Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયો ન્હાઈને બાલાચડીથી પરત આવતા હતાઃ બે યુવાનના ઘટનાસ્થળે અને બેના સારવારમાં મૃત્યુઃ
જામનગર તા. ૧૩: જામનગરના ગોકુલનગર સાંઢીયા પુલ પાસે રહેતા એક કોળી યુવાન અને તેમના ફઈના બે દીકરા અને કાકાના દીકરાએ ગઈકાલે બાલાચડીના દરિયે જવાનું નક્કી કર્યા પછી દરિયામાં ન્હાઈને ચારેય યુવાન પરત આવતા હતા ત્યારે સચાણા પાસે તેમની મોટર સાથે ટ્રક ટકરાઈ જતાં બે યુવાનના ઘટનાસ્થળે અને બે યુવાનના હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજ્યા છે. એક મૃતક પરિણીત હતા તેમના પુત્રએ પિતાની છત્રછાયા ગૂમાવી છે. પોલીસે ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગોકુલનગર નજીક આવેલા સાંઢીયા પુલ પાસે મહાલક્ષ્મી બંગ્લોઝમાં રહેતા સુભાષભાઈ કારાભાઈ લીંબડ નામના કોળી પ્રૌઢનો પુત્ર સાહિલ (ઉ.વ.૧૮) તેમજ સાહિલના ફઈના દીકરા રોહિત ડાયાભાઈ વાંઝા (ઉ.વ.૧૯), સાહિલના કાકાના દીકરા રાહુલ નીતિનભાઈ લીંબડ (ઉ.વ.૨૨) અને ફઈના દીકરા વિશાલ દીપકભાઈ સરવૈયા નામના ચાર યુવાન ગઈકાલે બપોરે વિશાલ દીપકભાઈના મિત્રની જીજે-૧૦-બીઆર ૩૨૦૧ નંબરની આઈ-૧૦ મોટરમાં બાલાચડીના દરિયામાં ન્હાવા માટે રવાના થયા હતા.
આ યુવાનોએ સવારે બાલાચડી જવાનુું નક્કી કર્યા પછી સાહિલ લીંબડના ફઈના દીકરા વિશાલભાઈ પોતાના મિત્ર પાસેથી આઈ-૧૦ મોટર લાવ્યા હતા અને તેમાં ચારેય યુવાનો બાલાચડી ગયા પછી સાંજે ચારેક વાગ્યે ત્યાંથી પરત જામનગર આવવા રવાના થયા હતા. તેઓ જ્યારે બાલાચડીથી જાંબુડા ગામના પાટિયા તરફના માર્ગ પર સચાણા ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતા જીજે-૧૨-બીવી ૩૦૭૧ નંબરના ટ્રકે તે મોટરને ઠોકર મારી હતી. રોડ પરથી નીચે ઉતરી ગયેલી મોટર નજીકમાં આવેલી દુકાનો સુધી પહોંચી ગઈ હતી. ટક્કર માર્યા પછી ટ્રક પણ આડો પડી ગયો હતો.
અકસ્માતનો ધડાકો સાંભળી ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભવા માંડ્યા હતા અને સ્થળ પર હાજર લોકો દોડી આવ્યા હતા. તેમાંથી કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. તેની સાથે જ જામનગરથી ફાયરબ્રિગેડની ટૂકડી પણ આવી પહોંચી હતી.
આગળથી બૂકડો બોલી ગયેલી મોટરમાંથી ચારેય યુવાનોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા જેમાં પાછળ બેસેલા બે યુવાનને ગંભીર ઈજા થઈ હોય ૧૦૮માં જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને આગળ બેસેલા બંને યુવાનને બહાર કાઢવાના પ્રયાસો શરૂ થયા હતા. જેમાં ફાયરબ્રિગેડની ટીમે મોટરના આગળનો દરવાજો તોડી અંદર ફસાઈ ગયેલા બંને યુવાનોને બહાર કાઢ્યા હતા. તે દરમિયાન આ યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા.
અકસ્માતની જામનગર સ્થિત સુભાષભાઈ લીંબડને જાણ કરાતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પંચકોશી-એ ડિવિઝનના પીએસઆઈ એ.કે. પટેલે ૧૦૮માં આવી પહોંચેલા બંને ઈજાગ્રસ્તોને સારવાર અપાવવાનું શરૂ કરી સુભાષભાઈની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે આઈપીસી ૩૦૪ (અ), ૩૩૭, ૩૩૮, ૨૭૯ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
સારવારમાં રહેલા બે યુવાન પૈકીના એક યુવાનનું મોડીસાંજે અને બીજા યુવાનનું રાત્રે મૃત્યુ નિપજતા આ અકસ્માતનો મૃત્યુઆંક ૪નો થયો છે. ચારેય યુવાનોએ આ કાળજગરા અકસ્માતમાં મહામૂલી જિંદગી ગૂમાવી દીધી છે.
મૃતક વિશાલભાઈ સરવૈયા (ઉ.વ.૩૫) પરણેલા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર છે. તેઓને ગઈકાલે મામાના દીકરા સાહિલભાઈ વગેરેએ બાલાચડી જવાનું ઈજન આપતા ચારેય યુવાનોએ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો અને તેના ભાગરૂપે વિશાલભાઈ પોતાના મિત્ર પાસેથી મોટર પણ લાવ્યા હતા. થોડી જ મિનિટ પહેલાં જે ચાર યુવાન બાલાચઢીના દરિયામાં મસ્તી મજાક કરતા હતા તેઓને આવી રીતે અચાનક જ કાળ ભરખી જતાં ચારેય યુવાનના પરિવાર પર વજ્રઘાત થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial