસ કચરો કે ભેજ થવા દેવો નહીં. લક્ષણો જણાય ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સમય બિલકુલ બગાડવો નહીં અને તબીબી સહાય મેળવવી જોઈએ, તેમ દેવભુમિ દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh