Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર સહિત ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓ માટે ચિંતાજનક કહી શકાય, તેવી ચર્ચા થઈ રહી છે, અને મહામુલી ફળદ્રુપ જમીનોને ક્ષારો ધીમે ધીમે હડપી રહ્યા હોવાના કેટલાક તારણો બહાર આવ્યા પછી તેના મૂળભૂત કારણો તથા તેના નિવારણોના ઉપાયો અંગે પણ ગંભીરતાપૂર્વક વિચાર-વિમર્શ-પરામર્શની જરૃર જણાવાઈ રહી છે.
તાજેતરમાં પ્રકાશમાં આવેલો સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ-ર૦ર૩ મુજબ ગુજરાતમાં મોટાપાયે થતા વૃક્ષછેદનના કારણે ગ્રીન કવર સતત ઘટી રહ્યું છે, અને દરિયાકાંઠે ક્ષારોના ફેલાવાને અટકાવતું મેન્ગ્રુવ કવર દિવસે દિવસે પાતળુ (ઓછું) થઈ રહ્યું હોવાથી ફાળદ્રુપ જમીનો ખારી (ક્ષારયુક્ત) થવાની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. ઓખા-બેટદ્વારકાથી પોરબંદર જિલ્લાને સ્પર્શતી હર્ષદ-મિયાંણી સુધીની દરિયાઈ પટ્ટીમાં ક્ષારો વધવાની ગતિમાં વધારો થતા ક્ષારયુક્ત ભૂગર્ભ જળમાં પણ વધારો થઈ રહ્યો હોવાની આશંકા વચ્ચે મેન્ગ્રુવના જંગલોમાં થયેલા ઘટાડાના આંકડાની ચર્ચા પણ થઈ રહી છે.
આ રિપોર્ટને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ભારતમાં એકંદરે જંગલો તથા વૃક્ષોનું આવરણ વધી રહ્યું છે, પરંતુ તે પૈકી દરિયાકિનારે મેન્ગ્રુવના કવરની ઘનતા ઘટી રહી છે. અણઘડ રીતે થતા વૃક્ષછેદન તથા પ્રવાસન વિકાસના નામે થતી કોમર્શિયલ તથા ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓની આડઅસરોના કારણે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.
આ રિપોર્ટ મુજબ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૬ ચોરસ કિલોમીટરથી વધુ મેન્ગ્રુવનું કવર ગુમાવ્યું હોય તો તે ચિંતાજનક ઉપરાંત ગુજરાતીઓ માટે ક્ષોભજનક પણ ગણાય, તેમ નથી લાગતું?
દ્વારકાથી હર્ષદ વચ્ચેના દરિયાકિનારેથી મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોવાના અહેવાલો અવારનવાર આવતા રહે છે, તેવી જ રીતે જેતપુરમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાથી માછીમારીના વ્યવસાયને પણ ફટકો પડતો હોવાના આક્ષેપ સાથે પોરબંદરના સાગરખેડુઓ પણ ચળવળ ભણી આગળ વધી રહ્યા હોય, ત્યારે ગુજરાતના દરિયાઈ પર્યાવરણની જવાબદારી કોની? તેવા સવાલો પણ સ્વાભાવિક રીતે જ ઊઠી રહ્યા છે. દરિયાઈ સુરક્ષાની સાથે સાથે દરિયાઈ પર્યાવરણીય સુરક્ષાની પણ એટલી જ ચિંતા કેન્દ્ર-રાજ્ય સરકારો, તેના તંત્રો તથા સુરક્ષા એજન્સીઓએ કરવી જઈએ, ખરૃં કે નહીં?
છેલ્લા દોઢેક દાયકાથી પશ્ચિમથી દરિયા કિનારો આગળ વધી રહ્યો છે અને જમીનમાં ક્ષારો વધી રહ્યો છે, તેવા અહેવાલો અવારનવાર આવતા હોય છે અને દ્વારકાના દરિયાકિનારે છેલ્લા બે દાયકામાં દરિયો કેટલા સે.મી. આગળ વધ્યો, તેના આંકડા પણ ચર્ચામાં આવતા હોય છે, તેથી ગુજરાત સરકારે ક્ષારો વધુ પ્રસરતા અટકાવવા મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન થતું અટકાવવા અસરકારક કદમ ઊઠાવવા જ જોઈએ ને?
જો કે, ભારતના નેટ ફોરેસ્ટ કવરમાં વર્ષ ર૦ર૧ થી વર્ષ ર૦ર૩ વચ્ચે ૧પ૬ ચો.કિ.મી. જેટલો વધારો નોંધાયો, અને ગ્રીન કવરમાં ૧૪૪પ ચો.કિ.મી.નો વધારો નોંધાયો, પરંતુ મેન્ગ્રુવનું કવર ઘટી રહ્યું હોય તો તે દરિયાકિનારાના વિસ્તારોને વધુ 'ખારા' કરશે. જમીનની ફળદ્રુપતા અને કિંમત ઘટશે, જેની એકંદરે વિપરીત અસર દરિયાકાંઠાના જિલ્લાઓમાં વસવાટ કરતા નાગરિકોને જ થવાની છે ને?
આશા રાખીએ કે રાજ્ય સરકાર મેન્ગ્રુવના કવરને ઘાટું, વિસ્તૃત અને સુરક્ષિત કરવાની દિશામાં નક્કર કદમ ઊઠાવે, અને હાલારના તંત્રો પણ આ દિશામાં આગળ વધે, સ્થાનિક તંત્રો 'આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ તથા શાહમૃગી નીતિ-રીતિ નહીં રાખે, તો જ દરિયાકિનારાને સુરક્ષિત અને દરિયાકિનારાની જમીનોની ફળદ્રુપતા આરક્ષિત રહેશે. આ અંગે રાજ્ય અને કેન્દ્ર કક્ષાએથી સતત મોનીટરીંગ ઉપરાંત લોજેસ્ટિક સપોર્ટ પણ અત્યંત જરૃરી છે.
એક તરફ દરિયાકાંઠાના રાજ્યો તથા જિલ્લાઓમાં 'ખારાશ' વધી રહી છે, તો બીજી તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે 'કડવાસ' પણ વધી રહી છે. રાજનીતિ હવે સંવાદના બદલે વિવાદ, સેવાના બદલે સંઘર્ષ અને ખેલદિલીના બદલે ખિલવાડથી પ્રદૂષિત થઈ રહી હોય, તેમ નથી લાગતું?
આઝાદી પછીના પ્રારંભિક દાયકાઓ દરમિયાન દેશની રાજનીતિ સૈદ્ધાંતિક વિરોધ, તર્કબદ્ધ આલોચના તથા વિચારો તથા અભિપ્રાયોમાં ભિન્નતા વચ્ચે પણ પરસ્પર આદર, ઔચિત્ય તથા હાવભાવ અને નિવેદનો-વક્તવ્યોમાં એકપ્રકારની શાલિનતા તથા મર્યાદા ધરાવતી હતી, પરંતુ જેમ-જેમ સમય વિતતો ગયો, તેમ તેમ વ્યક્તિગત આક્ષેપો, ગાલી-ગલોચ, ચારિત્ર્યહનન અને હવે તો ધક્કામૂક્કી તથા મારામારી સુધી વાત પહોંચી ગઈ છે. વિચારધારા કે સૈદ્ધાંતિક ભિન્નતા પહેલા મતભેદોમાં બદલાઈ, પછી મનભેદો સર્જાયા અને હવે તો કટૂતાના પ્રભાવ હેઠળ આ ભિન્નતા હવે શત્રુતામાં બદલાઈ રહી હોય તેમ જણાય છે. જે આપણી સમગ્ર લોકતાંત્રિક વ્યવસ્થાઓ તથા દેશપ્રેમની જનભાવનાઓ માટે ખતરાની ઘંટડી સમાન છે.
જેમ જમીનમાં ખારાશને આગળ વધતી અટકાવતા મેન્ગ્રુવના જંગલો દરિયાકિનારે ટકાવવા પડે, વધારવા પડે અને સુરક્ષિત કરવા પડે, મેંઢાક્રિક જેવી યોજનાઓ ઊભી કરીને દરિયાકાંઠે રેક્લેમેશન પાળાઓ ઊભા કરીને, તેમના કોસ્ટલ પ્રોટેક્શન વોલ્સના નિર્માતા દ્વારા દરિયાકાંઠે મીઠા પાણીનો સંગ્રહ કરીને ક્ષારોને આગળ વધતા અટકાવવા પડે તેવી જ રીતે રાજનીતિમાં વધી રહેલી કડવાશ નિવારવા માટે ખેલદિલી તથા દેશપ્રેમ આધારિત બંધારણીય ભાવનાઓને પુનર્જિવિત કરવી જ પડશે, અન્યથા આપણી રાજનીતિ ધક્કામૂક્કીના માર્ગે લોકતંત્રને કલંકિત કરશે, જુઠ્ઠાણાના ઝાડવા વાવીને એકબીજાને પછાડવાના પ્રપંચો કરતા નેતાઓની શાન ઠેકાણે નહીં આવે, તો આપણા લોકતંત્રની પણ પડોશી દેશો જેવી હાલત થતા વાર નહીં લાગે, તેથી બી એલર્ટ... પ્લીઝ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial