Advertisement
Author: નોબત સમાચાર

હલ્દવાનીની હિંસામાં ૬ના મૃત્યુઃ આગજની-પથ્થરમારોઃ શૂટ એટ સાઈટનો આદેશ

સરકારી જમીન પરથી દબાણ હટાવવા ગયેલી ટીમ પર હિંચકારો હુમલોઃ મહિલા એસડીએમ અને એસ.પી. સહિત ૩૦૦ થી વધુ ઘાયલઃ નાઈટ કર્ફયુ

દહેરાદૂન તા. ૯ઃ ઉત્તરાખંડના હલ્ડવાનીમાં હિંસાનું તાંડવ ખેલાતા શૂટ એટ સાઈટના ઓર્ડર અપાયા છે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગેરકાયદે બનેલા ધાર્મિક સ્થળના ડિમોલેશનને લઈને ડખ્ખો થયા પછી આગજની, પથ્થરમારો થતા નાઈટ કર્ફયુ લગાવાયો હતો. આજે શાળા-કોલેજો બંધ છે. ઈન્ટરનેટ સસ્પેન્ડ છે. અનેક વાહનો સળગાવાયા છે. પોલીસ ઉપર પેટ્રોલબોમ્બ ફેંકાયા છે. વધુ ફોર્સ તૈનાત કરાઈ છે. બે ઉચ્ચ અધિકારીઓ પણ ઘવાયા છે.

ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભુલપુરા વિસ્તારમાં સરકારી જમીનમાં બનેલા એક મદરેસા પર બુલડોઝર ફરતા સ્થાનિક લોકોએ નગરપાલિકા તેમજ પોલીસના વાહનોમાં આગ લગાવી દીધી હતી. સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાના પગલે આખાય વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. સરકારે ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી અને તોફાની તત્ત્વોને દેખો ત્યાં ઠાર કરો એટલે કે શૂટ એટ સાઈટનો આદેશ આપતા મામલો વધારે ગંભીર બન્યો હતો.

બબાલમાં મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં ૬ લોકોના મોત થઈ ચૂક્યા હતાં. મહિલા એસડીએમ અને એસપી સહિત અંદાજિત ૩૦૦ થી વધુ લોકો પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા હતાં. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તંગ પરિસ્થતિને જોતા ડીએમ વંદનાએ નાઈટ કર્ફયુ લગાવી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા પછી રાત્રે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ચાર કંપની પીએસી સહિત જિલ્લાભરના પોલીસ સ્ટેશન અને ચોકીઓનો સ્ટાફ બાણભૂલપુરા પહોંચ્યો હતો. બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. આજે બજારો અને તમામ શાળાઓ બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, બાણપૂલપુરા એ જ વિસ્તાર છે જ્યાં ગયા વર્ષે હાઈકોર્ટે રેલવેની જમીન પર આવેલી પ૦ હજારની વસતિવાળી વસાહત ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. અતિક્રમણ હટાવવા માટે પોલીસ-વહીવટી તંત્રએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. આ દરમિયાન મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો અને હાલમાં વિચારણા હેઠળ હોવાનું પણ કહેવાય છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ તાજેતરમાં મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની ટીમ અતિક્રમણ સામે કાર્યવાહી કરવા ગઈકાલે મુસ્લિમ બહુલ વિસ્તારના બાણભૂલપુરાના મલિક કા બગીચા પહોંચી હતી. આ દરમિયાન અહીં ગેરકાયદે મદરેસા અને નમાઝની જગ્યા પણ મળી આવી હતી. ગુરુવારે બપોરે લગભગ ૪-૧પ વાગ્યાની આસપાસ પોલીસ, વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો બુલડોઝર સાથે અતિક્રમણ તોડવા માટે પહોંચી હતી. વહીવટી અને પોલીસ અધિકારીઓ ઉપરાંત પોલીસ અને કોર્પોરેશનના કર્મચારીઓ સહિત ૭૦૦ જેટલા લોકોની ફોર્સ હતી, પરંતુ જેમ તેમ બુલડોઝર અને ટીમ આગળ વધી હતી. ચારે બાજુથી પથ્થરમારો શરૃ થયો. થોડી જ વારમાં મુસ્લિમ સમુદાયના ૧૦ હજારથી વધુ લોકોની ભીડ એકઠી થઈ ગઈ.

રસ્તાઓ પરથી અને ઘરોની છત પરથી પથ્થરો વરસવા લાગ્ય. એસડીએમ કાલાધુંગી રેખા કોહલી, એસપી હરબંસસિંહ, એસઓ પ્રમોદ પાઠક, પોલીસ, કોર્પોરેશનના કર્મચારીઓ અને પત્રકારો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. છ વાગ્યા સુધીમાં સમગ્ર વિસ્તારમાં અરાજક્તા ફેલાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં બદમાશો બાનભૂલપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેઓએ પોલીસ સ્ટેશનની બહાર ઊભેલા પોલીસ અને મીડિયાના ડઝનથી વધુ વાહનોને પણ આગ ચાંપી દ ીધી હતી. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં પ૦ થી વધુ વાહનો સળગાવવામાં આવ્યા છે. જેમાં બે પીએસી અને પોલીસ બસો, ચાર પૈડા અને રસ્તા પર પાર્ક કરાયેલા ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. ડઝનબંધ વાહનોને નુક્સાન થયું છે.

હાઈકોર્ટે હલ્દવાનીમાં મલિકના બગીચા અને બાનભૂલપુરા વિસ્તારના અચ્છન ખાનના બગીચામાં અતિક્રમણ અને ડિમોલિશન રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. અરજદાર સફિયા મલિક અને અન્યોને કોઈ રાહત આપ્યા વિના, વેકેશન જસ્ટિસ પંકજ પુરોહિતની સિંગલ બેન્ચે આગામી સુનાવણીની તારીખ ૧૪ ફેબ્રુઆરી નક્કી કરી છે.

આ મામલો એટલો સંવેદનશીલ હતો કે સરકાર વતી એડવોકેટ જનરલ અને અન્ય સરકારી વકીલો હાજર રહ્યા હતાં. તેણે કોર્ટને કહ્યું કે આ જમીન કમીશનરની પરવાનગી વિના ઘણી વખત ટ્રાન્સફર કરવામાં આવી છે, જ્યારે આ જમીન યાસીન મલિકને કૃષિ ઉપયોગ માટે આપવામાં આવી હતી. શરત એ હતી કે તેમાં કોઈ બિલ્ડીંગ બનાવવામાં આવશે નહીં. આ જમીન ટ્રાન્સફર કરી શકાતી નથી, પરંતુ તેમ છતાં તેને વેંચવામાં આવી હતી, જે નિયમોની વિરૃદ્ધ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh