Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં સમાજની વાડી પાસે રહેતા શખ્સ સામે બે ફરિયાદઃ શેઢા બાબતે હુમલો

બીજી જગ્યાએ કામ કરવા જવાના મુદ્દે શ્રમિકને માર મારી ધમકી અપાઈઃ

જામનગર તા. ૧૮: ભાણવડમાં એક સમાજની વાડી પાસે વસવાટ કરતા શખ્સે ત્યાં યોજાતા પ્રસંગો દરમિયાન અવારનવાર મહિલાઓની હાજરીમાં અભદ્ર ભાષા વાપરી વાડીના સીસીટીવી કેમેરા ફોડી નાખ્યાની તેમજ ત્યાં રમતા છોકરાઓને પથ્થરના ઘા કરી ભગાડી દીધાની બે ફરિયાદ પોલીસમાં થઈ છે. જ્યારે બીજે કામ કરવા જતા પરપ્રાંતિય શ્રમિકને ત્રણ શખ્સે ધોકાવી ચોથાને ધમકી આપી હતી. જમીન તથા રસ્તા બાબતે મનદુખ થતા માલેતા ગામના એક પ્રૌઢને મહિલા સહિત પાંચ વ્યક્તિએ માર મારી ધમકાવ્યાની અને શેઢા બાબતે બોલાચાલી પછી કરાયેલા કેસનો ખાર રાખી એક વૃદ્ધને માર મરાયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ સ્થિત આવેલી પટેલ સમાજની વાડી પાસે રહેતો ધીરજલાલ તુલસીદાસ પરમાર નામનો શખ્સ સમાજની વાડીમાં યોજાતા પ્રસંગો દરમિયાન મહિલાઓની હાજરીમાં ખરાબ વર્તન કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વિક્ષેપ સર્જતો હોવાની અને આ શખ્સે ગઈ તા.૯ની સાંજથી તા.૧૧ની સવાર સુધીમાં વાડીના સીસી ટીવી કેમેરામાં પથ્થર મારી તેમાં અને વાડીના દરવાજામાં લાતો મારી નુકસાન સર્જયાની વાડીના પ્રમુખ દીપુલભાઈ એમ. હીરાણીએ ફરિયાદ નોંધાવી છે.

આ જ રીતે ધીરજલાલ પરમારે ગઈ તા.૯ના દિને  સમાજની વાડીમાં યોજાયેલા પ્રસંગમાં આવેલા મહેમાનોના બાળકો નજીકમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં રમતા હતા ત્યારે તેની સાથે ખરાબ વર્તન કરી પથ્થરના છૂટા ઘા કર્યા હતા અને પ્લોટના દરવાજામાં પથ્થર મારી તેમાં નુકસાન સર્જયું હતું તેવી ફરિયાદ હરેશભાઈ કાંતિભાઈ સુતરીયાએ પોલીસમાં નોંધાવી છે.

દ્વારકા નજીક કુરંગા ગામ પાસે કિશોરભાઈના કવાર્ટરમાં વસવાટ કરતો મૂળ બિહારનો નાગેન્દ્ર જગદીશપ્રસાદ નામનો શ્રમિક ચારેક મહિનાથી શક્તિ એન્ટરપ્રાઈઝમાં કામ કરવાનું બંધ કરી અન્ય સ્થળે કામે જતો હતો તેનો ખાર રાખી કલ્યાણપુરના ભાટીયાના રામ ગઢવી, રાણશી, હરી તથા બિહારના ગુડુ અને એક અજાણ્યા શખ્સે શુક્રવારે રાત્રે નાગેન્દ્રના કવાર્ટર પાસે આવી ગાળો ભાંડ્યા પછી ફડાકા ઝીંકયા હતા અને ગુડુએ ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી.

કલ્યાણપુર તાલુકાના માલેતા ગામના વેજાણંદભાઈ દેવશીભાઈ રાવલીયા સાથે જમીન તથા રસ્તા બાબતે દલવીર રામભાઈ ડુઆ અને કાળુ દેવશીભાઈ રાવલીયા, પાર્થ દલવીરને માથાકૂટ થઈ હતી તેનો ખાર રાખી ગઈ તા.૧૦ની બપોરે ભેંસ ચરાવવા જતા વેજાણંદભાઈ પર ખપારી, પથ્થર, ત્રિકમના હાથા વડે પ્રવીણ કાળુભાઈ, પાર્થ દલવીર, કાળુ દેવશીભાઈ, દલવીર રામભાઈ, રાધુબેન પ્રવીણભાઈ તથા તેમના મજૂરોએ હુમલો કરી માર માર્યાે હતો તેમજ અહીંથી જતા નહી તેમ કહી ધમકી આપી હતી.

ભાણવડના ચમારવાસમાં રહેતા લખમણ પાલાભાઈ સોલંકી સાથે તેમના પુત્રને બાઈક ચલાવવાની બાબતે ભરત બાવનભાઈ બાટા, તુષાર લખુભાઈ બગડા, ખુશાલ રમેશભાઈ ચાંડપા, દેવ ભરતભાઈ સોનગરા નામના શખ્સે લાકડી-પાઈપથી માર મારી ધમકી આપી હતી.

ભાણવડના માલાભાઈ બધાભાઈ ભરવાડ અને માવજી જગાભાઈ સતવારા વચ્ચે શેઢા બાબતે બેએક વર્ષ પહેલા બોલાચાલી થયા પછી અમારા પર ખોટો કેમ કેમ કર્યાે તેમ કહી ગઈ તા.૮ની સવારે માવજી મારવા દોડ્યો હતો. આ શખ્સે પથ્થર પર પછડાટ મરાવી માલાભાઈને ઢીકાપાટુથી ઈજા કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh