Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેક્ટોરલ કોલેજની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

મતદારોની સંખ્યા, પસંદગી, સ્વિંગ સ્ટેટ્સ અને વિજય-પરાજયની પ્રક્રિયા અંગે રસપ્રદ માહિતી

વોશિંગ્ટન તા. પઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે ત્યાંની ચૂંટણી પદ્ધતિ તથા તેમાં ઈલેક્ટોરલ કોલેજની ભૂમિકા અંગે ચર્ચા થઈ રહી છે અને તેની રસપ્રદ માહિતી પણ અપાઈ રહી છે.

અમેરિકામાં આજે મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ અમેરિકાના બે સૌથી મોટા રાજકીય પક્ષો રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી મેદાનમાં છે. બન્ને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થશે. અમેરિકાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હોઈ શકે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન વિવિધ રાજ્યોના સ્થાનિક સમય મુજબ સવારે ૭ વાગ્યાથી સવારે ૯ વાગ્યાની વચ્ચે શરૂ થશે. આ સમય ભારતીય સમય અનુસાર સાંજે ૪-૩૦ થી ૯-૩૦ નો રહેશે. મતદાન માટેના છેલ્લા સમયની વાત કરીએ તો મોટાભાગના મતદાન કેન્દ્રો સાંજે ૬ વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ રહી શકે છે. એટલે કે અમેરિકામાં મતદાન પૂરૃં થાય ત્યાં સુધીમાં ભારતમાં બીજો દિવસ શરૂ થઈ જશે. એટલે કે અમેરિકામાં બુધવારે ભારતીય સમય અનુસાર સવારે ૪-૩૦ વાગ્યા સુધીમાં મતદાન સમાપ્ત થઈ શકે છે. ઘણાં રાજ્યોમાં આ સમય વધુ હોઈ શકે છે, કારણ કે અમેરિકાના રાજ્યો ઘણાં જુદા જુદા ટાઈમ ઝોનમાં વહેંચાયેલા છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ ગણતરી શરૂ થઈ જશે. મતગણતરી પૂરી થયા પછી લોકપ્રિય મતનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે જે ઉમેદવાર સૌથી વધુ લોકપ્રિય મત મેળવે તે વાસ્તવમાં રાષ્ટ્રપતિ પદનો વિજેતા હોય, કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ખરેખર લોકપ્રિય મતોથી નહીં, પરંતુ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા ચૂંટાય છે. આ સિવાય ક્યારેક એવું પણ બની શકે છે કે એક રાજ્યમાં અંદજિત વિજેતા જાહેર કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજા રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે.

કેટલીકવાર સચોટ પરિણામો મેળવવામાં એક કે બે દિવસ લાગે છે. ડિસેમ્બરમાં મતદારોના મતદાન પછી તમામ ચૂંટણી પ્રમાણપત્રો રપ મી ડિસેમ્બર સુધીમાં સેનેટના પ્રમુખને સોંપવામાં આવશે. આ પછી ૬ જાન્યુઆરી, ર૦રપ ના કોંગ્રેસના સંયુક્ત સત્રમાં મતદારોના મતોની ગણતરી કરવામાં આવશે. તે જ દિવસે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ગૃહમાં વિજેતાના નામની જાહેરાત કરશે.

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેક્ટોરલ કોલેજની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે. ઈલેક્ટોરલ કોલેજ એ અમેરિકાના દરેક રાજ્ય માટે નક્કી કરાયેલા મતદારોની સંખ્યા છે. ચૂંટણ જીતવા માટે કોઈપણ ઉમેદવારે પ૩૮ માંથી ર૭૦ ઈલેક્ટોરલ કોલેજ જીતવી પડશે. દરેક રાજ્યને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને યુએસ સેનેટમાં તેના પ્રતિનિધિઓની સંખ્યા અનુસાર મતદારો મળે છે. હાલમાં કેલિફોર્નિયા રાજ્યમાં મતદારોની મહત્તમ સંખ્યા પપ છે, જ્યારે સૌથી ઓછા મતદારોની સંખ્યા ૩ છે, જે વ્યોમિંગ સહિત અમેરિકાના ૬ રાજ્યોમાં છે, જો કે ૭ સ્વિંગ રાજ્યોનું સૌથી વધુ મહત્ત્વ છે, કારણ કે મોટાભાગના રાજ્યોથી વિપરીત તેમનું સ્ટેન્ડ અગાઉથી સ્પષ્ટ હોતું નથી અને આ જ કારણ છે કે આ સ્વિંગ રાજ્યોને મુખ્ય 'યુદ્ધ ક્ષેત્ર' તરીકે ગણવામાં આવે છે.

અમેરિકામાં મતદાન પહેલા પણ દરેક રાજ્યમાં રાજકીય પક્ષો મતદારોના જુથને પસંદ કરે છે. ઘણીવાર આ મતદારો પક્ષના અધિકારીઓ અથવા સમર્થકો હોય છે, જ્યારે અમેરિકન મતદારો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના મનપસંદ ઉમેદવારને મત આપી રહ્યા છે, ત્યારે તેઓ વાસ્તવમાં તેમના રાજ્યના મતદારોને પસંદ કરી રહ્યા છે. અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં રાષ્ટ્રપતિના ઉમેદવારના તમામ મતદારો જે વધુ મત મેળવે છે તે ચૂંટાય છે. ભલે ઉમેદવાર બહુ ઓછા માર્જિનથી જીતે માત્ર મેઈન અને નેબ્રાસ્કા રાજ્યોમાં જ મતદારોની સંખ્યા ઉમેદવારને મળેલા મતોની સંખ્યાના પ્રમાણમાં છે.

અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં મતદાનની પેટર્ન અનુમાનિત છે, એટલેકે મોટાભાગના રાજ્યોનો રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષો તરફનો ઝોક અગાઉથી જાણી શકાય છે. મતદાન પછી આ રાજ્યોના પરિણામો પહેલા જાહેર કરવામાં આવે છે, પરંતુ કેટલાક મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં સમય લાગી શકે છે. આ રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ અથવા પર્પલ સ્ટેટ્સ પણ કહેવામાં આવે છે.

ર૦ર૪ ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૭ મહત્ત્વપૂર્ણ રાજ્યો છે. પેન્સિલવેનિયા (૧૯  ઈલેક્ટોરલ કોલેજ), નોર્થ કેરોલિના (૧૬ ઈલેક્ટોરલ કોલેજ), જ્યોર્જિયા (૧૬ ઈલેક્ટોરલ કોલેજ), મિશિગન (૧પ ઈલેક્ટોરલ કોલેજ), એરિઝોના (૧૧ ઈલેક્ટોરલ કોલેજ), વિસ્કોન્સિન (૧૦), ઈલેક્ટોરલ કોલેજ), અને નેવાડા (૬ ઈલેક્ટોરલ કોલેજ).

માત્ર આ ૭ રાજ્યોમાં કુલ ૯૩ ઈલેક્ટોરલ કોલેજના મત છે. એવા સમયે જ્યારે ચૂંટણી ખૂબ જ મુશ્કેલ માનવાાં આવે છે, સ્વિંગ રાજ્યોના પરિણામો ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. આ જ કારણ છે કે ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં હેરિસ અને ટ્રમ્પે સ્વિંગ સ્ટેટ્સમાં પડાવ નાખ્યો હતો.

હાલમાં અમેરિકામાં રિપબ્લિકન કે ડેમોક્રેટ્સ સિવાયના કોઈપણ ત્રીજા પક્ષના ઉમેદવારને ટક્કર આપી શકે અને બન્ને ઉમેદવારો વચ્ચે ચૂંટણીની હરિફાઈ બરાબર થાય તે અત્યંત અશક્ય લાગે છે, પરંતુ આ વખતે ચૂંટણીનો મુકાબલો ખૂબ જ કપરો છે તેથી આ શક્યતા નકારી શકાય તેમ નથી.

જો એવું બને કે કોઈ ઉમેદવાર ર૭૦ ઈલેક્ટોરલ કોલેજ વોટ મેળવી શકતો નથી અને હરિફાઈ ટાઈ થઈ જાય છે, તો યુએસ સંસદનું નીચલું ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ રાષ્ટ્રપતિ નક્કી કરે છે. યુએસ બંધારણ મુજબ તેને આકસ્મિક ચૂંટણી કહેવામાં આવે છે. નીચલા ગૃહમાં કુલ ૪૩પ પ્રતિનિધિઓ છે, જેમણે રાષ્ટ્રપતિ પદ માટે ટોચના ત્રણ ઉમેદવારોમાંથી વિજેતાની પસંદગી કરવાની હોય છે, પરંતુ અહીં મતદાનની પદ્ધતિ થોડી અલગ છે. દરેક રાજ્યના પ્રતિનિધિ મંડળને એક મતનો અધિકાર છે. તેથી આવા પ્રસંગે, રાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે પ૦ રાજ્યોમાંથી અડધાથી વધુ એટલે કે ર૬ મતોની જરૂર પડશે. તે જ સમયે ઉપરાષ્ટ્રપતિની પસંદગીની જવાબદારી સંસદના ઉપલા ગૃહ એટલે કે સેનેટ પર રહે છે, જેમાં ૧૦૦ સેનેટર હોય છે.

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ રાષ્ટ્રપતિના ઉમેદવાર છે, જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય વિરોધ પક્ષ રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી મેદાનમાં છે. આ બે મુખ્ય હરિફ ઉપરાંત ત્રણ ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આમાં સૌથી મોટું નામ ગ્રીન પાર્ટીની ૭૪ વર્ષિય મહિલા ઉમેદવાર જીલ સ્ટેઈનનું છે જે અગાઉ બે વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ચૂકી છે. લિબરલ પાર્ટીએ સૌથી યુવા ઉમેદવાર ચેઝ ઓલિવરને મેદાનમાં ઉતાર્યા છે. ઓલિવર ઈરાક યુદ્ધનો વિરોધ કરનારા રાજકીય કાર્યકરોમાંનો એક છે.

આ સિવાય ૭૧ વર્ષના અપક્ષ ઉમેદવાર કર્નલ વેસ્ટ પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં છે. કર્નલ વેસ્ટએ વચન આપ્યું છે કે જો તે ચૂંટણી જીતશે, તો તે ગાઝામાં કાયમી યુદ્ધવિરામ અને પેલેસ્ટિનિયન પ્રદેશોમાંથી ઈઝરાયેલી દળોને સંપૂર્ણ પાછી ખેંચવા માટે ઈઝરાયેલ પર દબાણ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh