Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપીને ત્યાંથી જાણે મળ્યો કુબેરનો ખજાનોઃ રાતભર ચાલી તપાસઃ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો કેસ નોંધી રિમાન્ડની થશે માંગણી
રાજકોટ તા. રઃ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સામે વધુ એક ગુન્હો નોંધાયો છે. તેની ઓફિસમાંથી કુબેરનો ખજાનો હોય તેમ પાંચ કરોડ રોકડા, ર૦ કિલો સોનું તથા બે કિલો ચાંદી ઝડપાતા એસીબી હવે તેમના રિમાન્ડ માંગશે.
શહેરના નાના મવા રોડ ટીઆરપી ગેમઝોનમાં ભભૂકેલી આગ બાળકો સહિત ર૭ જણાનો ભોગ લઈ ગઈ હતી. આ ગોઝારા અગ્નિકાંડ અંગે તાલુકા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ ગુનો નોંધી ગેમ ઝોનના સંચાલકો, ભાગીદારો, મનપાના અધિકારીઓ મળી પંદરની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં. બીજી તરફ આ ગુનામાં પકડયોલા મોટું માથા ગણાતા મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ ડી. સાગઠિયા સામે એસીબીનો એક મળી ત્રણ ત્રણ ગુના નોંધાયા હતાં.
અપ્રમાણસર મિલકતના ગુનામાં મનસુખ સાગઠિયાનો એસીબીએ જેલમાંથી કબજો મેળવી તેને સાથે રાખી ૧પ૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ટ્વિન ટાવરમાં નવમા માળે આવેલી તેની ઓફિસના રાતે સીલ ખોલી સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. સવાર સુધી આ કામગીરી ચાલી હતી, જેમાં પાંચ કરોડ રોકડા અને ર૦ કિલો સોનું તથા ર કિલો ચાંદી મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
એન્ટી કરપ્શન બ્યુરોના રાજકોટ અને સુરેન્દ્રનગરની ટીમોના ર૦ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો રાતે અગિયારેક વાગ્યે મનસુખ ડી. સાગઠિયાને સાથે રાખી તેની ટ્વિન ટાવરના નવમા માળે આવેલી ૯૦૧ નંબરની ઓફિસે પહોંચ્યો હતો. એસીબીએ અગાઉ તપાસ શરૃ કરી એ પહેલા જ આ ઓફિસને સીલ લગાવી દેવાયું હતું. આ સીલ ખોલીને એસીબીની ટીમો અંદર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. સર્ચ દરમિયાન ઓફિસમાં આવેલી મસમોટી તિજોરી તપાસતા તેમાંથી રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ કરોડની રોકડ અને સાતથી આઠ કિલો સોનાના દાગીના મળી આવ્યા છે. એસીબીમાં અગાઉ અપ્રમાણસર મિલકતનો ગુનો સાગઠિયા વિરૃદ્ધ દાખલ થયો હતો ત્યારે ૪૦૦ ગણી વધુ મિલકત આવક કરતા સામે આવી હતી. હવે ઓફિસની તિજોરીમાંથી કરોડોની રોકડ અને સોનું મળી આવતા આ આવક ૭૦૦ ગણી વધુ થઈ ગઈ છે. સાગઠિયાની એસીબીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી હોઈ, આજે રિમાન્ડ માંગણી સાથે રજૂ કરાશે.
અગાઉની વિગતો જોઈએ તો સાગઠીયા વિરૃદ્ધ સાપરાધ મનુષ્ય વધ અને બોગસ મિનિટ્સ બૂકના ગુન્હા દાખલ થયા પછી એન્ટી કરપ્શન બ્યુરોએ પણ તેને સાણસામાં લઈ કાર્યવાહી કરી હતી. સાગઠીયાએ પોતાના ફરજકાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને વસાવેલી ૧૦.પપ કરોડની અપ્રમાણસર મિલકતો એસીબીએ શોધી કાઢી હતી અને ગુન્હો દાખલ કર્યો હતો. છેલ્લા દસેક કરતા વધુ વર્ષોથી મનપાની ટીપી શાખામાં ફરજ બજાવતા વર્ગ-૧ ના અધિકારી મનસુખ ધનાભાઈ સાગઠીયાની અગ્નિકાંડમાં ધરપકડ થયા પછી તો તેણે ભ્રષ્ટાચાર આચરી કરોડોની મિલકતો વસાવ્યાની ચર્ચાઓ શરૃ થઈ ગઈ હતી.
એસીબીએ એમ.ડી. સાગઠીયાની વિવિધ મિલકતોનું લિસ્ટ પણ અગાઉ જાહેર કર્યુ હતું. તે મુજબ રાજકોટના સોખડામાં તેને જય પાબારી પેટ્રોલપંપ, સોખડામાં ૦૩ ઈન્ડસ્ટ્રીયલ ગોડાઉન, ગોંડલના ગોમટામાં જય પાબારી પેટ્રોલપંપ, ગોમટામાં હોટેલ અન્ડર કન્સ્ટ્રકશન, ગોમડામાં ફાર્મહાઉસ, ગોમટામાં ખેતીની જમીન, ચોરડીમાં ખેતીની જમીન, શાપરમાં ઉર્જા ઈન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન, પડધરીના મોવૈયામાં બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ, યુનિવર્સિટી રોડ પર અનામીકા સોસાયટીમાં અન્ડર કન્સ્ટ્રકશન બંગલો, માધાપરમાં આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ, અમદાવાદ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં સી-૧૭૦૧ એસ્ટર ફલેટ, અહી જ બી-૭, ૮૦ર, લા મરીના ફલેટ, બે હોન્ડા સીટી સહિત છ વાહનો તેની પાસે હોવાનું જાહેર થયું હતું.
આ ઉપરાંત સાગઠીયાએ દુબઈ, યુરો, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, મલેશીયા, માલદિવ અને શ્રીલંકા મળી આઠ વિદેશી પ્રવાસ પણ કર્યા હોવાનું ખૂલ્યું હતું. એસીબીના ઈન્ચાર્જ ડીવાયએસપીશ્રી આશિષ પરમારની આગેવાનીમાં રાજકોટ શહેર, ગ્રામ્ય, સુરેન્દ્રનગર એસીબીની ટીમોના પીઆઈ એમ.જે. આલ, પીઆઈ લાલીવાલા, પીઆઈ ડેકાવાડીયા સહિતના ર૦ અધિકારીઓ, કર્મચારીઓના કાફલાએ દરોડો પાડી સાગઠીયાની ઓફિસમાંથી ત્રણ કરોડ રોકડા અને ર૦ કિલો સોનું તથા ર કિલો ચાંદી મળી કરોડોનો રોકડ સોના-ચાંદીનો દલ્લો શોધી કાઢ્યો છે. હવે સાગઠીયાને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી વિશેષ કાર્યવાહી થશે. બેંક લોકરો અંગે પણ તપાસ કરવામાં આવશે.
રાત્રે અગિયાર વાગ્યાથી એસીબીએ ટ્વીન ટાવરના નવમા માળે સર્ચ કામગીરી શરૃ કરી હતો. રોકડ, સોનું ઉપરાંત ચારેક મોટા બોક્સ ભરી ફાઈલો પણ કબજે કરવામાં આવી છે. સવારે કાર્યવાહી કરીને બહાર નીકળતી વખતે એક અધિકારીને કાચનો દરવાજો ન દેખાતાં તેમાં અથડાતાં નાકા-કાનમાંથી લોહી નીકળવા માંડતા સારવાર માટે ખસેડવા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રો વધુમાં જણાવે છે કે, સાગઠીયાના રીમાન્ડ મેળવાયા પછી તેની પાસેથી વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial