Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાવલમાં પીજીવીસીએલની કચેરી ક્યારે ખૂલશે?
રાવલ તા. ૭ઃ રાવલમાં વીજળીના ધાંધિયાના કારણે લોકો ત્રસ્ત છે, તો બીજી તરફ રાવલમાં પીજીવીસીએલની વહીવટી કચેરી ખોલવાના નામે માત્ર ફોલ્ટ સેન્ટરની વ્યવસ્થા થઈ છે, જે પણ ઢંગધડા વગરની છે. તેથી લકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
જામરાવલમાં નગરપાલિકા છે અને લગભગ વીસેક હજારથી વધુ વસતિ હશે, પરંતુ આ નગરની માળખાકીય સુવિધાઓ એટલી બદતર છે કે તેના કરતા ઘણાં નાના ગામડાઓમાં વધુ સગવડો હોય છે.
પીજીવીસીએલ તો રાવલ પ્રત્યે એટલું ઓરમાયું વર્તન રાખે છે કે જાણે આ નગરના લોકોએ કોઈ અપરાધ કર્યો હોય. કલાકોના કલાકો સુધી વીજપુરવઠો ખોરવાઈ જાય, ડીમ લાઈટ આવવી, લબૂક-ઝબૂક અંગે વોલ્ટેજની અવારનવાર વધઘટ થવી અને ફોલ્ટ રીપેરીંગમાં દિવસોના દિવસો લાગી જવા જેવી રાવ આ નગરના લોકો લાંબા સમયથી કરી રહ્યા છે, પરંતુ કોઈ તંત્ર, નેતા કે વીજપંત્રના ઉચ્ચ અધિકારીઓનું રૃંવાડુએ ફરકતું નથી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી એવા સમાચાર પહોંચ્યા હતાં કે ભારે પૂરમાં રાવલ ડૂબી રહ્યું છે. ચોમાસામાં ભારે પૂર અને અન્ય ઋતુમાં અન્ય સમસ્યાઓથી પીડાતા રાવલને વીજપુરવઠો પણ નિયમિત રીતે અપાતો નથી.
વીજપુરવઠાના અભાવે ટી.વી., ફ્રીજ, પંખા, એ.સી. જેવા ઈલેક્ટ્રોનિક સાધનો તો ઉપયોગી બનતા જ નથી, અને વોલ્ટેજની વધ-ઘટના કારણે ઘણી વખત સાધનોને નુક્સાન પણ જતું હોય છે. તે ઉપરાંત વીજઆધારિત તમામ કામ-ધંધા બંધ થઈ જાય છે અને ઘરેલુ કામકાજ પણ ખોરવાઈ જતું હોય છે.
રાવલ જેવા છેવાડાના નગર પ્રત્યે વીજકંપનીનું આ વલણ ક્યારે બદલશે અને રાવલમાં ક્યારે સંપૂર્ણપણે વીજપુરવઠો મળતો થશે, અને રાવલમાં પીજીવીસીએલની કચેરી કાગળ પરથી ક્યારે વાસ્તવમાં જમીન પર ઊભા થશે, તેવા સવાલો રાવલના નગરજનોમાં ઊઠી રહ્યા છે.
આ મુદ્દે હવે પ્રજાના ચૂંટાયેલા ટોપ-ટુ-બોટમ પ્રતિનિધિઓ અને વિવિધ જ્ઞાતિ-સમાજોના અગ્રણીઓ સંકલિત રીતે અવાજ નહીં ઊઠાવે તો કંટાળેલા લોકો હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપરાંત કાનૂની લડત પણ આપશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial