Advertisement
Author: નોબત સમાચાર

'નોબત'ના પ્રકાશને ઝળહળતો રાખનાર કિરણનો 'અસ્ત'

કિરણભાઈ રતિલાલ માધવાણીનું દુઃખદ નિધનઃ અખબારી આલમ, સહકારી ક્ષેત્ર તથા બેંકીંગ ક્ષેત્રના અગ્રણીની વિદાય

જામનગર તા. ૫: જામનગરના સૌપ્રથમ સાંધ્ય દૈનિક નોબત પરિવારના વડીલ કિરણભાઈ રતિલાલ માધવાણીનું ૭૩ વર્ષની વયે તા. ૧ નવેમ્બરે દુઃખદ નિધન થતાં અખબારી આલમ તેમજ સહકારી ક્ષેત્ર અને બેંકીંગ ક્ષેત્ર સહિત શહેરમાં શોકની લાગણી ફેલાઈ હતી.

છેલ્લા થોડા સમયથી કિરણભાઈની તબિયત અસ્વસ્થ રહેતી હતી અને તા. ૦૧-૧૧ના દિને તેઓ શ્રીજીચરણ પામ્યા હતાં. તેમના નિધનના સમાચારની જાણ થતાં જ જામનગર શહેર જિલ્લાના આગેવાનો, જ્ઞાતિજનો, પત્રકારીત્વ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ, મિત્રો, સ્ટાફ વિગેરે તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતાં.

સ્વ. કિરણભાઈ નોબતમાં ૫૦ વર્ષથી જીવનપર્યંત સતત કાર્યરત રહ્યા હતાં. આ ઉપરાંત શહેરની અગ્રણી સહકારી બેંક નવાનગર બેંકના ચેરમેન-મેનેજીંગ ડીરેક્ટર તરીકે પણ વરસો સુધી સેવારત રહ્યા હતાં. લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ હતાં.

સ્વ. કિરણભાઈને રાજકીય નેતાઓ, કોર્પોરેટ અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, સ્નેહી-સંબંધીઓએ સ્વ. કિરણભાઈના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ માધવાણી પરિવારને સાંત્વના પાઠવી હતી.

સદ્દગતની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં તેમજ સોમવારે પટેલ સમાજમાં પ્રાર્થના સભામાં પણ સૌએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.

જામનગરના સૌ પ્રથમ સાંધ્ય દૈનિક 'નોબત' પરિવારના વડીલ તેમજ જામનગરની અગ્રીમ સહકારી બેંક નવાનગર કો.ઓ. બેંકના પૂર્વ ચેરમેન અને જામનગર લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણીએ જીવપર્યત કાર્યરત રહી આ તમામ ક્ષેત્રોમાં સફળતાના સૂત્રધાર તરીકે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

'નોબત'ના પ્રારંભકાળથી અત્યાર સુધીના છેલ્લા પચ્ચાસ કરતાં વધુ વર્ષાેથી તેઓ અખબારી આલમમાં સતત પ્રવૃત્તિશીલ રહ્યા હતાં. તેમાંય શરૂઆતના વર્ષાેમાં ખુદે એલઆઈ સ્કૂટર ઉપર ૪૦૦ જેટલા 'નોબત' ગ્રાહકોને પહોંચાડવાની કામગીરી કરી હતી. જે તે સમયે સમાચાર લેવા કે ફોટોગ્રાફ માટેના બ્લોક બનાવવા સ્કૂટર ઉપર રાજકોટ સુધી જઈને પણ 'નોબત'ને અગ્રેસર રાખવામાં તનતોડ મહેનત કરી હતી. પિતાશ્રી રતિલાલભાઈના અનુશાસનમાં સતત કામ, સખત મહેનત અને ક્યાંય પાછીપાની નહી કરવી, સત્યની પડખે રહેવું, નિડર રહેવું જેવા સંસ્કારોને છેક સુધી અંગીકાર કરી જાળવ્યા હતા.

કિરણભાઈ માધવાણી એટલે સ્પષ્ટ વક્તા... સામેની વ્યક્તિ ગમે તે હોય, સામેવાળાને કડવું લાગે તો ભલે લાગે પણ મોઢામોઢ સાચી બાબત જણાવી દેવાની તાકાતથી તેઓ જીવ્યા હતાં. અને બોલ્યા પછી બીજી જ મિનિટે ભૂલી જઈને તેમના એક અલગ જ માયાળુ સ્વભાવનો પણ પરિચય સૌને કરાવતાં હતાં અને તેથી જ ઉચ્ચ પદાધિકારીઓ, રાજકીય નેતાઓ, મિત્રો અને સાવ નાનામાં નાની વ્યક્તિમાં તેઓ હંમેશાં આદરણીય અને પ્રિયપાત્ર બની રહ્યા હતાં. 'નોબત'ના સ્ટાફ તેમજ અખબાર વિતરક ભાઈઓ, બહારગામના પ્રેસ પ્રતિનિધિઓ સાથે આત્મીય સંબંધો કેળવ્યા હતાં. 'નોબત'માં ટ્રેડલ મશીન સમયે બીબાં ગોઠવવા, ત્યારપછી બટર પેપરના સમયગાળામાં પેઈજ પેસ્ટીંગ, અને ત્યાર પછીના સમયમાં તેઓ 'નોબત'નો અંક દરરોજ બપોરે પ્રસિદ્ધ થાય ત્યાં સુધી સતત જાગૃત રહી કામ કરતાં રહ્યા હતાં. છેલ્લે-છેલ્લે નાદુરસ્ત તબિયત હોવા છતાં દરરોજ સવારે અચૂક ૧૦ વાગ્યાથી સાંજે ૭:૩૦ વાગ્યા સુધી હાજર રહેવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. અને તેથી જ આજે તેમની ગેરહાજરીથી 'નોબત'માં જાણે એક પ્રકાશમય કિરણ ઉજાશ વગરનું થઈ ગયું હોય તેવી લાગણી ફેલાઈ છે.

'નોબત'ના માધ્યમથી જામનગર શહેર/ જિલ્લામાં તેમની નામના ફેલાયેલી હતી અને તે દરમ્યાન વર્ષ ૧૯૮૮માં નવાનગર કો.ઓ. બેંકમાં સામા પ્રવાહ જેવી બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણીમાં વટથી ચૂંટાયા હતાં. ત્યારથી સતત વર્ષ ર૦ર૩ સુધી ૩પ વર્ષ સુધી બેંકના ડાયકેટર પદે રહ્યા હતાં.

આ સમયગાળામાં સૌથી મોટું પરિવર્તન વર્ષ ૨૦૦૮માં આવ્યું અને વર્ષ ર૦૦૮ થી ર૦ર૩ સુધીના ૧પ વર્ષના સમય ગાળા સુધી સતત ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર પદે સેવારત રહ્યા. નવાનગર કો.ઓ. બેંકની પ્રગતિ અને સિદ્ધિઓમાં કિરણભાઈ માધવાણી અને રમણીકભાઈ શાહ (આર. કે. શાહ)ની જોડીનું સૌથી વિશેષ યોગદાન રહ્યું છે. તમામ ડાયરેક્ટરો સાથે સંકલન, સ્ટાફ સાથે પરિવાર જેવો વ્યવહાર અને દીર્ધદૃષ્ટિ સાથે નવાનગર બેંકને એક કરોડના નફાથી લઈને વર્ષ ૨૦૨૩ માં ૨૩ કરોડના નફા સુધીની અપ્રતિમ સફળતા મેળવવામાં કિરણભાઈ માધવાણીની જહેમત મહદ્દઅંશે કારણભૂત રહી હતી.

આજે બેંકના એક લાખ જેટલા ગ્રાહકો અને સાડા આઠ હજાર સભાસદો સાથે નવાનગર બેંકે વિશ્વસનિયતા મેળવી સમગ્ર જિલ્લામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બેંકના વહીવટમાં કિરણભાઈ માધવાણીએ ખાસ કરીને રિકવરી માટે જે સૂઝબૂઝ સાથે સતત પ્રક્રિયા કરતાં રહ્યા, તેના કારણે બેંકના નફામાં વૃદ્ધિ થઈ, બેંક નેટ એનપીએમાં હંમેશાં શૂન્ય રહ્યું એટલું જ નહીં સ્થાપના કાળથી જ મેળવેલી ઓડિટ 'અ' વર્ગ જાળવી રાખ્યો.

કિરણભાઈ માધવાણીના કાર્યકાળમાં શહેરના વિવિધ વિસ્તારોમાં બેંકની દસ બ્રાન્ચો કાર્યરત થઈ, છેલ્લા પાંચ વર્ષથી બેંક સમયની માંગ પ્રમાણે સંપૂર્ણપણે ડીજીટલાઈઝેશન થઈ છે. ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, યુપીઆઈ, એટીએમ જેવી તમામ આધુનિક સુવિધાઓથી બેંક સજ્જ થઈ ચૂકી છે. એટલું જ નહીં બેંકની મુખ્ય ઓફિસનું અતિ વિશાળ તમામ સુવિધાઓ સાથેના નવા ભવ્ય બિલ્ડીંગનું નિર્માણ પણ કિરણભાઈ માધવાણીના કાર્યકાળમાં થયું. આમ બેન્કિંગ ક્ષેત્રે અને સહકારી ક્ષેત્રે કિરણભાઈ માધવાણીની જહેમત સતત કાર્યરત રહેવાના કારણે નવાનગર બેંકે અનેક સિદ્ધિઓ સાથે વિવિધ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. નવાનગર બેંકના નાનામાં નાના કર્મચારી, અધિકારીઓ સાથે બેંકના ડાયરેક્ટરો અને પદાધિકારીઓ સહપરિવાર વર્ષમાં પિકનિકમાં જાય અને સમગ્ર બેંકમાં એક પરિવાર જેવા વાતાવરણનું સર્જન પણ કિરણભાઈ અને આર.કે. શાહની આગેવાનીમાં જ થયું છે. બેંકમાં બરાબર બપોરે સાડા ત્રણના ટકોરે કિરણભાઈની એન્ટ્રી થઈ જ ગઈ હોય, પગની તકલીફ હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી ટેકો લઈને પણ આ ક્રમ તેમણે જાળવી રાખ્યો હતો.

જામનગરમાં લોહાણા મહાજનમાં તા. ૦૧-૦૪-૨૦૦૨ થી ૨૦૨૪ સુધી (૨૨ વર્ષ) તેઓ ઉપપ્રમુખ પદે રહ્યા અને જામનગરમાં લોહાણા જ્ઞાતિના સંગઠનને વધુ સુદૃઢ કરવામાં તથા વર્ષ દરમ્યાન જલારામ જયંતી જેવા ઉત્સવો ખૂબ જ ધામધૂમથી ઉજવાતા રહ્યાં. પંચેશ્વર ટાવર પાસેની જ્ઞાતિની વાડીનું નવનિર્માણ થયું. આમ જ્ઞાતિના ઉત્કર્ષમાં પણ કિરણભાઈ હંમેશાં સેવારત રહ્યા હતાં.

તેઓ વ્યક્તિગત રીતે માનવ સેવામાં પણ ખડેપગે રહ્યા હતાં. તેમના યુવાનીકાળમાં જ તેમના અંગત મિત્રો અને પરિવારના જણાવ્યા પ્રમાણે કિરણભાઈએ ૧૦૦ થી વધુ વખત રક્તદાન કર્યું હતું. 'નોબત' પ્રેસમાં જ રક્તદાન માટેની વ્યવસ્થા હતી અને કોઈને પણ રક્તની જરૂર હોય તો 'નોબત'નો સંપર્ક લોકો કરતાં તેવી સુવિધા પણ ગોઠવી હતી.

જામનગરમાં જાદુગરના શોનું આયોજન હોય કે 'નોબત'ના 'મેઘધનુ' જેવા એક અલગ જ પ્રકારના ઉચ્ચકોટિના કાર્યક્રમનું આયોજન કરવામાં તેમનું માર્ગદર્શન અને સંલગ્નતા રહ્યા હતાં.

કિરણભાઈ માધવાણીની વિદાયથી અખબારી આલમે એક અતિજાગૃત વડીલ, માર્ગદર્શક ગુમાવ્યા છે. બૅન્કિંગ ક્ષેત્રે એક વિચક્ષણ કુશળ વહીવટકર્તા અને સફળયાત્રી ગુમાવ્યા છે તો રઘુવંશી સમાજે જ્ઞાતિના ઉત્કર્ષ માટે સહયોગી બનનારા એક આત્મીય વરિષ્ઠ જ્ઞાતિજન ગુમાવ્યા છે. તેમના કિરણનો પ્રકાશ સતત ઝળહળતો રહેશે અને સૌને પ્રેરણા આપતો રહેશે.

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh