Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સપરમાં તહેવારોમાં જામનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુના નોંધાયા સાત બનાવઃ
જામનગર તા. ૫: લાલપુરના મેમાણા ગામમાં પાણી વાળતી વખતે પડી ગયેલા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. મોટી ખાવડીમાં ખાનગી કંપનીની ટાઉનશીપમાં રહેતા એક યુવાન હૃદયરોગના હુમલાથી મોતને શરણ થયા છે. એક યુવાન ટ્રેન હડફેટે ચઢી ગયા છે. જ્યારે દરિયામાં ઉથલી પડતા શ્રમિકનું મોત થયું છે. માતા-પિતાના ઘેર રોકાવવા આવેલા મહિલા પોલીસ કર્મચારીને બાથરૂમમાં હાર્ટ એટેક આવ્યો છે. ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે અને ધુનધોરાજી ગામમાં હોજની દીવાલ ધસી પડતા તેના કાટમાળમાં વૃદ્ધા ચગદાઈ ગયા છે.
લાલ૫ુર તાલુકાના મેમાણા ગામમાં વસવાટ કરતા દિલુભા બાલુભા જાડેજા નામના ૬૩ વર્ષના વૃદ્ધ રવિવારે બપોરે પોતાના ખેતરે પાણી વાળતા હતા ત્યારે કોઈ રીતે પડી જતાં તેઓને ઈજા થઈ હતી. સારવાર માટે દવાખાને લઈ જવાયેલા આ વૃદ્ધને ચકાસ્યા પછી તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર અને આર્મીમાં નોકરી કરતા શક્તિસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીક ગ્રીન ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ રાજકોટના ગુલાબવિહાર સોસાયટીવાળા રાજવીરસિંહ રૂપેશભાઈ ખાચર (ઉ.વ.ર૪) નામના યુવાન ગયા બુધવારે રાત્રે પોતાના કવાર્ટરમાં નિદ્રાધીન થયા પછી ગુરૂવારે બપોર સુધી નહી ઉઠતા બેભાન જેવી હાલતમાં રહેલા આ યુવાનને દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનનું મૃત્યુ હૃદયરોગના હુમલાના કારણે થયું હોવાનું જણાવ્યું હતું. પિતા રૂપેશભાઈ જગુભાઈ ખાચરે પોલીસને જાણ કરી છે. મૃતક મોટી ખાવડીમાં ખાનગી કંપનીની ટાઉનશીપમાં એકલા જ રહેતા હતા. મેઘપર પોલીસે તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં રહેતા અબ્બાસ હુસેન ભટ્ટી (ઉ.વ.ર૩) નામના શ્રમિક ગયા બુધવારે બેડી નજીકના રિલાયન્સ એસપીએમ સામે દરિયામાં બોટમાંથી પાટલાનો બોયો બદલતા હતા ત્યારે પગ લપસતા દરિયામાં પડી ગયા હતા. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. અકબર હુસેન ભટ્ટીએ બેડી મરીન પોલીસને જાણ કરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા રેલવેના પાટા પરથી ગયા શુક્રવારે સવારે નવેક વાગ્યે ધસમસતી જઈ રહેલી એક ટ્રેન હેઠળ મધુસુદન ગુરૂરાજ અદબદી નામના યુવાન ચઢી જતાં આ યુવાનનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. વિશ્વરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમારે પોલીસને જાણ કરી છે.
જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા સેજલબેન જોગેશભાઈ નકુમ (ઉ.વ.૩૩) નામના મહિલા દિવાળી નિમિત્તે ગોકુલનગર નજીક શ્યામનગરમાં શેરી નં.૬ માં રહેતા પોતાના માતા-પિતા ને ત્યાં રોકાવવા માટે આવ્યા હતા. આ મહિલા રવિવારે બપોરે અગિયારેક વાગ્યે બાથરૂમમાં હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવી જતાં ઢળી પડ્યા હતા. તેણીને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તેણીને બચાવી શકાયા નથી. માતા ભનીબેન નરશીભાઈ ધારવીયાએ પોલીસને જાણ કરી છે. આ મહિલાના અઢી વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા. આ પોલીસ કર્મચારી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં. તેઓએ બે મહિના પહેલાં જ સંતાનને જન્મ આપ્યો હતો અને તે પછી માતા-પિતા, ભાઈના ઘેર તેઓ રોકાવવા માટે આવ્યા હતાં. આ બનાવે અરેરાટી પ્રસરાવી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર વસવાટ કરતા મુસ્તકીમ મહંમદ ફૂલવાલા (ઉ.વ.૨૬) નામના મેમણ યુવાન રવિવારે સાંજે ચારેક વાગ્યે ધંંુવાવ નજીક આવેલા ડેમમાં ન્હાવા પડ્યા હતા. આ યુવાન ડૂબી જવાથી મોતને શરણ થયા છે. હુસેન રફીકભાઈ મલકાએ પોલીસને જાણ કરી છે.
કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં વસવાટ કરતા કાંતાબેન અરજણભાઈ ટીંબડીયા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધા રવિવારે બપોરે પોતાના ખેતરે હોજ નજીક દીવાલને ટેકો દઈને બેઠા હતા ત્યારે કોઈ રીતે હોજની પાકી દીવાલ તેણી પર ધસી પડી હતી. દીવાલ નીચે દટાઈ જતાં અને માથામાં ગંભીર ઈજા થતાં કાંતાબેનને કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સુરેશ ચનાભાઈ અકબરીએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial