Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાં રિલાયન્સ મોલમાં વિકરાળ આગઃ સવારે કાબુમાં

નુકસાનીનો કરાઈ રહ્યો છે સર્વેઃ નવેક કલાક સુધી આગે લબકારા લીધાઃ જાનહાની કે દાઝી જવાના એકેય કેસ નહીંઃ

જામનગર તા. ૯ઃ જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં ગઈરાત્રે સાડા નવેક વાગ્યે કોઈ કારણથી આગ લાગ્યા પછી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. બંને તરફથી સાત-આઠ કિલોમીટર દૂરથી દેખા દેતી અગનજ્વાળાઓને કાબુમાં લેવા માટે રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટરની સાથે જામનગર, રાજકોટ, દ્વારકા, ખંભાળિયા તેમજ જીએસએફસી, ડીસીસી કંપનીના ફાયર ફાઈટરો ધસી ગયા હતા. આજે સવારે આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવી ગઈ છે. હાલના તબક્કે નુકસાનીનો અંંદાજ કાઢવામાં આવી રહ્યો છે. જો કે, કોઈ જાનહાની કે દાઝી જવાના બનાવો બહાર આવ્યા નથી.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ પાસેના રિલાયન્સ કંપનીના મોલમાં ગઈરાત્રે સાડા નવેક વાગ્યા પછી અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. મોલના એક ભાગમાં આગે દેખા દીધા પછી ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડઝે સાવચેતીના પગલાં ભરવાનું શરૃ કર્યુ હતું.

આ મોલમાં ચાલી રહેલા સિનેમા હોલને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. જો કે, આ હોલમાં ગણ્યા-ગાંઠ્યા વીસેક પ્રેક્ષકો હતા. તેઓને તાત્કાલિક બહાર નીકળી જવા સૂચના આપવામાં આવી હતી અને મોલમાં જ આવેલા રેસ્ટોરન્ટમાં હાજર લોકોને પણ તરત જ બહાર આવી જવા કહેવાયું હતું. તે ઉપરાંત મોલના પાર્કિંગમાં પડેલી મોટરો સહિતના વાહનોને દૂર ખસેડવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી હતી. તેની સાથે જ સિક્યુરિટી ગાર્ડઝની એક ટીમ અગ્નિશમન માટે જોતરાઈ હતી અને રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટરોને કોલ કરી દેવામાં આવ્યો હતો.

મોલમાં આગ ભભૂક્યાના ગણતરીની સેકન્ડોમાં અહેવાલ જામનગર ફાયર બ્રિગેડ, જીએસએફસી, ડીસીસી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને આપવામાં આવતા ત્યાંથી પણ ફાયર ફાઈટરો દોડ્યા હતા. તે ઉપરાંત ખંભાળિયા તથા દ્વારકા અને રાજકોટથી પણ ફાયર ફાઈટરની ટીમ મોટી ખાવડી આવવા રવાના થઈ હતી. તેની સાથે જ મેઘપર તથા સિક્કા પોલીસ સ્ટેશનનો કાફલો પણ ધસી ગયો હતો.

ફાયરબ્રિગેડના જવાનોએ મોલને ચારેય તરફથી પાણીના મારા વચ્ચે ઘેરી લઈ અગ્નિશમન માટે જહેમત ઉઠાવવાનું શરૃ કર્યું હતું. તે દરમિયાન એક વિભાગમાંથી પ્રસરતી આગની જ્વાળાઓ પ્રસરીને વારાફરતી એક પછી એક વિભાગો લપેટમાં લેતી જતી હતી. આગની લપેટમાં મોલનો કરિયાણા વિભાગ પણ આવતા તેમાં રાખવામાં આવેલા તેલના ડબ્બા, ઘીનો જથ્થો વગેરે પણ આગમાં હોમાવવા લાગતા આગ વિકરાળ બની હતી અને જામનગર તરફ તેમજ ખંભાળિયા તરફ સાત-આઠ કિલોમીટર સુધી આગના લબકારા જોવા મળ્યા હતા.

એક તરફ વધુને વધુ પ્રસરતી જતી આગ ફાયરના જવાનોને પજવતી હતી અને બીજી તરફ તેમાંથી વછૂટતી ગરમી પણ અન્ય હોનારત ન સર્જે તેવી મુંઝવણ વચ્ચે પોલીસે પણ મામલો સંભાળ્યો હતો. ખંભાળિયાથી જામનગર અને જામનગરથી ખભાળિયા વચ્ચે અવિરત રહેતા ટ્રાફિક વ્યવહારને આગની કોઈ અસર ન થાય તે માટે ચાંપતા પગલાં ભરવામાં આવ્યા હતા અને બિનજરૃરી રીતે આગના સ્થળે ટોળાં એકઠા ન થાય તે માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને અગ્નિશમનમાં વધુને વધુ ફાયર ફાઈટરોને જોડવામાં આવી રહ્યા હતા.

આગ લાગવાની શરૃઆત થઈ ત્યારથી ત્યાં પસાર થતાં વાહનોમાં અવરજવર કરતા લોકો વીડિયો તથા ફોટા પાડવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આગ લાગ્યાની ગણતરીની મિનિટો પછી મોટી ખાવડીથી નજીક જામનગર તથા બીજી તરફ ખંભાળિયા સુધી મોલની આગના સમાચાર પ્રસરી ગયા હતા. કેટલાક ફોટા, વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ગયા હતા. તે પરિસ્થિતિમાં ભયનું વાતાવરણ ઉભુ ન થાય તે માટે પણ તંત્ર અને કંપનીના સંવાહકો દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી હતી.

મોડીરાત્રિ સુધી આગને બુઝાવવા માટે ચાલુ રહેલી કામગીરી આજે સવારે આઠેક વાગ્યે પૂર્ણ થઈ હતી. અંદાજે સાડા નવ-દસ કલાક સુધી ભભૂકતી રહેલી આગ અંતે સંપૂર્ણ રીતે બુઝાઈ ગઈ હતી.

આ બાબતે રિલાયન્સ કંપનીના પ્રવક્તા દ્વારા મોડીરાત્રે નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યા મુજબ મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મોલમાં ગઈકાલના દિવસનું તમામ કામ પૂર્ણ થયા પછી અને મોલ બંધ થયા પછી આગ ભભૂકી હતી. તેમાં કોઈ જાનહાની કે કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

આગ લાગ્યાનું હજુ કોઈ કારણ જાણવા મળ્યું નથી. તે દરમિયાન કંપનીના મોલ સાથે સંકળાયેલા અધિકારીઓ પણ અન્યત્ર સ્થળેથી જામનગર આવવા માટે રવાના થયા છે. મોલના સ્થાનિક કર્મચારીઓ દ્વારા નુકસાનીનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. જો કે, પૂર્ણ રીતે અંદાજ મેળવતા હજુ એકાદ દિવસ લાગી શકે છે પરંતુ આગ લાગવાના આ બનાવમાં અન્ય કોઈ જાનહાની કે દાઝી જવાના બનાવ હાલના તબક્કે બહાર આવ્યા નથી.

આ મોલમાં તાજેતરમાં જ એક જાણીતી કંપનીનું ફાસ્ટફૂડ સેન્ટર પણ શરૃ કરવામાં આવ્યું હતું. ગઈકાલની આગમાં તે સેન્ટરને પણ બહોળુ નુકસાન થયું છે. જો કે, બાજુમાં જ આવેલા રિલાયન્સ ઓટો સહિતના સંસ્થાનોને કંઈ નુકસાન થયું નથી.

આ ઘટનાનો વિડિયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

https://youtu.be/1OtlJqYnGqM?si=GDwdDw_ygBzWCBBd

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh