Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-રાજકોટના આરોપીઓ સામે ચાર્જશીટ પછી બાવીસ વર્ષે થયો ચાર્જ ફ્રેમઃ
જામનગર તા. ૨: રાજકોટના બે વેપારીના ૨૪ વર્ષ પહેલાં રૂ.૩ કરોડની ખંડણીની માગણી સાથે અપહરણ કરાયા હતા. સમગ્ર રાજ્યમાં આ કિસ્સો ભાસ્કર-પરેશ અપહરણ કેસથી બહુચર્ચિત બન્યો હતો. આ ગુન્હામાં બાવીસ વર્ષ પહેલાં ચાર્જશીટ થયા પછી છેલ્લા દોઢ મહિનામાં ચાર્જફ્રેમ થયો છે અને આજથી આ કેસ રાજકોટની એડીશનલ સેશન્સ કોર્ટમાં શરૃ થઈ રહ્યો છે.
રાજકોટમાં વસવાટ કરતા ભાસ્કર પ્રભુદાસભાઈ પારેખ તથા પરેશ લીલાધરભાઈ શાહ નામના બે વેપારીના ગઈ તા.૧૨-૧૧-૨૦૦૦ના દિને અપહરણ કરી લેવાયા હતા. આ વેપારીઓના પરિવારને રૂ.૩ કરોડ ખંડણી પેટે ચૂકવી બંનેને છોડાવી લેવા અપહરણ કરનાર શખ્સોએ તાકીદ કરી હતી અને તેના પગલે જે તે સમયે પોલીસને જાણ કરાઈ હતી. તેથી રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર સુધીર સિન્હા અને ડીસીપી અરૃણકુમાર શર્માએ તપાસ શરૃ કરી હતી.
અપહરણના આ બનાવે જે તે વખતે ભારે ચકચાર જગાવી હતી. પોલીસની તે વખતની વિનંતીના પગલે કોઈપણ અખબારે બંને વેપારીઓના અપહરણના અહેવાલ પ્રસિદ્ધ કર્યા ન હતા તે પછી તા.૨૬-૧૧-૨૦૦૦ના દિને વિધિવત ગુન્હો નોંધાતા તેના અહેવાલ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
બંને વેપારીના અપહરણ પછી પોલીસની શરૃ થયેલી તપાસમાં ખંડણી વસૂલવા માટે બંને વેપારીને દુબઈની ફઝલ-ઉલ-રહેમાનની ગેંગે ઉપાડી લીધા હોવાનું જે તે વખતે ખૂલ્યું હતું. તેથી અપહરણમાં ક્યા સ્થાનિક લોકોની સંડોવણી છે તેની ઘનિષ્ઠ તપાસ કરાતા ક્રમશઃ ૫૦ શખ્સોના નામ ઉપસી આવ્યા હતા. આ આરોપીઓને પોલીસે પકડવાનું શરૃ કર્યું હતું. જેમાં પરેશ શાહને ભરૃચ નજીકના થવા ગામ પાસે એક ઓરડીમાં બંધક બનાવીને રાખવામાં આવ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી અને તેના પગલે તપાસનીશ પોલીસ ટૂકડી ૧૦૦ જેટલા કમાન્ડો સાથે થવા ગામ દોડી ગઈ હતી. ત્યાં પોલીસે ઘેરો ઘાલ્યા પછી પરેશને છોડાવી લેવામાં સફળતા મળી હતી અને તે વેળાએ થયેલા સામસામા ફાયરીંગમાં રાજશી હાથીયા મેર નામનો શખ્સ ઠાર મરાયો હતો.
થવા ગામ જ્યારે પોલીસ ટીમ પહોંચી તે પહેલાં કેટલાક અપહરણકારો ભાસ્કર પારેખને સાથે રાખી અન્યત્ર ચાલ્યા ગયા હતા. તે પછી પોલીસે બાકીના આરોપી અને ભાસ્કરના સગડ મેળવવા સકંજો કસીયો હતો. તે દરમિયાન ભાસ્કરને મુક્ત કરાયો હતો.
ઉપરોક્ત કેસનું પ્રથમ ચાર્જશીટ રાજકોટ પોલીસે ગઈ તા.૭-૧-૨૦૦૨ના દિવસે કોર્ટમાં રજૂ કર્યા પછી વર્ષ ૨૦૦૩થી ૨૦૧૭ સુધીમાં આઠ પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ૫૦ આરોપીની પોલીસે વારાફરતી ધરપકડ કરી હતી અને બે આરોપી એન્કાઉન્ટમાં માર્યા ગયા હતા. થવા ગામમાં રાજશી મેરના એકાન્ટર પછી આ કેસના મુખ્ય સૂત્રધાર આફતાબ અંસારીના ભાઈ અને આ ગુન્હામાં અરોપી એવા આસીફ રઝાખાનનું રાજકોટ પાસે એન્કાઉન્ટર થયું હતુું. તે દરમિયાન દુબઈથી આફતાબ અંસારીને ડીપોર્ટ કરાતા તેનો કબજો રાજકોટ પોલીસે સંભાળ્યો હતો. આફતાબ સામે કોલકાત્તામાં આવેલા અમેરિકન દુતાવાસમાં થયેલા બોમ્બ ધડાકામાં આરોપી તરીકે નામ જે તે વખતે ખૂલ્યું હતું.
પોલીસના ચાર્જશીટને બાવીસ વર્ષ વિત્યા પછી પણ આ કેસ અંગે કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ શક્યો ન હતો. તે પછી છેલ્લા દોઢ મહિનામાં ચાર્જ ફ્રેમ થયો છે અને આજથી આ કેસ રાજકોટની અદાલતમાં શરૃ થઈ રહ્યો છે.
રાજકોટથી માંડી સમગ્ર રાજ્યમાં ભાસ્કર-પરેશ અપહરણ કેસ બહુચર્ચિત બન્યો હતો. તેમાં પહેલાં ૩૨ આરોપીનો ઉલ્લેખ હતો તેમાંથી હાલમાં આઠ આરોપીના અવસાન થયા છે. આરોપી તરીકે જામનગરના અમિશ ચંદ્રકાંત બુદ્ધદેવ, આફતાબ અહેમદ અંસારી, રાજેન્દ્ર વ્રજલાલ ઉનડકટ, જલાલુદ્દીન ઉર્ફે રાણા ઉર્ફે રફીકમહંમદ સુલ્તાન, મહેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ, શૈલેષ મહેન્દ્રભાઈ પાબારી, અજય ગુણુભાઈ મારૃ, બ્રિજમોહન શર્મા, વિશાલ માડમ, કિશોર વેગડા, ફઝલ રહેમાન અબ્દુલ બાશીત શેખ ઉર્ફે ફઝલુ, નીતિનકુમાર ઉર્ફે મહંમદ નદીમ, ભોગીલાલ ઉર્ફે સલીમ દરજી, ભોગીલાલ ઉર્ફે મામા મોહનલાલ દરજી, શૈલેન્દ્ર જાટ, મહંમદસીદીક સમેજા, શાંતિલાલ ડાયાલાલ વસાવા, રાજેશ વ્રજલાલ ભીમજીયાણી, ઈમ્તિયાઝ નુરમામદ કારાણી, ભલાભાઈ કચરાભાઈ નારીયા, દિલીપ અમૃતભાઈ પટેલ, ક્રિનવ ચૌધરી, રાજુ કાંતિભાઈ પોપટ, ભાવિન કિરીટ વ્યાસ, મહંમદહુસેન હાલા ઉર્ફે ડેની, આનંદ માડમ, ઈરફાન અકીલ શેખ, મનોજ હરભમ સીસોદીયા, ઉસ્માનખાન ઈસ્માઈલખાન, દીપક નાગેશ્વર મંડલ, સચિન માડમ, તેજસ ડેર, દિગ્વિજયસિંહ પી. રાણા, મનોજ સંખરાવડા, સંજય ઉર્ફે રાજેશ રામચંદ્ર, પ્રદીપ ઉર્ફે ડોક્ટર અનરસિંગ ડાંગર, સુરજ પ્રકાશ ઉર્ફે રાજેશ સાહેબસિંહ, જીજ્ઞેશ પાઉં, મેહુલ પાંઉં સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial