Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નામુમકીન સા એક સફર આસાન રહા, હમ પર જૈસે શિવ કા વરદાન રહા
જામનગર તા. ૧૮: ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં અત્યાર સુધી ૫૪ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યુ છે ત્યારે નિયમિત થતી લાખોની આટલી ભીડ અને ટ્રાફિકની સમસ્યાઓ વચ્ચે તમે કોઈપણ અવરોધ વગર સરળતાથી મહાકુંભમાં શુભ મુહૂર્તમાં સ્નાન કરી સરળતાથી પરત તમારા વતન પહોંચી જાવ અને આ યાત્રા અચાનક જ અનાયાસે થઇ જાય તો એ ચમત્કાર અથવા ઇશ્વરે લખેલી સ્ક્રીપ્ટ મુજબ બનેલી ઘટના જ કહી શકાય. 'છોટાકાશી' કહેવાતા જામનગરનાં ૩ શિવ ભક્ત યુવાનોએ આ ચમત્કાર અનુભવ્યો છે.
જામનગરનાં દિપક જોશી, દિગંત પટેલ તથા સંદિપ આહિર નામનાં ૩ યુવાનોએ કારમાં જામનગરથી પ્રયાગરાજ પહોંચી મહાકુંભમાં સ્નાન કરી અને પ્રયાગરાજથી જામનગર પરત આવવાની કુલ ૩૨૦૦ કિ.મી. ની યાત્રા માત્ર ૬૮ કલાકમાં પૂર્ણ કરી એ એક વિક્રમી અથવા વિરલ ઘટના જ કહી શકાય.
ત્રણેય યુવાનો ૧૩ ફેબ્રુઆરીની મધરાત્રે એટલે કે રાત્રે ૧૨ પછી તરત અર્થાત ૧૪ ફેબ્રુઆરીની આરંભિક પહેલી કલાકમાં જામનગરથી પ્રયાગરાજ માટે રવાના થયા હતાં. તેઓ સામખિયાળી, રાધનપુર, પાલનપુર, આબુ રોડ, ઉદયપુર, કોટા, શિવપુરી, ઝાંસી અને ચિત્રકૂટ થઇ તા. ૧૪ ફેબ્રુઆરીની મધરાત્રે ૨:૩૦ કલાકે વહેલી સવાર પહેલા પ્રયાગરાજ પહોંચ્યા હતાં. કારમાં નોનસ્ટોપ પ્રવાસ કરી ૨૬ કલાકમાં તેઓ જામનગરથી પ્રયાગરાજ પહોંચ્યા હતાં.
પ્રયાગરાજમાં પાર્કીંગથી મહાકુંભનાં વિવિધ સેક્ટર ૧૭ કિ.મી. દૂર છે એટલેકે એટલી પદયાત્રા કરવી પડે પરંતુ આ ત્રણેય યુવાનો મોડીરાત્રે પહોંચ્યા હોય ભીડ ન હોવાથી ભાગ્યવશ કાર લઇ તેમની મંઝિલ સુધી પહોંચી જાય છે જેમાં અજાણ્યા લોકો પણ માર્ગદર્શક બની તેમને મદદરૂપ થાય છે. એ પછી ત્રણેય યુવાન કોઇપણ સ્થાનિક પરીચય કે ભલામણ વગર સંગમનાં એક વીઆઈપી ઘાટ એટલે કે મહાનુભાવોના સ્નાન માટે આરક્ષિત વિસ્તારમાં બ્રહ્મમુહુર્તમાં સવારે ૪:૩૦ કલાકે મહાકુંભમાં પવિત્ર સ્નાનનો પુણ્યલાભ મેળવે છે.
સ્નાન કર્યા પછી અડધી કલાકમાં તેઓ પરત જામનગર આવવા રવાના થાય છે. નીકળતી વખતે ચા-પાણીનો નાનકડો વિરામ લઇ તેઓ ૧૫ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે પ્રયાગરાજથી પ્રસ્થાન કરી દે છે.
પરત આવતા સમયે તેઓ રૂટ બદલે છે. પ્રયાગરાજથી કાનપુર પહોંચે છે. અહીં તેઓ એક હોટલમાં વિરામ લઈ ૫ કલાક ઊંઘ કરી લે છે. એ પછી તેઓ આગ્રા પહોંચે છે. રાત્રે આગ્રામાં ડિનર લીધા પછી તેઓ અજમેર થઇ પાલી પહોંચે છે. અહી કારમાં જ અડધો પોણો કલાક વિશ્રામ કરી ફરી જામનગર તરફ પ્રયાણ કરે છે. જે પછી આબુ રોડ, પાલનપુર, રાધનપુર અને સામખિયાળી થઇ ૧૬ ફેબ્રુઆરીનાં રાત્રે ૮:૩૦ કલાકે જામનગર પહોંચે છે.
સમગ્ર યાત્રા માત્ર ૬૮ કલાકમાં પૂર્ણ થાય છે. મહાકુંભમાં નાસભાગમાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તાજેતરમાં જ મહાકુંભનાં રૂટ પર ૩૦૦ કિ.મી. ટ્રાફિક જામનાં દૃશ્યો જોવા મળ્યા હતા તેની સાપેક્ષ આ રીતે કારમાં પ્રયાગરાજ પહોંચી અનાયાસે બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવુ અને કોઇપણ અવરોધ વગર રેકોર્ડબ્રેક કહી શકાય એટલા ઓછા સમયમાં યાત્રા પૂર્ણ કરી સહી સલામત ઘરે પરત આવી જવુ એ ઘટનાને ત્રણેય યાત્રાળુ યુવાન ચમત્કાર કે દેવાધિદેવ મહાદેવની કૃપા જ ગણાવે છે. સ્નેહીજનો આશ્ચર્ય સાથે ત્રણેય યુવાન પર અભિનંદન વર્ષા કરી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial