Advertisement
Author: નોબત સમાચાર

ભારત સામે ૫૦૦ ટકા ટેરિફ લગાવશે ટ્રમ્પઃ અમેરિકાની સંસદમાં રજૂ થશે દ્વિપક્ષિય બિલ

સ્ટોપીંગ રશિયા'સ એગ્રેસન એકટ-૨૦૨૫ ત્યાંની સંસદમાં પસાર થતા જ બનશે કડક કાયદોઃ ટ્રમ્પને મળશે અમર્યાદિત સત્તા ?

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૮ઃ આવતા અઠવાડિયે અમેરિકાની સંસદમાં સ્પોટીંગ રશિયા'સ એગ્રેસન એકટ ૨૦૨૫ નામના કાયદાનું બિલ રજૂ થશે, જેથી ટ્રમ્પને અમર્યાદ સત્તાઓ મળશે અને તે પછી ભારત પર ટ્રમ્પ ૫૦૦ ટકા ટેરિફ લગાવશે, તેવી સંભાવનાઓ વ્યકત થઈ રહી છે. હકીકતે આ બિલ રશિયાને નબળુ પાડવા દ્વિપક્ષિય સમજૂતિથી રજૂ થનાર છે.

આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. અમેરિકા તેની સંસદમાં એક એવું બિલ રજૂ કરવા જઈ રહૃાું છે, જે જો પસાર થઈ જશે તો ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદવું ખૂબ જ મોંઘું સાબિત થઈ શકે છે.

આ બિલ હેઠળ ભારત પર ૫૦૦% સુધીનો જંગી ટેરિફ લાગી શકે છે. અમેરિકાનું આ પગલું રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના દબાણના ભાગરૃપે લેવાઈ રહૃાું છે. અમેરિકામાં રશિયા વિરુદ્ધ *રશિયા પર પ્રતિબંધ લગાવવાનો અધિનિયમ ૨૦૨૫* નામનો એક નવો અને કડક પ્રતિબંધ કાયદો તૈયાર થઈ રહૃાો છે.

આ દ્વિપક્ષીય બિલ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રેટિક સેનેટર રિચર્ડ બ્લુમેન્ટલ દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠક બાદ સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને વ્હાઇટ હાઉસની મંજૂરી પણ મળી ગઈ છે.

આ કાયદા હેઠળ, જો રશિયા શાંતિ વાટાઘાટોમાં સહયોગ નહીં કરે અથવા કોઈ સમજૂતીનું ઉલ્લંઘન કરશે, તો અમેરિકાને એવા દેશો પર ભારે ટેરિફ લગાવવાનો અધિકાર મળશે જે રશિયા પાસેથી ઉર્જા ઉત્પાદનો ખરીદે છે. આ બિલની સૌથી કડક જોગવાઈ અનુસાર, રશિયા પાસેથી તેલ, ગેસ, યુરેનિયમ કે અન્ય ઉર્જા ઉત્પાદનો ખરીદનારા દેશોના અમેરિકી આયાત પર ૫૦૦% સુધીનો ટેરિફ લગાવી શકાય છે.

આ સ્થિતિમાં ભારત ખાસ નિશાના પર રહેશે, કારણ કે યુક્રેન યુદ્ધ શરૃ થયા પછી ભારતે પોતાની ઉર્જા જરૃરિયાતોને પહોંચી વળવા માટે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. જો આ નવું બિલ લાગુ થશે, તો ભારતને અમેરિકન ટેરિફનો સામનો કરવો પડી શકે છે, જેનાથી ભારત-અમેરિકાના વેપાર સંબંધો પર નકારાત્મક અસર પડવાની પૂરી આશંકા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અગાઉ સંકેત આપ્યા હતા કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો અમેરિકા ટેરિફ વધારી શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે આ પગલું રશિયાને આર્થિક રીતે નબળું પાડશે, પરંતુ તેનાથી વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા અને મિત્ર દેશો વચ્ચે તણાવ પણ વધી શકે છે. હવે અમેરિકી સેનેટમાં આ બિલ પર આવતા અઠવાડિયે મતદાન થવાનું છે, જે આંતરરાષ્ટ્રીય સંબંધોની નવી દિશા નક્કી કરશે.

ઉલ્લેખનિય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણાં દેશો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વેનેઝુએલા સામે લશ્કરી કાર્યવાહી કર્યા પછી, ટ્રમ્પ હવે ભારત, બ્રાઝિલ અને ચીન પર ફરીથી ટેરિફ લાદવાની તૈયારી કરી રહૃાા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર બંને દેશો પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાની યોજના ધરાવે છે.ટ્રમ્પ વહીવટીતંત્રે એક બિલને મંજૂરી આપી છે જેના હેઠળ ભારત, બ્રાઝિલ અને ચીન પર ૫૦૦ ટકા ટેરિફ લાદવામાં આવશે. પરિણામે, ત્રણેય દેશોએ અમેરિકન નિકાસ પર વધારાનો ૫૦૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.

હાલમાં, અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. રશિયા પાસેથી તેલની ખરીદીને લઈને ભારત અને ચીન પર અમેરિકા પોતાની પકડ વધુ આક્રમક કરી શકે છે. રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક દ્વિપક્ષીય બિલને મંજૂરી આપી છે જે રશિયા પાસેથી તેલ અને યુરેનિયમ ખરીદનારા દેશોને દંડ કરશે.

જોકે, સેનેટ અને ગૃહ નેતૃત્વએ અગાઉ આ બિલ પર મતદાન મુલતવી રાખ્યું છે. આનું કારણ એ હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ભારતમાંથી સીધા આયાત કરાયેલા માલ પર ટેરિફ લાદવાનું વધુ અસરકારક માને છે. ભારત રશિયાથી તેલનો વિશ્વનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે, ત્યારબાદ ચીન આવે છે.

નોંધનીય છે કે ગયા વર્ષે ટ્રમ્પે ભારત પર ૨૫% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, સાથે જ રશિયન તેલ ખરીદવા પર વધારાના ૨૫% દંડ પણ લાદ્યો હતો. આનાથી કેટલાક ભારતીય ઉત્પાદનો પર કુલ ટેરિફ ૫૦% થયો હતો, જેના કારણે નવી દિલ્હી અને વોશિગ્ટન વચ્ચેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. ચીન સાથે અમેરિકાના વેપાર સંબંધો પણ બગડ્યા છે. અમેરિકાએ ચીની માલ પર ૧૪૫% સુધી ટેરિફ લાદ્યો હતો, જેનો જવાબ ચીને અમેરિકન ઉત્પાદનો પર ૧૨૫% ટેરિફ લાદીને આપ્યો હતો. હવે, નવા પ્રતિબંધ બિલથી આ સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh