Advertisement
Author: નોબત સમાચાર

ભવ્ય પોથીયાત્રાનું રાજકોટવાસીઓ દ્વારા સ્વાગતઃ જયશ્રી રામના ગગનચુંબી નારાથી દિવ્ય ઉર્જાનો સાક્ષાત્કાર

વૈશ્વિક રામકથાનું પ્રથમ ચરણઃ પોથી પૂજન - પોથીયાત્રા રામકથાનો શુભારંભ

રાજકોટ :શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃઘ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં  વૃદ્ઘો અને વડીલોનાં શુભાર્થે પૂજય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે પોથીયાત્રા પૂર્વે મુંજકામાં પરમાત્માનંદ સરસ્વતીજીનો આશ્રમ આર્ષ વિદ્યામંદિર, સવારથી જ દિવ્ય માહોલ, પક્ષીઓના કલરવ, હરીયાળી વચ્ચે પોથી પુજન કાર્યક્રમનો સોમેશ્વર મહાદેવ મંદિરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં પૂ. ગુ્રરૂ શરણાનંદી (રમણ રેતી), પૂ. પરમાત્મા-નંદજી અને પૂ. મોરારિબાપુએ ઉપસ્થિત રહી શ્લોક ગાન સાથે અને વિ ન ભુદેવો ઘ્વારા શાસ્ત્રોકત-વૈદોકત મંત્રોચ્ચાર સાથે પોથીજીનું પૂજન કરાયું હતું. આ પોથીપૂજનમાં પ૦થી વધુ યજમાનોએ લહાવો લીધો હતો.

આર્ષ વિદ્યામંદિરમાં દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં પૂ.પરમાત્મા-નંદજીએ પોથી પૂજન પૂર્વે ઉપસ્થિત યજમાનોને સંબોધતા જણાવેલ કે ભગવાન રામનું આ રામાયણ વાંગમય રૂપ છે., ભગવાન જયારે અંતર ઘ્યાન થઈ જાય એ પછી પ્રગટ સ્વરૂપે એ ભાગવત અથવા રામાયણમાં સાક્ષાત વાનગી રૂપે પધારે છે. અહીં પણ રામાયણ પોથી પૂજન સાથે ભગવાન  શ્રીરામ વાંગમય સ્વરૂપે પધાર્યા છે. આપણે સૌ તેમનું પૂજન કરી અને કથાના નવે નવ દિવસ પૂજય રામ બિરાજમાન થાય એવી પ્રાર્થના કરીએ.

આ તકે યજમાન તરીકે ઉપસ્થિત બાલાજી વેફરવાળા ચંદુભાઈ વિરાણીએ જણાવેલ કે  માનસ રામકથા માત્ર એક વ્યકિતની નહી પરંતુ સમગ્ર સમાજની કથા છે, વૃક્ષો વાવે છે ઘણા પરંતુ ઉછેરી શકતા નથી ત્યારે સદભાવના વૃઘ્ધાશ્રમ એ એક એવી સંસ્થા છે જે વૃક્ષો વાવવાની સાથે ઉછેર, જતન પણ કરે છે, અત્યારે સદભાવના વૃઘ્ધાશ્રમના લાખો વૃક્ષો લહેરાઈ રહયા છે અને હજુ કરોડો વૃક્ષો વાવવાનો સંકલ્પ પૂર્ણ કરશે ત્યારે આ સત્કાર્યમાં જોડાવવાનો અવસર મળવા બદલ આનંદની લાગણી અનુભવું છું.

આ તકે અગ્રણી ઉદ્યોગપતિ નરોતમભાઈ પરસાણા અને તેમના ધર્મપત્ની અંજનાબેન પરસાણાએ જણાવેલ કે  અમે તો ઘણા વર્ષોથી સદભાવના સાથે જોડાયેલ છીએ. સદભાવના વૃઘ્ધાશ્રમ ટ્રસ્ટ ઘ્વારા વડિલોની સેવા, વૃક્ષોનું જતન, અબોલ પશુઓની સારસંભાળ જેવી સેવા પ્રવૃતિઓ ચાલી રહી છે ત્યારે આ સત્કાર્ય માત્ર સદભાવના જ કરે તેવુ નહી ,પરંતુ આ કામ જન–જનએ તેમા સહભાગી થઈને આ સેવાયજ્ઞમાં જોડાવું જોઈએ. ત્યારે વૈશ્વિક રામકથાના માઘ્યમથી સમગ્ર  સમાજ આ સત્કાર્યમાં જોડાઈ  પર્યાવરણના આ મહાયજ્ઞનો શુભારંભ કરશે.

આ વૈશ્વિક રામકથાની શરૂઆત પૂર્વે  પ્રથમ ચરણ એવુ પોથી પૂજન બાદ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રા વિરાણી હાઈસ્કુલ, ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પંહોચી હતી.  આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભકત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર બીરાજમાન કરી પોથીયાત્રામાં જોડાયેલ હતા.  સાથે ડીે.જે. બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગી ની જમાવટ, હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ વૈશ્વિક રામકથામાં પધારેલ સંતો-મહંતો આકાશમાં ચમકી રહેલા નક્ષત્રોની જેમ પોથીયાત્રામાં દ્રશ્યમાન થયા હતાં અને અલગ-અલગ આકર્ષક બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપ્યો હતો.

સાથે ખૂલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમજ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોથીયાત્રામાં પ્રદર્શન ફલોટસ, વાનર સ્વરૂપ, બાહુબલી હનુમાન સ્વરૂપ, રામ સ્વરૂપ, દેવી–દેવતાઓ સ્વરૂપ, મીકકી માઉસ કલોન સાથે વિશાળ ભકતવૃંદએ પોથીયાત્રાની શોભામાં અભિવૃઘ્ધિ કરી હતી, તો ધાર્મિક સંગીત, રંગોળીની સજાવટ, નયનરમ્ય ફુલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજૂઆત સાથે શ્રઘ્ધાળુઓએ રથ સાથે ભજન–કિર્તનની જમાવટ કરી હતી અને સર્વત્ર 'જય જય શ્રી રામ' નો નાદ સાથે ગગન ગુંજી ઉઠયું હતું, પોથીયાત્રામાં સ્કાઉટ ગાઈડ, એન.એસ.એસ., એન.સી. સી.ના બહેનોએ મશાલ અને ઘ્વજ સાથે પોથીયાત્રાની શરૂઆત કરી હતી. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કુલના બાળકોએ જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની થીમ રજુુ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.  

આ પોથીયાત્રા હિન્દુ પરંપરામાં ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો પ્રત્યે શ્રઘ્ધા અને આદર દર્શાવવાનો વિશિષ્ટ પ્રચાર છે. જયારે કોઈ કથા,યજ્ઞ કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે, ત્યારે પોથીયાત્રા ઘ્વારા શાસ્ત્રોને સન્માનપૂર્વક સભાન કરવામાં આવે છે. પોથીયાત્રા ધર્મ અને સમાજના સાંસ્કૃતિક એકતાનું પ્રતિક છે. યાત્રા થકી લોકોમાં આઘ્યાત્મિક જાગૃતિ ઉત્પન્ન થાય છે.આ યાત્રા થકી સમૂહ પ્રાર્થના, ભજન–કિર્તન અને સંસ્કૃતિના પ્રચાર માટે  પણ માર્ગદર્શન મળે છે અને સામુહિક રીતે એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે.

રાજકોટના આંગણે બાર વર્ષ પછી રામકથારૂપી રૂડો અવસર આવ્યો છે અને સમગ્ર સૌરાષ્ટ્રભરની જનતામાં આ ધાર્મિકોત્સવ થકી ભકિતરસ માણવા થનગનાટ છે ત્યારે સદભાવના વૃઘ્ધાશ્રમ પરિવાર દ્વારા નવનિર્મિત ભવનના લાભાર્થે પૂ. મોરારિબાપુના શ્રીમુખે રામકથાના પ્રારંભે ભવ્યાતિભવ્ય પોથીયાત્રાનો લ્હાવો લઈ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભકતવૃંદે હર્ષો-લ્લાસથી આ ધર્મોત્સવને માણ્યો હતો.આ પોથીયાત્રામાં શહેરના રાજકીય અગ્રણીઓ, સામાજિક, સેવાકીય, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, પોલીસ કમિશનર, વિવિધ અધિકારીગણ તથા ધર્મપ્રેમી શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh