Advertisement
Author: નોબત સમાચાર

ભણતરની ચિંતા અનુભવતા કાલાવડના યુવતીએ ખાધો ગળાફાંસોઃ શ્રમિક મહિલાનું વિષપાન પછી મૃત્યુ

રાવલમાં યુવકે અકળ કારણથી ગળાટૂંપો ખાઈ કરી આત્મહત્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮ઃ કાલાવડમાં વસવાટ કરતા એક વિદ્યાર્થિનીએ પોતાના કોલેજના અભ્યાસ અંગે સતત કરેલી ચિંતાના કારણે તેણીને બ્લડપ્રેશરની બીમારી લાગુ પડી હતી. તે પછી પણ સતત ભણતરની ચિંતા કરતા રહેતા આ યુવતીએ ગઈકાલે પોતાના ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. તેણીના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. શેઠવડાળા નજીક વીરપરમાં એક ખેત શ્રમિક મહિલાએ અકળ કારણથી ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી છે અને કલ્યાણપુરના રાવલમાં એક યુવાને અગમ્ય કારણથી ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે.

કાલાવડ શહેરની ટોડા સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પ્રેમજીભાઈ બાબરીયા નામના પ્રૌઢની વીસ વર્ષની પુત્રી રાધિકાબેન હાલમાં કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ યુવતી ભણવા બાબતે ખૂબજ ચિંતા કરતા રહેતા હતા. જેના કારણે તેઓને બ્લડપ્રેશરની બીમારી વળગી ગઈ હતી. તે દરમિયાન ગઈકાલે સવારે આ યુવતીએ પોતાના ઘરમાં એક ઓરડામાં રહેલા પંખામાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો છે. તેની જાણ થતાં પિતા સહિતના પરિવારજનોએ રાધિકાબેનને નીચે ઉતારી સારવાર માટે ખસેડ્યા હતા. બેભાન બનેલા આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. પિતા રાજેશભાઈએ પોલીસને વાકેફ કરી છે.

જામજોધપુર તાલુકાના વીરપર ગામમાં આવેલા જીતેશભાઈ અજુડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ઓઢી ગામના વતની પિન્ટુભાઈ ભાઈલાભાઈ ધાણક નામના શ્રમિકના પત્ની લલીતાબેન (ઉ.વ.૨૦)એ મંગળવારની રાત્રે તે ખેતરમાં જ બનાવી આપવામાં આવેલા રહેણાંકમાં કોઈ અકળ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ બાબતની જાણ થતાં લલીતાબેનને સારવાર માટે દવાખાને લઈ જવાયા પછી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી આ મહિલાને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પતિ પિન્ટુભાઈએ પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં રહેતા જયેશભાઈ કેશવભાઈ વાઘેલા નામના અઢાર વર્ષના યુવાને મંગળવારની રાત્રે પોતાના ઘરની ગેલેરીમાં જઈ ત્યાં ગળાટૂંપો ખાઈ લીધો હતો. આ યુવાનનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. પિતા કેશવભાઈ સુકાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. કલ્યાણપુર પોલીસે આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh