Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં લોકસભાની ૨૬, વિધાનસભાની પાંચ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા શરૃઃ ૭ મેના મતદાન

રાજ્યના મુખ્ય નિર્વાચીન અધિકારી પી. ભારતીએ આપી સવિસ્તર વિગતોઃ આચારસંહિતાની અમલવારીની આંકડાઓ સાથેની માહિતી રજુ

અમદાવાદ તા. ૧૩: લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટાચૂંટણીના નામાંકન પત્રો ભરવાનું શરૂ થવા જઈ રહ્યું છે, અને રાજયમાં સમાવિષ્ટ ૨૬ લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણી અને ૦૫ વિધાનસભા મતવિભાગની પેટાચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની સવિસ્તર વિગતો રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીએ રજૂ કરી છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની ૨૬ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાન સભાની ૦૫ બેઠકો માટેની પેટાચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ રહી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમાવિષ્ટ ૨૬ લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ ૦૫ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ દ્વારા નમુના નં-૦૧ માં ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેથી આગામી તા.૧૯ એપ્રિલ, ૨૦૨૪ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે ૧૧ વાગ્યાથી બપોરના ૦૩ વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૪ના સવારે ૧૧ કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ ના બપોરે ૦૩ વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.

ઈવીએમ-દ્વિતીય રેન્ડમાઈઝેશન

રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઇવીએમ મશીનોની ફાળવણી જિલ્લા કક્ષાએથી એસેમ્બ્લી સેગ્મેન્ટ (એએસ) કક્ષાએ કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ઇવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

ફરજ પરના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા

ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ અંગે ચૂંટણી પંચની સૂચના અનુસાર ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધાની જગ્યાએ તેઓને તાલીમના સ્થળે જ મતદાન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે પોલીસ કર્મચારીઓ, ડ્રાઇવર્સ, કન્ડક્ટર્સ સહિત ચૂંટણી ફરજ પરના આશરે ૪ લાખથી વધુ કર્મચારીઓને ટપાલ મત પત્ર માટેના ફોર્મ-૧૨ આપવાની કામગીરી ચાલી રહી છે.

એબ્સન્ટી વોટર્સને પોસ્ટલ બેલેટની સુવિધા

મતદારયાદીમાં નોંધાયેલા ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા કુલ ૪.૧૯ લાખ કરતાં વધુ વરિષ્ઠ મતદારો તથા ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૩.૭૫ લાખ કરતાં વધુ દિવ્યાંગ મતદારો; જો તેઓ ઈચ્છે તો પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે તેઓને નિયત ફોર્મ-૧૨ડી વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ૧૨ જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી પોસ્ટલ બેલેટથી મતદાનની પદ્ધતિની સમજણ આપવામાં આવી છે. તેઓને આ માટેના નિયત ફોર્મ-૧૨ડ્ઢ પહોંચાડવાની કામગીરી હાલ ચાલુ છે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ

રાજ્યમાં ૨૭ જનરલ ઓબ્ઝર્વર, ૨૮ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને ૧૪ પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત ૭૫૬ ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ. ૬.૫૪ કરોડ રોકડ, રૂ. ૧૧.૭૩ કરોડની કિંમતનો ૩.૮૪ લાખ લીટર જેટલો દારૂ, રૂ. ૨૭.૬૨ કરોડની કિંમતનું ૪૫.૩૭ કિલો સોનું અને ચાંદી, રૂ. ૧.૭૩ કરોડની કિંમતના ૫૬૪.૪૯ કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સિગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.૩૯.૨૦ કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.૮૬.૮૨ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં ૧,૨૦૩ સ્ટેટીક  સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે.

મળેલી ફરિયાદો-તેનું નિવારણ

(સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા. ૧૬-૦૩-૨૪ થી તા. ૧૦-૦૪-૨૪ સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ ૧,૬૧૫ ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

નેશનલ ગ્રીઈવન્સ સર્વિસ પોર્ટલ પર તા. ૧૬-૦૩-૨૪ થી તા. ૧૦-૦૪-૨૦૨૪ સુધી મતદાર ઓળખપત્ર (ઈપીઆઈસી) અંગેની ૬,૦૮૭ મતદાર યાદી સંબંધી ૫૭૪, મતદાર કાપલી સંબંધી ૧૩૮ તથા અન્ય ૧,૫૨૦ મળી કુલ ૮,૩૧૯ ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા. ૧૬-૦૩-૨૪થી કુલ ૯૯ ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી ૧૮, રાજકીય પક્ષો લગત ૦૯, ચૂંટણી પંચ સંબંધી ૩૪ તથા અન્ય ૩૭૪ મળી કુલ ૪૩૫ ફરિયાદ મળી છે.

આદર્શ આચારસંહિતા હેઠળ સવા બે લાખ રાજકીય પોસ્ટર-બેનર્સ હટાવાયા

તા.૧૬-૩-૨૦૨૪ થી તા. ૧૦-૪-૨૦૨૪ સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ ૧,૬૪,૯૮૪ તથા ખાનગી મિલકતો પરથી કુલ ૬૦,૭૩૭ રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh