Advertisement
Author: નોબત સમાચાર

ઝારખંડમાં 'ઈન્ડિયા', મહારાષ્ટ્રમાં 'એનડીએ'નો પ્રચંડ વિજય

મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના સુપડા સાફઃ મહાયુતિની બમ્પર જીતઃ ભાજપની બલ્લે બલ્લેઃ હેમત સોરેનનો જાદુ યથાવત્: બન્ને રાજ્યોમાં પુનરાવર્તન

નવી દિલ્હી તા. ર૩: મહારાષ્ટ્રમાં એનડીએના પ્રાદેશિક ગઠબંધન મહાયુતિની પ્રચંડ જીત થવા જઈ રહી છે, જ્યારે ઝારખંડમાં એનડીએ ફાવ્યું નથી અને 'ઈન્ડિયા' ગઠબંધનનો વિજય થવા જઈ રહ્યો છે. અત્યાર સુધીની લીડ તથા પરિણામો જોતા બન્ને રાજ્યો ઉપરાંત અન્ય રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીઓમાં મતદારોએ સમતોલ જનાદેશ આપ્યો હોય તેમ જણાય છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના પ્રાદેશિક ગઠબંધન મહાયુતિને બમ્પર જીત મળી ગઈ છે. આ લખાય છે ત્યારે એનડીએ રરર સીટો પર આગળ છે, જેમાં એક્લું ભાજપ ૧૩૭ સીટો પર આગળ છે. શિવસેના પ૬ બેઠકો પર અને અજિત પવારની એનસીપી ૩૯ બેઠકો પર આગળ છે. મહાવિકાસ અઘાડી પ૪ બેઠકો પર બહુમત ધરાવી રહ્યું છે.

અત્યારે જે વલણ ચાલુ છે તે જોતા ભાજપ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળશે અને એ પોતાના દમ પર સરકાર બનાવી શકશે,એની સીધી અસર એનડીએ ગઠબંધનના ઘટક પક્ષો એટલે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી પર પડશે.

સરકાર બનાવવા માટે ભાજપને સાથી પક્ષોના ઓશિયાળા નહીં રહેવું પડે તો શિવસેના અને એનસીપીના હાથમાં મોટા મંત્રી પદો નહીં આવે. રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવતા ભાજપ પોતાના પક્ષની વ્યક્તિને જ મુખ્યમંત્રી બનાવશે અને અન્ય મહત્ત્વના ખાતા પણ પોતાની પાસે જ રાખશે. ભાજપનું નાક દબાવીને મનગમતા પદ મેળવી લેવાની સોદાબાજી કરવાની તક આ વખતે શિવસેના અને એનસીપી પાસે નહીં રહે.

ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ લીડ મળતા સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઊઠી છે. નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર દેવેન્દ્ર ફડણવીસ ૧ર,૪૦ર મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી બનશે તો વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેનું શું થશે? તેમને કદાચ દિલ્હી મોકલી દેવાશે અથવા તો ઉપમુખ્યમંત્રી પદ અપાશે. પણ શું શિંદે એનો સ્વીકાર કરશે? એનસીપીના અજિત પવારે પણ ભાજપની મહેરબાનીથી જે કંઈ મળે એનાથી ચલાવી લેવાનો વારો આવશે. ટૂંકમાં રાજ્યમાં એકલે હાથે સત્તા હાસીલ કરવાની તક મળશે તો એનડીએમાં ભાજપ પહેલા કરતા વધુ મજબૂત બની જશે, તે પ્રકારની અટકો અત્યારથી શરૂ થઈ ગઈ છે.

શરદ પવારનો નિરાશાજનક દેખાવ

જેમાં હાલ અજીત પવારની એનસીપી ૩૮ બેઠકો પર આગળ ચાલી રહી છે. વળી શરદ પવારની એનસીપીને ફક્ત ૧૪ બેઠકો પર લીડ જોવા મળી રહી છે. અજીત પવાર ખુદ પોતાની બારામતી બેઠકથી ૧૧ હજાર વોટની લીડથી આગળ છે.

બીજી તરફ ઝારખંડમાં જેએનએમ અને હમંત સોરેનનો દબદબો કાયમ રહેલો જણાય છે. ઝારખંડ વિધાનસભાની કુલ ૮૧ બેઠકોમાંથી ઈન્ડિયા ગઠબંધનને પ૧ અને એનડીએને ૩૦ બેઠક મળી રહેતી જણાય છે. ઈન્ડિયા ગઠબંધનમાં જેએમએમને સૌથી વધુ બેઠકો મળી છે.

વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી જંગી બહુમતીથી ચૂંટણી જીતવા જઈ રહ્યા છે. ઉત્તરપ્રેશમાં નવ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં અખિલેશ યાદવને ફટકો પડી રહેલો જણાય છે. ત્યાં એનડીએને સાત અને ઈન્ડિયા ગઠબંધનને માત્ર બે બેઠકો જ મળે, તેમ જણાય છે.

એકંદરે મતદારોએ બે રાજ્યોની વિધાનસભા તથા દેશના વિવિધ રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં સમતોલ જનાદેશ આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh