Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકીઓ ઠાર

બે એકે-૪૭ અને બે ગ્લોક પિસ્તોલ અને કારતૂસોનો જંગી જથ્થો ઝડપાયોઃ એન્કાઉન્ટરમાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થતા હોસ્પિટલમાં

લખનૌ તા. ર૩ઃ ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પંજાબ અને ઉત્તરપ્રદેશ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાલીસ્તાની કમાન્ડો ફોર્સના ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા છે. એન્કાઉન્ટર દરમિયાન ઈજા પામેલા કેટલાક પોલીસકર્મીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પોલીસ એન્કાન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ત્રણેય આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્યો હોવાનું કહેવાય છે. તેમની પાસેથી બે એકે-૪૭ બંદુક અને બે ગ્લોક પિસ્તોલ ઉપરાંત મોટી માત્રામાં કારતૂસ મળી આવ્યા હતાં.

માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ગુરવિંદર સિંહ, રવિ અને જસપ્રીત તરીકે થઈ છે. ત્રણેય પર થોડા સમય પહેલા પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાનો આરોપ હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર વિસ્તારમાં થયું હતું. પંજાબ પોલીસની એક ટીમ ત્રણેય આતંકીઓની શોધમાં યુપી આવી હતી. પંજાબ પોલીસ યુપી પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ગઈકાલે રાત્રે પોલીસને ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. આના પર પોલીસે તેમને ઘેરી લીધા હતાં. પોલીસે આતંકવાદીઓને ચેતવણી આપી અને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું, પરંતુ તેઓ તેના માટે તૈયાર ન હતાં. આ પછી યુપી અને પંજાબ પોલીસ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી જેમાં ત્રણેય ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

આ અંગે એક મીડિયા સાથે વાત કરતા યુપીના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે આ ઓપરેશનનું નેતૃત્વ પીલીભીતના એસપી અવિનાશ પાંડેએ કર્યું હતું. તેમણે કહ્યું કે યુપી પોલીસને પંજાબ પોલીસ પાસેથી ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે ઈનપુટ મળ્યા હતાં. ત્રણેય પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલામાં સામેલ હતાં. તેમણે કહ્યું કે બે રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન કરીને હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનની આ એક મોટી સફળતા છે.

પીલીભીત એન્કાઉન્ટરની વિગતવાર માહિતી યુપી પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં પણ આપવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ ફેંકનારા ત્રણ સખત ગુનેગારો સાથે યુપી અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમના એન્કાઉન્ટરમાં બે એકે ગન અને બે ગ્લોક પિસ્તોલ મળી આવી છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. ફાયરીંગમાં ત્રણેય ગુનેગારો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. તેને પ્રાથમિક્તાના ધોરણે તાત્કાલિક સારવાર માટે પુરનપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતાં.

આ આતંકવાદીઓમાં ગુરવિંદર સિંઘ, ગુરુદેવ સિંહનો પુત્ર, આશરે રપ વર્ષ, રહેવાસી મોહલ્લા કલાનૌર, થાણા કલાનૌર, જિલ્લો ગુરદાસપુર, પંજાબ. વિરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ, રણજિતસિંહ ઉર્ફે જીતાનો પુત્ર, ઉ.વ. આશરે ર૩ વર્ષ, ગામ અગવાન પોલીસ સ્ટેશન કલાનૌર જિલ્લો ગુરદાસપુર, પંજાબનો રહેવાસી.

જસન પ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ, ઉ.વ. આર. ૧૮ વર્ષ, ગામ નિક્કા સુર, પોલીસ સ્ટેશન કલાનૌર, જિલ્લો ગુરદાસપુર, પંજાબનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.

પીલીભીતના પોલીસ અધિક્ષક અવિનાશ પાંડે, સબ ઈન્સ્પેક્ટર અમિત પ્રતાપ સિંહ, એસએચઓ પુરનપુર, ઈન્સ્પેક્ટર નરેશ ત્યાગી, સબ ઈન્સ્પેક્ટર લલિત કુમાર, હેડ કોન્સ્ટેબલ જગવીર, એસએચઓ મધોતંડા ઈન્સ્પેક્ટર અશોક પાલ, કોન્સ્ટેબલ સુમિત, કોન્સ્ટેબલ હિતેષ, એસઓજી ઈન્ચાર્જ તેમની ટીમ સાથે ઈન્સ્પેક્ટર કેબી સિંહ અને તેમની ટીમ સાથે સર્વેલન્સ ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટર સુનિલ શર્મા અને પંજાબ પોલીસની ટીમ આ સફળ ઓપરેશનમાં સામેલ હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh