Advertisement
Author: નોબત સમાચાર

મણિપુરમાં ભાજપના ધારાસભ્યોના રહેણાંકો પર હુમલાઃ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાદળો તૈનાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે દિલ્હીમાં યોજશે બેઠક

ઈમ્ફાલ/નવી દિલ્હી તા. ૧૮: ફરીથી મણિપુરમાં હિંસાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને બીજેપી-કોંગ્રેસના કાર્યાલયમાં લૂંટ તથા ભાજપના ધારાસભ્યોના ઘરોમાં આગચંપી દરમિયાન એકનું મોત થયું છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાદળોએ મોરચાબંધી કરી છે.

મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. રવિવારની રાત્રે ઉગ્ર ભીડે જિરીબામ જિલ્લાના બાબૂપુરા સ્થિત ભાજપ અને કોંગ્રેસની ઓફિસમાં લૂંટ કરી તોડફોડ કરી હતી. ઉગ્ર ભીડે સંબંધિત ઓફિસોમાં ફર્નિચરનો સામાન બહાર કાઢી સળગાવી દીધો હતો. ત્યારપછી સુરક્ષાદળોએ ભીડને દૂર કરવા અને સ્થિતિનો સામનો કરવા ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક ગોળી અથૌબાને લાગી, જેનાથી તે ઘાયલ થઈ ગયો અને બાદમાં તેનું મોત થઈ ગયું હતું.

મીડિયાના અહેવાલો મુજબ વિરોધીઓએ નિંગથૌખોંગમાં લોક નિર્માણ મંત્રી ગોવિંદદાસ કોંથૌજમ, લેંગમેડોંગ માર્કેટમાં ભાજપ ધારાસભ્ય વાય. રાધેશ્યામ, થોબલ જિલ્લામાં ભાજપના ધારાસભ્ય પાઓનમ બ્રોજેન અને ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય લોકેશ્વરના ઘરોને આગ લગાવી દીધી હતી.

આ સમયગાળા દરમિયાન ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો ઘરે હાજર ન હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી તે પહેલા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતાં.

દેખાવકારોએ શનિવારે રાત્રે ઈમ્ફાલ પૂર્વ વિસ્તારમાં મુખ્યમંત્રી બિરેન સિંહના પૈતૃક આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતોે. પરંતુ સુરક્ષાદળોએ તેમને ૧૦૦-ર૦૦ મીટર અગાઉથી અટકાવી દીધા હતાં. ત્યારબાદ ટોળાએ ટાયર સળગાવ્યા અને બિરેનના ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર અટકાવી દીધી હતી. હિંસા વિશે અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, ઉગ્રવાદીઓએ રાતોરાત જિરીબામ શહેરમાં ઓછામાં ઓછા બે ચર્ચ અને ત્રણ ઘરોને પણ આગ લગાવી દીધી હતી. તોફાનીઓએ વધુ આગચંપી કરી હોવાના અહેવાલો પણ આવ્યા છે. પરંતુ આ દાવાઓની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

ઈમ્ફાલ ઘાટીમાં રાતભર આગચંપી અને ભીડ દ્વારા ૧૩ ધારાસભ્યોના ઘર પર હુમલાની ખબર સામે આવી. તેમાંથી નવ ધારાસભ્ય ભાજપના હતાં. પોલીસે જણાવ્યું કે, જ્યારે હિંસા ઓછી થતી દેખાઈ ત્યારે  ભાજપના ધારાસભ્ય કોંગરખમ રોબિન્દ્રોને મળવાની માંગ કરી રહેલી ભીડે રવિવારે સાંજે ઈમ્ફાલના પશ્ચિમમાં તેમના પૈતૃક ઘરમાં તોડફોડ કરી દીધી હતી.

સુરક્ષાદળોએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં મોરચાબંધી કરતા વિસ્તારોમાં ૧૦૭ નાકા અને ચેકપોસ્ટ સ્થાપિત કર્યા છે. જેમાં પહાડી અને ઘાટી બન્ને વિસ્તાર પામેલ છે. આ ચેકપોસ્ટ પર કોઈપણ પ્રકારના ઉલ્લંઘન માટે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી. જેનાથી સુરક્ષાદળોની હાજરીમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. સુરક્ષાદળોએ પોતાના આ સર્ચ ઓપરેશન હેઠળ નેશનલ હાઈવે-ર પર આવશ્યક વસ્તુથી ભરેલા ૪પ૬ વાહનોની સલામત અવરજવર સુનિશ્ચિત કરી છે. સાથે જ સંવેદનશીલ વિસ્તાર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, અને સંવેદનશીલ રસ્તા પર સુરક્ષા કાફલાને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી વાહનોની અવિરત અને સલામત અવરજવર સુનિશ્ચિત કરી શકાય.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મણિપુરની તાજેતરની સ્થિતિની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. ગૃહમંત્રી રવિવારે મહારાષ્ટ્રથી પોતાના રાજકીય કાર્યક્રમો રદ્દ કરી દિલ્હી પહોંચ્યા હતાં, ત્યારબાદ ગૃહમંત્રીએ પણ દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. આ દરમિયાન ટોચના અધિકારીઓને પુર્વોત્તર રાજ્યમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં લેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રીના નિર્દેશ બાદ સીઆરપીએફના ડિરેક્ટર જનરલ અનિશ દયાલસિંહ રવિવારે રાજ્યની મુલાકાત કરવા પહોંચ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh