Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા ચૂંટણી-ર૦ર૪ માં જામનગર સંસદીય મત વિસ્તારમાં જળવાયો દબદબોઃ
જામનગર તા. પઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ૧ર-જામનગર લોકસભા બેઠકના પરિણામે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની આ લોકસભા બેઠક અંતર્ગત આવતા જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એમ બન્ને જિલ્લામાં પોતાની લોકપ્રિયતા અને સર્વોપરિતા પૂરવાર કરી દીધી છે.
સત્તાવાર રીતે જાહેર થયેલા મતગણતરીના આંકડા મુજબ ૧ર-જામનગર લોકસભા બેઠક માટે કુલ ૧૦,પ૧,૪૬પ નું મતદાન થયું હતું. જેમાંથી ર૩૦ મતો રદ થયા હતાં. ૧૦,પ૧,ર૩પ મતોની ગણતરી થઈ હતી. જેમાંથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને ૬,૧૮,૧ર૦ મતો મળ્યા હતાં, જ્યારે તેમના હરિફ કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાને ૩,૮૦,૯૪૯ મતો મળ્યા હતાં. આમ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો ર,૩૭,૧૭૧ ની જંગી સરસાઈથી વિજય થયો હતો.
આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત અન્ય ૧ર ઉમેદવારો પણ મેદાનમાં હતાં. આ તમામ અન્ય ઉમેદવારોને કુલ ૩૮,૦૬૧ મતો મળ્યા હતાં. અર્થાત્ હારજીતના મુદ્દે આ અન્ય ઉમેદવારોની કોઈ અસર પરિણામ પર થઈ નથી.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે ૧૧,૦૮૪ મતદારોએ નોટાને મત આપ્યા હતાં, જ્યારે અન્ય ઉમેદવારોમાં જયસૂર્યા પીંગળસુરે ૧૧,૪૬ર મતો મેળવ્યા હતાં. પોસ્ટલ બેલેટમાં પૂનમબેનને ૧૯ર૯ અને જે.પી. મારવિયાને ૧૦૯ર મતો મળ્યા હતાં.
૭૮ અને ૭૯ જામનગરમાંથી ૮પ,૦૩૧ ની જંગી લીડ
આ વખતની ચૂંટણીમાં જામનગર શહેર વિસ્તારમાં આવતા ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તાર અને ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારમાં પૂનમબેન માડમને મતદારોએ જંગી સરસાઈ આપી છે. ૭૮-જામનગરમાં પૂનમબેન માડમને ૪૦,૬૮૬ ની લીડ જ્યારે ૭૯-જામનગરમાં ૪૪,૩૪પ મતોની સરસાઈ મળી છે. જે ગત્ ચૂંટણીમાં ૬૭ હજાર જેવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતી બન્ને વિધાનસભા વિસ્તારમાંથી પૂનમબેન માડમને ૧,૦૩,૩૪૭ મતની ધીંગી સરસાઈ મળી છે.
વિધાનસભા વિસ્તાર વાઈસ જોઈએ તો જે.પી. મારવિયાને જ્યાંથી સરસાઈ મળવાની ગણતરી મૂકાતી હતી.
તેવા કાલાવડ વિધાનસભા વિસ્તારમાં પણ પૂનમબેનને ૧૦,ર૯ર ની સરસાઈ, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિસ્તારમાં પૂનમબેનને ૧ર,રપર ની સરસાઈ મળી હતી, જ્યારે જામજોધપુર વિસ્તારમાંથી પણ પૂનમબેનને ર૬,ર૪૯ મતોની સરસાઈ મળી હતી.
આર્થત્ પાટીદારનું જ્ઞાતિ ફેક્ટર કે ક્ષત્રિય સમાજના વિરોધનું ફેક્ટર જે.પી. મારવિયાને મદદરૂપ થયું નથી. અલબત્ત કોઈપણ જાતના નોંધપાત્ર પ્રચાર કે ખર્ચ નહીં કરવા છતાં જે.પી. મારવિયાને નોંધપાત્ર કહી શકાય તેટલા ૩,૮૦,૯૪૯ મતો મળ્યા છે.
સમગ્ર દૃષ્ટિએ જો મતગણતરીના આંકડાનું આકરણ કરવામાં આવે તો પૂનમબેન માડમે ગત્ ચૂંટણીની જેમ આ વખતે પણ સાતેય વિધાનસભા વિસ્તારમાં પોતાનું તથા ભાજપનું પ્રભૂત્વ પૂરવાર કર્યું છે.
ચૂંટણી જાહેર થઈ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા ન હતાં ત્યાં સુધી પૂનમબેન માડમ માટે એકતરફી વાતાવરણ જણાતું હતું, પણ કોંગ્રેસે લેઉવા પાટીદાર સમાજના જે.પી. મારવિયાને મેદાનમાં ઉતારતા અને બરાબર ચૂંટણી ટાણે જ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજનો વિરોધ તથા ભાજ વિરૂદ્ધ મતદાનની લડતના કારણે જામનગર બેઠક પણ સમગ્ર રાજ્યમાં 'હોટસીટ' ગણાતી હતી.
પણ... આ મુખ્ય બન્ને મુદ્દાઓને, ભાજપ વિરૂદ્ધના પ્રચારને મતદારોએ અવગણીને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને ખોબલે ખોબલે મતો આપ્યા છે તે હકીકત છે. મતદાનના દિવસે અનેક વિસ્તારોમાં મતદારો સ્વયંભૂ ભાજપને મત આપવા નીકળી પડ્યા હતાં.
જામનગર લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે વિજયની હેટ્રીક કરી અને સરસાઈની દૃષ્ટિએ રેકર્ડબ્રેક વિજય મેળવ્યો છે. સતત ત્રીજી વખત સંદસભ્ય તરીકે ચૂંટાઈને તેમની એક સિનિયર સાંસદ ગણના થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial