Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય નૌકાદળે દરિયા વચ્ચે દિલધડક ઓપરેશન કરીને ઓગણીસ પાકિસ્તાનીને ચાંચિયાઓથી છોડાવ્યા

ચોવીસ કલાકમાં બીજી વખત માછીમારી કરતા જ્હાજને બચાવી લેવાયુંઃ

નવી દિલ્હી તા. ૩૦ઃ ભારતીય યુદ્ધ જ્હાજ આઈએનએસ સુમિત્રાએ સોમવારે ૧૯ પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા છે. સોમાલી ચાંચિયાએ માછીમારી જ્હાજને હાઈજેક કર્યું હતું. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે.

ભારતીય નૌકાદળે દરિયામાં ૧૯ પાકિસ્તાની ખલાસીઓને સોમાલી ચાંચિયાઓની ચૂંગાલમાંથી બચાવ્યા હતાં. નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી કરી અને પાકિસતાની નાગરિકોને બચાવી લીધા હતાં.

એક ભારતીય સંરક્ષણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નૌકાદળના યુદ્ધ જ્હાજ આઈએનએસ સુમિત્રાએ કોચીના દરિયાકાંઠેથી લગભગ ૮૦૦ નોટિકલ માઈલ દૂર પૂર્વી સોમાલિયા નજીક ચાંચિયાઓ દ્વારા હાઈજેક કરાયેલા ફિશિંગ જ્હાજ 'અલ નૈમી' અને તેના ક્રૂને બચાવ્યા હતાં. ભારતીય નૌકાદળે ર૪ કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જ્હાજને બચાવ્યું છે.

છેલ્લા ર૪ કલાકમાં આ બીજો કિસ્સો છે, જ્યારે ભારતીય નૌકાદળે તેમના યુદ્ધ જ્હાજને ચાંચિયાઓ વિરૂદ્ધ ઓપરેશન હાથ ધરવા મોકલ્યું હોય, આ પહેલા રવિવારે રાતરે પણ ભારતે ઈરાનના માછીમારી જ્હાજ એફવી ઈમાનને બચાવી લીધું હતું. આ પણ ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું. ઈરાની ધ્વજ ધરાવતા જ્હાજમાં ૧૭ ઈરાની ક્રૂ મેમ્બર હતાં. બન્ને ઓપરેશન ૮પ૦ નોટિકલ માઈલ એટલે કે કોચીથી પશ્ચિમમાં ૧પ૭૪ કિલોમીટર દૂર પાર પાડવામાં આવ્યા હતાં.

ચાંચિયાઓની કહાની પણ રસપ્રદ છે. સોમાલિયા એક એવો દેશ છે, જેના સમુદ્રમાં માછલીઓનો પુષ્કળ ભંડાર છે. ૧૯૯૦ સુધી સોમાલિયાનું અર્થતંત્ર માછીમારી પર નિર્ભર હતું, ત્યારે ચાંચિયાઓનો ડર નહોતો. મોટાભાગના લોકો માછલીનો વેપાર કરતા હતાં. પછી અહીં ગૃહયુદ્ધ શરૂ થયું. સરકાર અને નૌકાદળ હવે નથી. વિદેશી કંપનીઓએ એનો ફાયદો ઊઠાવ્યો.

સોમાલિયાના લોકો નાની હોડીઓમાં માછલી પકડતા હતાં. વિદેશી કંપનીઓના મોટા ટ્રોલર્સ આવીને તેમની સામે ઊભા રહ્યા. લોકોનો રોજગાર છીનવાઈ જવા લાગ્યો. એનાથી પરેશાન થઈને સોમાલિયાના લોકોએ હથિયાર ઉપાડ્યા અને સમુદ્રી લૂંટારા બની ગયા. દરિયાઈ માલવાહક જ્હાજોનો મોટો કાફલો સોમાલિયાના કિનારેથી પસાર થતો હતો.

માછીમારો લૂંટારા બનીને આ જ્હાજોને નિશાન બનાવવા લાગ્યા. તેમણે વહાણ છોડવાના બદલામાં ખડણી લેવાનું શરૂ કર્યું. ર૦૦પ સુધીમાં આ ધંધો એટલો મોટો થઈ ગયો હતો કે પાઈરેટ સ્ટોક એક્સચેન્જ બનાવવામાં આવ્યું હતું. એનો અર્થ એ છે કે લોકો તેમની કામગીરીને ભંડોળ આપવા માટે લૂંટારાઓમાં રોકાણ કરી શકે છે. એના બદલામાં લોકોને લૂંટેલા નાણાનો મોટો હિસ્સો મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh