Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરની ઠોકરે ચઢેલા બાળક પર કાળનો પંજોઃ સાત રસ્તા પાસેથી મળી આવેલા અજાણ્યા વૃદ્ધનું મૃત્યુ
જામનગર તા. ૨૩ઃ કાલાવડના રણુજા રોડ પર વીસ દિવસ પહેલાં એક બાળકને ફૂલ સ્પીડમાં ધસી આવેલી મોટરે ઠોકર મારી હતી. આ બાળકનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ધ્રોલ ગામ તરફ આવતા લતીપરના એક બાઈકચાલક રોઝડાના કારણે ફંગોળાઈ ગયા હતા. તેઓનું બે સપ્તાહથી વધુની સારવાર પછી હોસ્પિટલના બિછાને મૃત્યુ થયું છે. ઉપરાંત સાતરસ્તા પાસેથી અકસ્માતમાં ઘવાયેલી હાલતમાં મળી આવેલા અજાણ્યા વૃદ્ધનું પણ મૃત્યુ થયું છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામમાં રબારીવાસમાં રહેતા રઘુભાઈ સારીમભાઈ પંડત નામના રબારી પ્રૌઢનો ૧૦ વર્ષનો પુત્ર નવઘણ ઉર્ફે કરમશી ગઈ તા.૩ની બપોરે પોણા ત્રણેક વાગ્યે કાલાવડના રણુજા રોડ પર આવેલા સનાતન એગ્રો નામના કારખાના પાસે પાણી ભરવા માટે જતો હતો.
ત્યારે કાલાવડ તરફથી ધસી આવેલી જીજે-૩ એલડી ૬૩૦૩ નંબરની મોટરે તેને ઠોકરે ચઢાવ્યો હતો. રોડ પર જોશભેર પછડાયેલા નવઘણને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી સારવારમાં ખસેડવામાં આવેલા આ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. મોટરના ચાલક સામે રઘુભાઈ પંડતે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા મહેશભાઈ દેવાણંદભાઈ જીલરીયા નામના ૪૬ વર્ષના યુવાન ગઈ તા.૪ની રાત્રે આઠેક વાગ્યે પીયાવા ગામથી ધ્રોલ તરફ આવી રહ્યા હતા. ત્યારે તેઓના જીજે-૧૦ બીએન ૩૧૦૧ નંબરના મોટર સાયકલ આડે અચાનક રોઝડુ ઉતર્યું હતું તેની સાથે અકસ્માત ન થાય તે જોવા જતા મહેશભાઈનું મોટરસાયકલ સ્લીપ થયું હતું. તેના પરથી ફંગોળાઈ ગયેલા મહેશભાઈને માથામાં ગંભીર ઈજા થઇ હતી. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પિતા દેવાણંદભાઈ ભુરાભાઈ જીલરીયાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના સાત રસ્તા નજીક આવેલા પેટ્રોલપંપ પાસેથી ગઈકાલે બપોરે સાંઈઠેક વર્ષની વયના લાગતા એક અજાણ્યા વૃદ્ધ અકસ્માતમાં ઈજા પામેલી હાલતમાં મળી આવ્યા હતા. સમાજસેવક હિતેશગીરી લાલગીરી ગોસાઈએ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ વૃદ્ધનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial