Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાપા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીઃ
જામનગર તા. ૩૦ઃ જામનગર જિલ્લામાં સહકારી ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વની ગણાય છે, તેવી હાપા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલ સામે ભાજપના જ બે ઉમેદવારોએ ખૂલ્લો બળવો કર્યો હોવાનું જાણવા મળે છે. ખેડૂત હાપા માર્કેટીંગ યાર્ડમાં વિભાગની ૧૦ બેઠકો માટે તથા વેપારી વિભાગની ૪ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. જેમાં ગઈકાલે તા. ર૯-૧-ર૦ર૪ ના ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની તારીખે ભાજપના બે ઉમેદવારો કે જેમનું નામ ભાજપ પ્રેરિત પેનલમાં પક્ષના મેન્ડેટની યાદીમાં નથી તેમણે ફોર્મ પરત નહીં ખેંચતા ભારે ચર્ચા જાગી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્રો ભરવાના સમયે પણ ભાજપના મોવડી મંડળે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોની યાદીમાં બીજો મેન્ડેટ ઈસ્યુ કરવો પડ્યો હતો અને તેમાં મુકુન્દભાઈ સભાયા તથા જયપાલસિંહ ઝાલાના નામનો સમાવેશ કરવો પડ્યો હતો. તેમ છતાં તા. ર૯-જાન્યુઆરીએ ઉમેદવારીપત્ર પાછા ખેંચાય ત્યાં સુધી ભાજપમાં અસંતોષ ફેલાયો હતો અને સસ્પેન્સ સર્જાયું હતું.
પેનલ બહારના ભાજપના બે ઉમેદવારોએ ગઈકાલે ફોર્મ પરત નહીં ખેંચીને બળવો કર્યો છે, એટલું જ નહીં પણ ભાજપ પ્રેરિત પેનલ સામે ચૂંટણી લડી રહેલા આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડની પેનલ સાથે સમજૂતિ કરી લીધી હોવાનું જાણવા મળે છે.
જે બે ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા નથી તેમાં વિઠ્ઠલભાઈ માંડવીયા કે જેઓ જામનગર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન સદસ્ય છે, તેમજ મનહરસિંહ પરબતસિંહ જાડેજા કે જેઓ પણ તાલુકા પંચાયતના સદસ્ય છે, તેમણે મેન્ડેટનો અનાદર કર્યો છે અને ફોર્મ પરત ખેંચ્યા નથી. આ બન્ને ભાજપના સભ્યો છે.
આમ હાપા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં જે રીતે અગાઉના અહેવાલોમાં કાંઈક નવા-જુનીની શક્યતા દર્શાવાઈ હતી તે પ્રમાણે મેન્ડેટમાં નામ બદલાવવા, ભાજપના જ બે આગેવાનો દ્વારા મેન્ડેટનો અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખવી જેવો ઘટનાક્રમ થયો છે અને મતદાન થશે ત્યારે ક્રોસ વોટીંગની શક્યતા નકારી શકાતી નથી... એટલું જ નહીં ખાસ કરીને ભાજપ માટે તો ડાયરેક્ટરોની ચૂંટણી પછી પણ ચેરમેનપદ માટે પસંદગી કરવામાં પણ મુશ્કેલી થાય તેવા ચિત્રો ઉપસી રહ્યાં છે.
આ ચૂંટણીમાં હવે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૭ તથા વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૧૧ ઉમેદવારો મેદાનમાં છે અને મતદાન તા. પ-ર-ર૦ર૪ ના દિને યોજાનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial