Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદઃ ખેતરો જળમગ્નઃ છોટીકાશીમાં દોઢ ઈંચ વરસાદ થતા નગરજનો ખુશઃ ખંભાળિયા પર મેઘો મહેરબાનઃ
જામનગર તા. રઃ હાલારમાં ગકાલે સાર્વત્રિક શ્રીકાર વર્ષા થતાં હાલારીઓ ખુશખુશાલ થઈ ગયા હતાં. સમગ્ર હાલાર પંથકમાં એકથી નવ ઈંચ જેટલો વરસાદ થયો હતો. પરિણામે નદી-નાળા છલકાયા હતાં. ડેમોમાં અને તળાવમાં નવા નીરની આવક થવા પામી હતી. ઉમિયાસાગર ડેમનો એક દરવાજો એક ફૂટ પોલવામાં આવ્યો હતો. વાગડિયા ડેમ છલકાયા છે, તો સસોઈ, ઊંડ અને રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે, જો કે ગત્ રાત્રિ પછી મેઘરાજાએ પોરો ખાધો છે.
ગઈકાલે દિવસ આખો સમગ્ર હાલાર પંથકમાં ધોધમાર વરસાદ થતા ચોતરફ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. જામનગર જિલ્લામાં ગઈકાલે બપોરે ૧ર વાગ્યાથી આજે બપોરે ૧ર વાગ્યા સુધીમાં જામનગરમાં ૩૯ મી.મી., જોડિયામાં ૬ર મી.મી., કાલાવડમાં ૯ મી.મી., લાલપુરમાં ર૬ મી.મી. અને જામજોધપુરમાં ૬૮ મી.મી. વરસાદ થયો છે. આમ છમાંથી પાંચ તાલુકામાં ગઈકાલે વરસાદ થયો છે. માત્ર ધ્રોળ તાલુકો કોરો રહ્યો હતો.
જ્યારે જામનગર જિલ્લાના અમુક ગામડાઓમાં પણ ગઈકાલે ધોધમાર સારો વરસાદ થયો હતો જેમાં વસઈમાં ૧૯ મી.મી., લાખાબાવળમાં ૧પ મી.મી., મોટી બાણુંગારમાં ૬૩ મી.મી., ફલ્લામાં ૩પ મી.મી., જામવણંથલીમાં રપ મી.મી., મોટી ભલસાણમાં ૯૦ મી.મી., અલિયાબાડામાં ૩૦ મી.મી., દરેડમાં ૪૦ મી.મી., હડિયાણામાં ૬પ મી.મી., બાલંભામાં ૭ર મી.મી., પીઠડમાં ૧૭ મી.મી., ખરેડીમાં ૧૮ મી.મી., ભણસાણ બેરાજામાં ૧પ મી.મી., નવાગામમાં ૩૦ મી.મી., મોટા પાંચદેવડામાં ૪૮ મી.મી., સમાણામાં ૯૦ મી.મી., શેઠવડાળામાં પપ મી.મી., જામવાડીમાં ૪૪ મી.મી., વાંસજાળિયામાં ૯૦ મી.મી., ધુનડામાં ૪૭ મી.મી., ધ્રાફામાં ૭૦ મી.મી., પરડવામાં ૩પ મી.મી., પીપરટોડામાં ર૮ મી.મી., પડાણામાં ૬૦ મી.મી., ભણગોરમાં પર મી.મી., મોટા ખડબામાં રપ મી.મી., મોડપરમાં ૬ર મી.મી. અને હરિપરમાં ૩પ મી.મી. વરસાદ નોંધાયો હતો.
તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ર૪ કલાકમાં ચારથી નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. શ્રીકાર વરસાદથી ઢગલાબંધ તળાવ, ચેકડેમોમાં નવા નીરની આવક થવા પામી છે, તો તમામ ડેમોમાં પણ નવા નીરની આવક થવા પામી છે.
છેલ્લા ર૪ કલાકમાં ભાણવડમાં ૪ ઈંચ (કુલ ૯ ઈંચ), દ્વારકામાં પાંચ ઈંચ (કુલ ૧૩ ઈંચ), કલ્યાણપુરમાં ૮ ઈંચ (કુલ ૧૩ ઈંચ) વરસાદ થયો છે, તો ખંભાળિયામાં મોસમનો કુલ ર૭ ઈંચ વરસાદ થયો છે. છેલ્લા ર૪ કલાકમાં ખંભાળિયામાં ૯ ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ વિસ્તારના ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. સિંહણ ડેમ, સેઢા ભાડથરી, ગઢકી, વર્તુ સહિતના ડેમમાં નવા પાણી આવ્યા છે.
ખંભાળિયાથી પોરબંદર, ભાણવડ માર્ગપરના તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. ખંભાળિયાના સલાયા નજીકના ગોઈંજના બારા તરફનો માર્ગના કોઝ-વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો, તો તેલી નદી ઉપરના કો-ઝવે ઉપર પાણી ફરી વળતા પોલીસે આ માર્ગ બંધ કર્યો હતો. કલ્યાણપુરના રાવલ વિસ્તારમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ થતા રાવલ, સૂર્યાવદરનો રોડ બંધ થઈ જવા પામ્યો હતો, તો સાની ડેમનું કામ ચાલુ હોવાથી પાણીનો સંગ્રહ થતાં નહીં આથી ખેડૂતો નિરાશ જોવા મળ્યા હતાં.
કલ્યાણપુરના જામદેવળિયામાં પૂર આવતા હર્ષદ તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો. આથી કલ્યાણપુરથી ચાચલાણા, ગાંગડી, હર્ષદ તરફ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતાં, તો ભાટિયા, ભોગાતનો માર્ગ પણ બંધ થયો હતો.
જામરાવલ, લાંબા વિસ્તારમાં અનેક સ્થળો ઉપર પાણી ભરાયા હતાં, જેની ટીડીઓ મામલતદારે જાત મુલાકાત કરી હતી અને નડતર રૃપ દીવાલોનું બાંધકામ દુર કર્યું હતું, તો ખંભાળિયાના ગોવિંદપરા તળાવ વિસ્તારમાં પાણી ભરાતા ફાયર વિભાગે પાણી નિકાસની જરૃરી વ્યવસ્થા કરી હતી.
લાંબા ગામમાં સાતેક ઈંચ વરસાદથી એક પરિવારના ઘરમાં પાણી ઘૂસ્યા હતાં અને ઘરવખરી તણાઈ ગઈ હતી. ગ્રામજનોએ અહિંથી પિતા-પુત્રીને સલામત રીતે બહાર કાઢ્યા હતાં.
ખંભાળિયામાં ભારે વરસાદ સાથે વીજળી પણ પડી હતી જે ટ્રાન્સફોર્મ ઉપર પડી હતી. આથી વીજ ટ્રાન્સફોર્મ બળી જતાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જ્યારે માંડવી ટીંબા પાસે એક તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું ત્યાં વીજ વાયરો પણ તૂટ્યા હતાં.
જ્યારે ચાલુ વરસાદે પીજીવીસીએલ સ્ટાફે ટ્રાન્સફોર્મ ફેલ સિવાયના વિસ્તારમાં જરૃરી મરામત કરાવી વીજ પુરવઠો ચાલુ કરાયો હતો. ખંભાળિયામાં ગઈકાલે વીજ પુરવઠો ખોરવાતા પાણી વિતરણ પણ થઈ શક્યું ન હતું.
દ્વારકાના અમારા પ્રતિનિધિનો સંદેશ જણાવે છે કે, દ્વારકામાં ર૪ કલાકમાં ૧૦ ઈંચ વરસાદ થતા ધરતીપુત્રો વાવણી કાર્યમાં જોડાયા છ, તો વીજ પુરવઠો ખોરવાતા દ્વારકાવાસીઓ મુસિબતમાં મૂકાયા હતાં, પરંતુ તંત્રએ પણ ચાલુ વરસાદે કામગીરી કરી હતી. અનેક માર્ગો ઉપર પાણી ભરાતા તેના નિકાલની કામગીરી કરવામાં આવી હતી.
ભાટિયાનો અહેવાલ જણાવે છે કે, કલ્યાણપુર તાલુકામાં સારા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં, પરંતુ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.
કલ્યાણપુરના લાંબા, સતાપર, કલ્યાણપુર સૂર્યાવદર, ટંકારિયા, હર્ષદ, ગાંધવી, નાવદ્રા સહિતના ગામોમાં પાંચથી સાત ઈંચ વરસાદ થયો હતો, જ્યારે ભાટિયા, કેનેડી, નંદાણા, વામણાસા, ગુરગઢ, રણજીતપરમાં પણ ૩ થી ૪ ઈંચ વરસાદ થયો છે.
ઉપરાંત બોક્સાઈટ, માઈન્સવાળા વિસ્તારો વિરપર, મેવાસા, આસોટા, રાણ, મહાદેવિયા, સહિતના ગામોમાં પણ સારા વરસાદથી પાણી ભરાતા વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. ભારે વરસાદથી કલ્યાણપુર પંથકમાં નદી, નાળા, ચેકડેમ, તળાવમાં પુષ્કળ પાણીની આવક થવા પામી છે.
રાવલમાં સારા વરસાદથી એસજીએલ હાઈસ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી, તો લાંબામાં ભારે વરસાદથી રસ્તાઓ બંધ થયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial